Operation Asur : અબોલ પશુઓને બચાવવા Gujarat First નું દિલધડક ઓપરેશન
ગુજરાત ફર્સ્ટ ભ્રષ્ટાચાર અને ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા તત્વોને ખુલ્લા પાડવા માટે ઓપરેશન અસુર ચલાવી રહ્યું છે. ઓપરેશન અસુર દ્વારા આવા અસામાજીક તત્વોને સરકાર અને તંત્ર સમક્ષ ખુલ્લા પાડવામાં આવે છે ત્યારે આજે બનાસકાંઠામાંથી કતલખાને લઇ જવાતા અબોલ પશુઓને બચાવવાનું ભગીરથ કાર્ય ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યું હતું અને ઓપરેશન અસુર અંતર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમે જાનના જોખમે હાઇવે ને બ્લોક કરીને આ અસુરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ અસુરો ભાગ્યા હતા અને તેમણે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાને કચડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસની મદદથી છાપી નજીકથી અબોલ પશુ ભરેલો ટ્રક ઝડપી લેવામાં સફળતા મળી હતી. ગુજરાત ફર્સ્ટે આ જાંબાજ ઓપરેશન સુપેરે પાર પાડ્યું હતું. રાત્રે 2 વાગે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા જયેશ ચૌધરીને પાલનપુર નજીક જાણ થઇ
ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા જયેશ ચૌધરી અને સચીન શેખલીયાને પાલનપુર નજીક જાણ થઇ હતી કે કેટલાક ટ્રકોમાં અબોલ પશુઓને ભરીને તેમને કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે અને તે જાણ થતાં જ જયેશ ચૌધરી ચોંકી ઉઠ્યા હતા. એક સ્થાનિક યુવકે તેમને આ સંદેશો આપ્યો હતો. ત્યારબાદ તેમણે તુરત જ સતર્કતા અને સંવેદનશીલતા દાખવી આ પશુઓને બચાવવાનો નિર્ણય કર્યો હતો અને દિલધડક ઓપરેશન કર્યું હતું.
દિલધડક ઓપરેશન શરુ
બનાસકાંઠાના પાલનપુર નજીક ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ આ દિલધડક ઓપરેશન શરુ કર્યું હતું. જયેશ ચૌધરી અને ટીમ તુરત જ અબોલ પશુઓને બચાવવા માટે મેદાનમાં ઉતરી ગઇ હતી. ટીમે આ અબોલ પશુઓ ભરીને આવી રહેલા ટ્રકોને રોકવા માટે હાઇવે પર બ્લોક સર્જ્યો હતો. હાઇવે પર તેમણે બેરીકેટીંગ કર્યું હતું.
સંવાદદાતા જયેશ ચૌધરી પર હુમલો કર્યો
હાઇવે પર બ્લોક સર્જવાના કારણે અબોલ પશુઓ લઇને આવી રહેલા અસુરો ગભરાયા હતા અને તેમણે તેમને રોકવાનો પ્રયાસ કરનારા સંવાદદાતા જયેશ ચૌધરી પર હુમલો કર્યો હતો. આ અસુરોએ તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ ડર્યા વિના આ અસુરોને સામનો કર્યો હતો જેના પગલે અબોલ પશુના પાપીઓને પકડવા હાઈવે વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મળેલી માહિતી મુજબ ચારથી પાંચ ટ્રકમાં ગેરકાયદે અબોલ પશુ ભરેલા હતા.
ટ્રકનો પીછો કર્યો હતો
આ અસુરોએ ટોલ ટેક્ષ પરથી ભાગ્યા હતા. ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ આ અસુરોને રોકવાનો પ્રયાસ કરતાં કેટલાક ટ્રક ચાલકે ભયજનક રીતે રોંગ સાઇડમાં ટ્રક ભગાવી મુકી હતી. જો કે સંવાદદાતા જયેશ ચૌધરી અને તેમની ટીમે અને સ્થાનિકોએ આ ટ્રકનો પીછો કર્યો હતો. મામલા અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતા અને પોલીસની ટીમ પણ ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરમાં જોડાઇ હતી.
છાપી નજીકથી અબોલ પશુ ભરેલો ટ્રક ઝડપાયો
ફિલ્મી ઢબે કરાયેલા પીછા બાદ અંતે છાપી નજીકથી અબોલ પશુ ભરેલો ટ્રક ઝડપાયો હતો. જો કે અન્ય ત્રણથી ચાર ટ્રકમાં રહેલા અસુરો ભાગી છુટ્યા હતા. ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ હિંમત બતાવીને અબોલ પશુઓ ભરેલો ટ્રક રંગે હાથે ઝડપ્યો હતો. ગુજરાત ફર્સ્ટની ટીમે આ ટ્રક ચાલકનો ઇન્ટરવ્યું કર્યો ત્યારે તેણે કબૂલાત પણ કરી હતી.
પરમિટ વિના અબોલ પશુઓના નેટવર્કને કોના આશીર્વાદ
ગુજરાત ફર્સ્ટે કરેલા આ દિલધડક ઓપરેશનથી સવાલ ઉભો થયો છે કે પરમિટ વિના અબોલ પશુઓના નેટવર્કને કોના આશીર્વાદ છે.
કોની દાદાગીરીથી અબોલ પશુના પાપીઓ આ રીતે બેફામ બન્યાં છે. મીડિયાકર્મી પર હુમલા કરનારા ગુંડાઓમાં આવી હિંમત ક્યાંથી આવી તે પણ સવાલ છે. પરમિટ વિના આવા કેટલાં ગુંડાતત્વો કારોબાર ચલાવે છે તે સવાલ છે. પોલીસ પર પણ આ તત્વો આ રીતે જ હુમલો કરે છે. જે ટ્રકો લઇને ગુંડા તત્વો ભાગી છુટ્યા હતા તેમાં ગૌવંશ હતું તેવા સવાલ પણ પુછાઇ રહ્યા છે.
આ પણ વાંચો---ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક : સાવધાન, તમારા આરોગ્ય સાથે થઇ રહ્યા છે ચેડાં, જાણો કેવી રીતે…