હમાસ પર Israel Defence Force ના હુમલા થયા તેજ, ગાઝામાં રાતભર બોમ્બમારો કર્યો
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 22 મો દિવસ છે. આ દરમિયાન ઘણા બેકસુર લોકો આ યુદ્ધની ભેટ ચઢી ગયા છે. વળી આ સિલસિલો આજે પણ યથાવત છે. મળતી માહિતી અનુસાર, ગાઝામાં રાતભર ઈઝરાયેલ દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, ઉત્તર ગાઝામાં સ્થિતિ વણસી ગઈ છે. IDF (Israel Defence Force) એ હમાસ પર હુમલાઓ તેજ કર્યા છે.
હમાસના અડ્ડા ઈઝરાયેલની વાયુસેનાના નિશાના પર
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીના જણાવ્યા અનુસાર સેનાએ છેલ્લા કેટલાક કલાકોમાં ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા કર્યા છે. અહેવાલો અનુસાર, હમાસના અડ્ડા ઈઝરાયેલની વાયુસેનાના નિશાના પર છે. જો કે, આ દરમિયાન જાનહાનિને રોકવા માટે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. આઈડીએફએ દક્ષિણ ગાઝાના પેલેસ્ટિનિયનોને ઉત્તર તરફ જવાની અપીલ કરી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે જમીની સેના શુક્રવારે રાત્રે તેમની પ્રવૃત્તિને વધુ તીવ્ર બનાવી રહી છે. હગારીના જણાવ્યા અનુસાર, IDF ઉત્તર ગાઝામાં ગાઝા સિટી અને આસપાસના વિસ્તારો પર હુમલો કરવાનું ચાલુ રાખશે. જણાવી દઇએ કે, જેમ જેમ આ યુદ્ધ લંબાઈ રહ્યું છે તેમ તેમ મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. આ યુદ્ધમાં બંને તરફથી 8,700 થી વધુ લોકોના મોત થયા છે, જેમાંથી લગભગ 7,300 પેલેસ્ટાઈન છે. મૃતકોમાં લગભગ 3 હજાર બાળકો અને 1500થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.
ઈઝરાયેલ પર વ્હાઈટ ફૉસ્ફરસ બોમ્બના ઉપયોગનો આરોપ
શુક્રવારે મધ્યરાત્રિએ ગાઝા પર ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં સફેદ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હમાસનો દાવો છે કે ગાઝામાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે. આનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ગાઝા પર ઈઝરાયેલનો જમીની હુમલો આગામી તબક્કામાં પ્રવેશી રહ્યો છે. ઈઝરાયેલે ગાઝાના સ્થાનિક વિસ્તારોમાં તોપમારો તેજ કર્યો છે. હમાસ ઇઝરાયલી સેનાને ગાઝામાં ઘૂસતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. ગાઝાના રહેણાંક વિસ્તારો પર ઈઝરાયેલના તાજેતરના હુમલામાં લગભગ 100 લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ગાઝામાં ઈઝરાયેલના હુમલાને કારણે સંદેશાવ્યવહાર ખોરવાઈ જવાની ચેતવણી આપી છે.
ગાઝાના લોકોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કટ
ઈઝરાયેલની સેનાએ શુક્રવારે રાત્રે ભારે બોમ્બમારો કરીને ગાઝા પટ્ટીમાં ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન સિસ્ટમને ખોરવી નાખી, જેના કારણે ત્યાંના 23 લાખ લોકોનો બહારની દુનિયાથી સંપર્ક કપાઈ ગયો છે. કોઈ માહિતીની આપ-લે થઈ રહી નથી. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તે આ વિસ્તારમાં પોતાના ગ્રાઉન્ડ ઓપરેશનને વિસ્તારી રહી છે. વળી, ઇઝરાયેલી વાયુસેના પસંદગીયુક્ત રીતે હમાસના સ્થાનોને નિશાન બનાવી રહી છે. સતત હવાઈ હુમલા દ્વારા હમાસના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. હમાસના હજારો ઠેકાણાઓ અત્યાર સુધીમાં નષ્ટ થઈ ચૂક્યા છે.
હમાસના આતંકવાદીઓ તેલ અવીવને બનાવી રહ્યા છે નિશાન
ઈઝરાયેલના જબરદસ્ત હુમલા છતાં હમાસના આતંકવાદીઓ હજુ પણ ઈઝરાયેલ પર રોકેટ વડે હુમલો કરી રહ્યા છે. આતંકવાદીઓ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ ઈઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ હમાસના દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહી છે. શુક્રવારની રાત્રે પણ ગાઝા શહેરમાં હવાઈ હુમલા અને વિસ્ફોટોના પડઘા સંભળાતા હતા. બોમ્બ ધડાકાને કારણે ઈન્ટરનેટ, સેલ્યુલર અને લેન્ડલાઈન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ગાઝા વિસ્તારમાં કેટલાક અઠવાડિયા પહેલા વીજળી બંધ થઈ ગઈ હતી અને ખોરાક, પાણી અને ઈંધણ પણ ખતમ થઈ ગયું હતું.
આ પણ વાંચો - Israel Hamas War : ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનો દાવો, હમાસના કમાન્ડરને ઉતાર્યો આ રીતે મોતને ઘાટ…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે