Extreme Heat : જીવલેણ બની ગરમી! દેશમાં એક જ દિવસમાં 200 થી વધુ લોકોના મોત
Extreme Heat : દેશના અલગ-અલગ રાજ્યોમાં આ વર્ષની ગરમીએ રેકોર્ડ બ્રેક (Record break heat) કરી દીધા છે. આકાશમાંથી વરસતી આ આગના કારણે લોકોની હાલત કફોડી બની છે. સતત વધતી ગરમીએ હવે લોકોના જીવ લેવાનું શરૂ કરી દીધુ છે. ભારતના ઉત્તરમાં આવેલા ઘણા રાજ્યોમાં ગરમીના કારણે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જેમા ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ઓડિશા અને દિલ્હી છે. મળી રહેલી માહિતી અનુસાર, દેશમાં ગરમીથી એક જ દિવસમાં 200 થી પણ વધુ લોકોના મોત થયા છે.
રાજ્યના 3 જિલ્લામાં 20 લોકોના મોત
ભારતમાં જ્યા એક તરફ ગરમી તેના જુના તમામ રેકોર્ડ તોડી રહી છે તો બીજી તરફ લોકો આ ગરમીના કારણે દમ તોડી રહ્યા છે. ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં આકરી ગરમીના કારણે સ્થિતિ દયનીય સ્થિતિ બની છે. દિલ્હી એનસીઆર, રાજસ્થાન, હરિયાણા, બિહાર, ઓડિશા અને પશ્ચિમ યુપી વગેરેમાં તાપમાન દરરોજ રેકોર્ડ તોડી રહ્યું છે. આ દરમિયાન અનેક રાજ્યોમાં ભારે ગરમીના કારણે લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુરુવારે બિહારમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો હતો. રાજ્યના 3 જિલ્લામાં 20 લોકોના મોત થયા છે. ઔરંગાબાદના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગરમીના કારણે 12 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ છે. આ સિવાય ઝારખંડના પલામુ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. ઓડિશામાં પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
- નવા કીર્તિમાન વચ્ચે આકરી ગરમી જીવલેણ
- દેશમાં ગરમીથી એક જ દિવસમાં 227 મોત
- યુપીમાં ગરમીથી 164, બિહારમાં 60ના મોત
- હરિયાણામાં 2, દિલ્હીમાં 1નું ગરમીથી મોત
ઉત્તર પ્રદેશમાં ગરમીના કારણે 164 લોકોના મોત
ગરમીના કારણે સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર પ્રદેશની છે જ્યા 164 લોકોના મોત થયા છે. અહીં સૌથી વધુ 72 લોકોના મોત વારાણસી અને આસપાસના જિલ્લાઓમાં થયા છે. જ્યારે બુંદેલખંડ અને કાનપુર ડિવિઝનમાં 47 લોકોના મોત થયા છે. તેમાં મહોબામાં 14, હમીરપુરમાં 13, બાંદામાં પાંચ, કાનપુરમાં ચાર, ચિત્રકૂટમાં બે, ફર્રુખાબાદ, જાલૌન અને હરદોઈમાં 1-1 મૃત્યુનો સમાવેશ થાય છે. આ સિવાય પ્રયાગરાજમાં 11, કૌશામ્બીમાં 9, ઝાંસીમાં 6, આંબેડકર નગરમાં 4, ગાઝિયાબાદમાં 1 શિશુ સહિત 4, ગોરખપુર અને આગ્રામાં 3, પ્રતાપગઢ, રામપુર, લખીમપુર, શાહજહાંપુર અને પીલીભીતમાં 1-1ના મોત થયા છે.
ઔરંગાબાદમાં 12 લોકોના મોત
ગુરુવારે બિહારમાં મહત્તમ તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ હતું. ઔરંગાબાદના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં 20 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 12 લોકોના મોત હીટસ્ટ્રોકના કારણે થયા હતા. જ્યારે ભોજપુર, બક્સર, રોહતાસ, અરવાલ, બેગુસરાઈ અને પટનામાં 9ના મોત થયા છે.
ઓડિશામાં 10 લોકોના મોત
ઓડિશાના રાઉરકેલા શહેરમાં ગુરુવારે શંકાસ્પદ ગરમીના કારણે 10 લોકોના મોત થયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ચરમસીમાએ છે. સરકારી હોસ્પિટલના ઈન્ચાર્જ ડોક્ટરના જણાવ્યા અનુસાર, મૃત્યુના આ 10 કેસ માત્ર 2થી 6 કલાકના સમયગાળામાં થયા છે. હોસ્પિટલ પહોંચતા પહેલા જ 8 લોકોના મોત થયા હતા, જ્યારે બાકીના 2 લોકોના અહીં સારવાર દરમિયાન મોત થયા હતા.
ઝારખંડમાં 4 લોકોના મોત
ઝારખંડના પલામુમાં ભારે ગરમીના કારણે મોતનો ત્રીજો કેસ સામે આવ્યો છે. પલામુ જિલ્લામાં ભારે ગરમીના લક્ષણોને કારણે એક મહિલા સહિત ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. જેમાંથી 3 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે એકનું હોસ્પિટલની બહાર મોત થયું હતું. આ તમામને ભારે ગરમીને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
રાજસ્થાનમાં 5ના મોત થયા છે
રાજસ્થાનમાં કાળઝાળ ગરમીને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે પોતે આ વાત સ્વીકારી છે. રાજ્યના નિયામક (જાહેર આરોગ્ય) ડૉ. રવિ પ્રકાશ માથુરે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં રાજ્યમાં ગરમીના મોજાને કારણે 5 લોકોના મોત થયા છે. જોકે, અધિકારીનું કહેવું છે કે આકરી ગરમી દરમિયાન ગંભીર બીમારીઓ અને અન્ય કારણોસર મૃત્યુ પણ થાય છે. પ્રોટોકોલ મુજબ તેમનું મૃત્યુ હીટ સ્ટ્રોકથી થયું હોવાનું માની શકાય નહીં.
આ પણ વાંચો - ગરમીએ ઉત્તર પ્રદેશમાં 128 વર્ષ તો દિલ્હીમાં 79 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચો - IMD Report: દેશમાં ગરમીનો રેકોર્ડ બ્રેક થયો, દિલ્હી બાદ રાજસ્થાનમાં નોંધાયું 52 ડિગ્રી તાપમાન