ગીર સોમનાથમાં નેશનલ હાઈવે અધૂરો હોવા છતાં 63 કિમી 3 ટોલનાકા!
- કુલ 63 કિમીના અંતરે 3 ટોલનાકા ઊભા
- 22 કિમીના અંતરે 2 ટોલનાકા ભરવા પડે છે
- ટ્રક માલિકો સહિતના તમામ લોકોની હાલત ખરાબ
Gir Somnath Toll Plaza : ગીર સોમનાથ જિલ્લામાં 63 કિમીના અંતરે 3 ટોલનાકાના શરૂ થતાં રોષ વધતો જ જોવા મળી રહ્યો છે. વેરાવળ સહિત આસપાસના વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નીતિનભાઈ ગડકરીએ નિવેદન આપ્યું હતું કે 60 કિમીની અંદર 1 ટોલનાકુ આવશે. તેમ છતાં આ ટોલનાકા ઉભા કરવામાં આવ્યા છે. તેના કારણે લોકોને આર્થિક રીતે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
કુલ 63 કિમીના અંતરે 3 ટોલનાકા ઊભા
ગીર સોમનાથ જિલ્લામાં સુંદરપુરા, વેળવા અને ડારી ગામ સુધી કુલ 63 કિમીના અંતરે 3 ટોલનાકા ઊભા થતા લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. વેરાવળના આગેવાન જણાવે છે કે લોકોને કમર તોડ ચાર્જ ચૂકવીને પસાર થવું પડે છે. ડારી ટોલ પ્લાઝા તો પહેલેથી કાર્યરત હતું જ્યારે અન્ય 2 ટોલનાકા 15 દિવસના ગાળામાં શરૂ થયા છે. વેપારી અનીશભાઈ જણાવે છે કે મેં જ્યારે જાણ્યું તો તે પણ જાણવા મળ્યું કે સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે 41 ગણીને અને જેતપુર સોમનાથ હાઈવે ને 8B ગણાવી ટોલનો ભાર મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા, જાણો કયા નવા નિયમો આવ્યા
22 કિમીના અંતરે 2 ટોલનાકા ભરવા પડે છે
નેશનલ હાઇવેનું કામ અધૂરું હોવા છતાં આ ટોલટેક્ષની વસુલાત શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત જે લોકો કેશોદથી આવે છે તેમને 22 કિમીના અંતરે 2 ટોલનાકા ભરવા પડે છે. તેની સાથે ડારી ટોલ પ્લાઝાનો પણ ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. રોડ રસ્તાઓ પણ બરોબર નથી તેમ છતાં આ ટોલ ઉઘરાવવામાં આવી રહ્યા છે જેથી લોકો વિરોધ કરી રહ્યા છે. બાદલપરા વિસ્તારમાં ખેડૂતોનુ કહેવું છે કે લોકોને લૂંટવાનું કામ કરે છે. અમારે અંદાજે 9 કિમી સુંદરપરા ટોલનાકું આવે, બીજી બાજુ જઈએ તો 12 કિમીએ ડારી ટોલનાકુ ભરવું પડે છે. આ સરકાર લૂંટવાનું જ કામ કરે છે.
ટ્રક માલિકો સહિતના તમામ લોકોની હાલત ખરાબ
આપણા મંત્રીએ લોકસભામાં નિવેદન આપ્યું હતું કે 60 કિમીની અંદર બીજું ટોલ નાકું ન હોવું જોઈએ. પરંતુ આપણા જિલ્લામાં ડારી, સુંદરપરા અને વેળવા સુધી 63 કિમીના અંતરે 3 ટોલનાકા કાર્યરત થયા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નેશનલ હાઇવે ઓથોરિટીને એટલી વિનંતી કે આમા વહેલી તકે યોગ્ય કરવામાં આવે. હાલ ટ્રક માલિકો સહિતના તમામ લોકોની હાલત ખરાબ થતી જાય છે. ઉપરાંત આ ટોલનાકાના લીધે માલ પરિહવન પર પણ ભાર આવશે.
આ પણ વાંચો: વાવ વિધાનસભા ચૂંટણીમાં 321 મતદાન મથકો પર યોજાશે મતદાન