મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની જાહેરાત
- મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની જાહેરાત
- ધારાસભ્યોની મળેલી બેઠકમાં કરાયો નિર્ણય
- RSS ની નજીક ગણાય છે મોહન યાદવ
- જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા ડે.સીએમ
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણનો લાંબો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે Mohan Yadav ના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી.
મોહન યાદવ બન્યા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી હતી. આ પછી પાર્ટી દ્વારા મોહન યાદવને આગળ કરવામાં આવ્યા છે. આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં મોહન યાદવના નામ પર સર્વસંમતિ થઈ હતી અને મોહન યાદવ હવે મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી હશે. મોહન યાદવ ઓબીસીનો મોટો ચહેરો છે. યાદવ ઉજ્જૈન દક્ષિણમાંથી વિજયી બન્યા છે અને તેઓ સંઘની ખૂબ નજીક છે.
પોતાના નામની જાહેરાત બાદ શું બોલ્યા મોહન યાદવ ?
મધ્યપ્રદેશના નિયપક્ત કરાયેલા મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું, "મારા જેવા નાના કાર્યકરને આ જવાબદારી આપવા બદલ હું કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. તમારા પ્રેમ અને સહકારથી હું મારી જવાબદારીઓને નિભાવવાનો પ્રયાસ કરીશ."
બે નાયબ મુખ્યમંત્રી અને નરેન્દ્ર સિંહ તોમર સ્પીકર
સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશમાં પણ બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવશે. 17 નવેમ્બરની ચૂંટણી પછી ભાજપે 230 સભ્યોની વિધાનસભામાં 163 બેઠકો જીતીને મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી.
વિદ્યાર્થી જીવનથી રાજકારણની શરૂઆત કરી
ડો. મોહન યાદવે માધવ સાયન્સ કોલેજથી વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. પાર્ટીમાં અનેક પદો સંભાળ્યા બાદ તેમને શિવરાજ સરકારમાં મંત્રી બનવાની તક મળી છે. 1982 માં, તેઓ માધવ વિજ્ઞાન મહાવિદ્યાલય વિદ્યાર્થી સંઘના સહ-સચિવ હતા અને 1984 માં, તેઓ માધવ વિજ્ઞાન મહાવિદ્યાલય વિદ્યાર્થી સંઘના પ્રમુખ હતા. 2004-2010 ની વચ્ચે, તેઓ ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટી (રાજ્ય મંત્રીનો દરજ્જો) ના અધ્યક્ષ હતા.
ભાજપે કોઈને પોતાનો ચહેરો બનાવ્યો નહતો
ગયા મહિને યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈને પણ મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે જાહેર કર્યા ન હોતા. જોકે પાર્ટીએ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી, પરંતુ શિવરાજ ચૂંટણી જીતીને ફરી એકવાર મુખ્યમંત્રી બનશે કે નહીં તે જણાવવામાં આવ્યું નહોતું. શિવરાજ સિંહે પોતે ઘણી વખત કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે પાર્ટી માટે કામ કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ