પાકિસ્તાનની મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 50થી વધુ લોકોના મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનના મસ્તુંગ વિસ્તારમાં એક મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. ઉપરાંત 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંકમાં હજું પણ વધારો થવાની આશંકા છે. આ ઘટના શુક્રવારે મુસ્તાંગ જિલ્લામાં બની હતી.
આત્મઘાતી હુમલામાં 50 થી વધુ લોકોના મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, હુમલાખોર પોલીસ અધિકારીના વાહનની નજીક આવ્યો હતો અને તેની પાસે ઉભો હતો ત્યારે તેણે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. આ આત્મઘાતી હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. ઈદના અવસર પર જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે મુસ્તાંગ જિલ્લામાં મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકો એક રેલી માટે એકઠા થયા હતા. છેલ્લા 15 દિવસમાં મુસ્તાંગમાં આ બીજો મોટો વિસ્ફોટ છે. આ મહિનાની શરૂઆતમાં મુસ્તાંગમાં જ એક બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા હતા.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો ઈદ મિલાદુન નબીની ઉજવણીમાં વ્યસ્ત હતા. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાનના વચગાળાના માહિતી મંત્રી જાન અચકઝાઈએ કહ્યું કે, એક બચાવ ટીમને મસ્તુંગ મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટા ખસેડવામાં આવી રહ્યા છે અને તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. આસિસ્ટન્ટ કમિશનર અતાઉલ્લા મુનિમે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની અસર વધુ હતી કારણ કે સ્થળ પર ભારે ભીડ હતી.
મહિનામાં આ બીજો હુમલો
આ બોમ્બ બ્લાસ્ટ શા માટે થયો અને તેની પાછળ કોણ હતું? આનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ જ જિલ્લામાં મહિનાની શરૂઆતમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 11 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં લગભગ 130 લોકો ઘાયલ થયા છે. આ આત્મઘાતી હુમલો હોવાનું કહેવાય છે. પાકિસ્તાની ચેનલો પર જોવા મળે છે કે જમીન પર મૃતદેહોનો ઢગલો પડેલો છે અને દરેક જગ્યાએ લોહી વેરાયેલું છે.
તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર
બલૂચિસ્તાનના ગૃહ મંત્રી જાન અચકઝાઈએ કહ્યું કે, બચાવ ટીમો મુસ્તાંગ મોકલવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. જેથી ઘાયલોને તાત્કાલિક દાખલ કરી સારવાર શરૂ કરી શકાય. અચકઝાઈએ કહ્યું કે, દુશ્મનો અમને ખતમ કરવા માંગે છે. આ અમારી ધાર્મિક સહિષ્ણુતા પર હુમલો છે અને તેમાં વિદેશી શક્તિઓ સામેલ છે. તેમણે કહ્યું કે વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો અને તેની અસર દૂર સુધી અનુભવાઈ હતી.
આ પણ વાંચો - ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો દીકરો Kidnapped ! ISI ની ઊંઘ ઊડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે