Amreli : કાર ખરીદ્યા બાદ પ્રતિષ્ઠા, પ્રગતિ મળી! જૂની થતાં 'લકી' કારને ખેડૂત પરિવારે આપી અનોખી વિદાય
- Amreli માં ખેડૂત પરિવાર 'લકી' કારને આપી સમાધિ
- ફૂલોથી શણગારી, ઢોલ-DJ નાં તાલે આખું ગામ ઝૂમ્યું
- સંતો-મહંતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપી
લોકો પોતાનાં જીવથી વ્હાલા સગા-સંબંધી, પશુ-પ્રાણી કે સંતો-મહંતોને સમાધી આપતા હોય છે, પણ તમે ક્યારેય એવું જોયું છે કે કોઇ વાહનને સમાધિ આપવામાં આવી હોય! એવી જ એક ઘટના અમરેલીમાંથી (Amreli) સામે આવી છે. લાઠી તાલુકાનાં પાડરશિંગા ગામમાં એક ખેડૂત પરિવારે પોતાની 'લકી' કારને વેચવા કે ભંગારમાં આપવાને બદલે તેને ફૂલોથી શણગારી, ધૂમધામથી ઢોલ અને ડી.જે. નાં તાલે રમઝટ બોલાવી સમાધિ આપી હતી.
આ પણ વાંચો - Ahmedabad : બાળક બાયોલોજિકલ માતા સાથે છે, ગેરકાયદે કસ્ટડી ન કહી શકાય : HC
કાર ખરીદ્યા બાદ પ્રતિષ્ઠા- પ્રગતિ મળી! સમાધિ આપવાનો નિર્ણય કર્યો
અમરેલી (Amreli) જિલ્લાનાં લાઠી તાલુકાનાં પાડરશિંગા ગામમાં (Padarshinga) ગઈકાલે અનેરા ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ અને ડી.જે. ના તાલે રાસની રમઝટ વચ્ચે સમાધિ કાર્યક્રમ યોજાયો હતો. આ સમાધિ કોઈ મનુષ્ય, પશુ-પ્રાણીની નહીં પણ એક જીવની જેમ વ્હાલી કારની હતી. માહિતી મુજબ, પાડરશિંગા ગામનાં ખેડૂત સંજય પોલરા કે જેઓ વ્યવસાયે સુરતમાં (Surat) કંસ્ટરક્શન સાથે જોડાયેલા છે તેમણે વર્ષ 2013-14 માં એક કાર ખરીદી હતી. સંજયભાઈનું માનવું છે કે, આ કાર ખરીદ્યા બાદ તેમની પ્રતિષ્ઠા અને પ્રગતિમાં ખૂબ જ વધારો થયો હતો. સમાજમાં પણ તેમની સારી એવી નામના થઈ છે. આથી, સંજયભાઈ આ કારને તેમના માટે ખૂબ જ 'લકી' માને છે. આ કાર જૂની થતાં તેને વેચી દેવા કે પછી ભંગારમાં આપી દેવાને બદલે સંજયભાઈએ કારને શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ (Car Samadhi) આપવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો - Surat : રાત્રિ ભોજનમાં 20 મહિલાઓ એકાએક બેભાન થઈ, અફરાતફરીનો માહોલ!
શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપી, સંતો-મહંતો હાજર રહ્યા
ગઈકાલે કારનો સમાધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાડરશિંગા ગામ સહિત નજીકનાં ગામનાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કારને શાસ્ત્રોકત વિધિ સાથે સમાધિ આપવામાં આવી હતી. આ પહેલા કારનું સામૈયું પણ કાઢવામાં આવ્યું હતું અને સામૈયા સાથે ઢોલી પર પૈસા વરસાવતા સંજય પોલરા અને કુટુંબી, મિત્રો હિલોળે ચડ્યા હતા. કારની ફરતે મહિલાઓ રાસ રમતા જોવા મળી હતી. આ 'લકી' કારને સંજય પોલરાએ પોતાની વાડીએ 12 ફૂટનો ઊંડો ખાડો કરીને વિધિ વિધાન સાથે સમાધિ (Car Samadhi) આપી હતી. સમાધિ સ્થળે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો - Surat : કાફેની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ! ગ્રાહક અને દલાલની ધરપકડ