સ્લીપર બસમાં લાગી ભીષણ આગ, બે લોકોના મોત, ઘણા દાઝી ગયા
ગુરુગ્રામથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર હાઈવે પર એક સ્લીપર બસમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ ભીષણ આગમાં બે લોકોના મોત થયા છે અને ઘણા મુસાફરો દાઝી ગયા છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
પેસેન્જર બસમાં અચાનક લાગી આગ
જયપુરથી દિલ્હી આવી રહેલી પેસેન્જર બસમાં અચાનક આગ લાગવાથી બે લોકોના મોત થયા છે. બસ ડબલ ડેકર હતી જેમાં અચાનક આગ લાગી હતી. અકસ્માતમાં 10 થી 12 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત ગુરુગ્રામના સિગ્નેચર ટાવર પાસે થયો હતો. ગુરુગ્રામના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) વરુણ દહિયાએ જણાવ્યું હતું કે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનામાં બે લોકોના થયા મોત
ઘટના બાદ દિલ્હી-જયપુર હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ આંધ્રપ્રદેશ નંબરની હતી અને દિલ્હીથી જયપુર જઈ રહી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કમિશનર વિકાસ અરોરા અને ડીસી નિશાંત કુમાર યાદવ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા બે લોકોમાં એક વૃદ્ધ મહિલા અને એક યુવતીનો સમાવેશ થાય છે. બંનેના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
આગની જ્વાળાઓ દૂરથી જોઇ શકાતી હતી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર થોડી જ વારમાં બસ સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગઈ હતી. આગની જ્વાળાઓ ઘણી ઉંચાઈએ વધી રહી હતી. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાતી હતી અને આગ એટલી ભયાનક હતી કે નજીકથી પસાર થતા વાહનોના પૈડા અમુક જગ્યાએ થંભી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને જામમાં ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા.
દરમિયાન પોલીસ કમિશનર વિકાસ અરોરાએ જણાવ્યું કે બસ ગુરુગ્રામના સેક્ટર-12 થી મીરપુર જઈ રહી હતી અને તેમાં લગભગ 35 કામદારો હતા. તેમણે જણાવ્યું કે, આ ઘટના સેક્ટર 31 ફ્લાયઓવર પર બની હતી અને આ દુર્ઘટનામાં અન્ય ઘણા મુસાફરો દાઝી ગયા હતા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 10થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા.
આ પણ વાંચો - દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે થશે કૃત્રિમ વરસાદ, જાણો શું છે આ ટેક્નોલોજી?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે