Gun Licence Scam : 108 આરોપીઓ સામે થશે કાર્યવાહી, હથિયાર પરવાના કૌભાંડ આચરતી ટોળકી ઝડપાઈ
Gun Licence Scam : ગુજરાતમાં હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam in Gujarat) ચાલતું હોવાના છેલ્લાં અઢી દસકમાં કેટલાંય કિસ્સાઓ સામે આવ્યાં છે. આજથી આઠેક વર્ષ અગાઉ પણ નાગાલેન્ડના બોગસ ગન લાયસન્સ (Fake Arms Licence Nagaland) કૌભાંડનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) પર્દાફાશ કર્યો હતો. આઠ વર્ષ બાદ પણ આવું જ એક રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે અને તેનો લાભ લેનારા શખ્સોમાં અનેક ગુનેગારો સામેલ છે. Gujarat ATS એ આસામમાં સ્થાયી થયેલા મુકેશ બાંભા સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા 7 શખ્સોમાં એક કોલ સેન્ટરીયાનો પણ સમાવેશ થાય છે. ફરિયાદમાં 108 આરોપીઓના નામનો ઉલ્લેખ કરીને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડે ઇતિહાસ સર્જી દીધો છે. આગામી દિવસોમાં ATS Gujarat આ મામલામાં હજુ મોટા ધડાકા કરે તો નવાઈ નહીં.
કુલ 108 શખ્સોએ યેનકેન પ્રકારે વેપન લાયસન્સ મેળવ્યા છે
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી (Sunil Joshi DIG) એ આજે બોગસ હથિયાર પરવાના કૌભાંડને લઈને સત્તાવાર માહિતી આપી છે. એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) સંયુક્ત રીતે તપાસ હાથ ધરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ, સુરત તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7 લાખ થી 20 લાખ રૂપિયા સુધીમાં 108 શખ્સોને નાગાલેન્ડ અને મણીપુરના બોગસ હથિયાર પરવાના પધરાવવામાં આવ્યાં છે. હથિયાર પરવાના મેળવનારા શખ્સોમાં મોટાભાગના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સમગ્ર રેકેટમાં ગુજરાતનો મુકેશ રણછોડભાઈ બાંભા (Mukesh Bambha), વિશાલ મુકેશભાઈ પંડ્યા (Vishal Pandya aka VP,), શેલા વેલાભાઈ બોળીયા (Shela Boliya), બ્રીજેશ મહેતા ઉર્ફે બિટ્ટુ નવાબ (Brijesh Mehta), અર્જુન લાખુભાઈ અલગોતર (Arjun Algotar), ધૈર્ય હેમંતભાઈ જરીવાલ (Dhairy Jariwala) અને સદ્દામ હુસેન (Saddam Hussain) સામેલ છે. આ તમામની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હરિયાણા સ્થિત ગન શોપનો માલિક શૌકતઅલી, ફારૂકઅલી અને આસિફ સહિતના શખ્સો હાલ ફરાર દર્શાવાયા છે. Gun Licence Scam ની ફરિયાદ નોંધી 2 પિસ્તોલ, 1 રિવોલ્વર, 3 બાર બોરની બંદૂક અને 135 કારતૂસ કબજે લીધા છે.
અન્ય આરોપીઓની ઓળખ/ધરપકડ બાકી : સુનિલ જોશી
એન્ટી ટેરરિઝમ સ્કવૉડે 108 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી ગુજરાત તેમજ ઉત્તર પૂર્વોત્તરના રાજ્યોમાં કાર્યવાહીનો ધમધમાટ બોલાવ્યો છે. મણીપુર અને નાગાલેન્ડમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને, જુના લાયસન્સમાં ચેડાં કરીને તેમજ તદ્દન બોગસ હથિયાર પરવાના બનાવીને હથિયાર વાંચ્છુઓને પરવાના અપાયા હોવાનું ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું છે. એટીએસ પાસે 108 શખ્સોની યાદી છે જેમણે અન્ય રાજ્યોના હથિયાર પરવાના મેળવ્યા છે, પરંતુ તે શખ્સોની ઓળખ તેમજ ધરપકડ કરવાની બાકી છે.
સૂત્રધાર મુકેશ બાંભાના લાયસન્સની જાણકારી નથી : ATS
Gun Licence Scam નો મુખ્ય સૂત્રધાર મુકેશ બાંભા હોવાનું પ્રાથમિક રીત સ્પષ્ટ થઈ ગયું છે. આમ છતાં ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી કહે છે કે, મુકેશ રણછોડભાઈ બાંભા (Mukesh Bambha) પાસે જે હથિયાર લાયસન્સ છે તે ક્યાંનું છે તે હજી સુધી જાણી શકાયું નથી. સોશિયલ મીડિયામાં કમર પર હથિયાર ભરાવીને ફરતા મુકેશ બાંભાની કુંડળી સ્ટેટ એજન્સી હજી સુધી મેળવી શકી નથી.