IFFCO જીત્યા બાદ રાદડિયાનો હુંકાર! આ ખેતર મારા બાપનું લણવાનો અધિકાર પણ મારો જ છે
Jayesh Radadiya: આજે IFFCO ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે. જેથી જયેશ રાદડિયાની IFFCO ના નવા ડિરેક્ટર તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, IFFCOના ડિરેક્ટર પદ માટે જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં જયેશ રાદડિયા (Jayesh Radadiya)નો વિજય થયો છે. આ દરમિયાન જયેશ રાદડિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમનો હુંકારી જોવા મળી રહ્યો છે. તેમણે IFFCO ને પોતાના બાપાનું ખેતર ગણાવતા મોટી વાત કરી છે.
અહીં લડવાનો અધિકાર મારો છેઃ જયેશ રાદડિયા
આ વીડિયોમાં જયેશ રાદડિયાએ કહ્યું કે, ‘મારા પિતાશ્રીએ 30 વર્ષથી વાવેતર કર્યું છે,જેથી અહીં લડવાનો અધિકાર મારો છે. આ ખેતરમાં મારૂ 30 વર્ષનું વાવેતર કરેલું છે અને સમયે આવે આપણા ખેતરમાં કોઇને આવવા દઇએ છીએ? કોઈને નથી આવવા દેતા. અહીં લડવાનો અધિકાર એ તો મારો અધિકાર હોય. જ્યા સુધી આ ખેતર વ્યવસ્થિત છે ત્યા સુધી હું જ લડવા આવવાનો છું. બીજા રાહ જોતા હોય અને ઉપાધી કરતા હોય તો એ પણ બંધ કરી દેજો.’
ચૂંટણીમાં 182 મતદારો પૈકી 180 મતદારોએ મત આપ્યો
તમને જણાવી દઇએ કે, IFFCO ના ડિરેક્ટર પદ માટેની ચૂંટણીમાં 182 મતદારો પૈકી 180 મતદારોએ મત આપ્યો છે. નોંધનીય છે કે,IFFCO ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી લડતા બીજેપીના છે. જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા અને બિપિન પટેલ ઉમેદવાર તરીકે સામે આવ્યા હતા. જેમાંથી જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં 180 મત પૈકી 111 મત સાથે જેતુપરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિજય મેળવ્યો છે. જોકે પહેલા બોક્સની મત ગણતરી કરતી વખતે બિપિન પટેલને 39 અને ધારાસભ્ય જયેશ રાદડિયા 60 મત મળ્યા હતા. ત્યારે બીજા બોક્સની મત ગણતરીના સમયે આ લીડ સાથે 180 પૈકી 111 મત સાથે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાજપ મેન્ડેટ વગર ભાજપના મેન્ડેટ ઉમેદવાર બિપિન પટેલ સામે શાનદાર વિજય મેળવ્યો હતો.