ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કરી મહત્વની જાહેરાત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા ધોરણ 10 માં ગણિત વિષય અને ધોરણ-11 માં પ્રવેશ માટે આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે ધોરણ 10 માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે. આ સિવાય ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ (Class-11 science stream) ગ્રુપ A,B અને ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. આ નિર્ણયનો લાભ વિદ્યાર્થીઓને 2024 -25 શૈક્ષણિક સત્રથી મળશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-2021-22 થી ધોરણ 10 ની જાહેર પરિક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું શરતોને આધિન ઠરાવેલ છે. ત્યારબાદ શિક્ષણ વિભાગે કેટલી શરતોમાં સુધારો કર્યો હતો. જેમાં ધોરણ-10ની જાહેર પરીક્ષઓમાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઈ કરી હતી.
હાલની જોગવાઈ
- જે વિદ્યાર્થી ધોરણ-10 માં સ્ટાન્ડર્ડ ગણિત રાખશે તે ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.
- જે વિદ્યાર્થી ધોરણ-10 માં બેઝિક ગણિત રાખશે તે ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહમાં 'B' ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે, પરંતુ 'A' અથવા 'AB' ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
- ધોરણ-10 માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં 'A' અથવા 'AB' ગ્રુપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પણ કરી ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં 'A' અથવા 'AB'ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે.
સુધારેલી જોગવાઈ
જે વિદ્યાર્થી ધોરણ-10 માં સ્ટાન્ડર્ડ ગણિત/બેઝિક ગણિત વિષય સાથે ઉત્તીર્ણ થશે તે ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ-A અથવા ગ્રુપ-AB માં પ્રવેશ મેળવી શકશે. અથવા ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે. જોગવાઈ રદ કરવામાં આવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓએ ધોરણ-10 બેઝિક ગણિત સાથે ઉત્તિર્ણ ઉમેદવારો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-A માટે તેઓની ક્ષમતા અને યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવાનો રહેશે. જે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેના અનુષાંગિક નિયમો બનાવવાના રહેશે. આ ઠરાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સિંગલ ફાઈલ પર સરકારની તા.11-06-2024 થી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો - એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમીંગ ઝોનની સેફટી માટે તૈયાર કરાયા નવા નિયમો
આ પણ વાંચો - ગુજરાતની વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થશે સરકાર, લોન્ચ કરી નમો લક્ષ્મી યોજના