બિહાર : 24 કલાકથી બ્રિજના પિલરમાં ફસાયો 12 વર્ષનો કિશોર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
બિહારના રોહતાસ જિલ્લામાં સોન નદી પરના પુલના થાંભલામાં 12 વર્ષનો છોકરો લગભગ 24 કલાકથી ફસાયેલો છે. તેને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. NDRFની ટીમે દિવાલ કાપીને ખાડો કર્યો છે. વાંસની મદદથી બાળકને ખોરાક અને પાણી પહોંચાડવામાં આવ્યું છે. ગુરુવારે બપોરે 1.30 વાગ્યા સુધીમાં પિલરને વીંધીને વાંસ વડે કિશોરને જમવાનું પહોંચાડ્યું હતું. પાઇપની મદદથી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ખીરિયાઓં ગામના વોર્ડ આઠમાં રહેતા શત્રુઘ્ન પ્રસાદ ઉર્ફે ભોલા સાહનો 12 વર્ષનો પુત્ર રંજન કુમાર હોવાનું કહેવાય છે. તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે, જે બે દિવસથી ઘરેથી ગુમ હતો. ગઈ સાંજથી તેને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. રાત્રે એસડીઆરએફની ટીમ પહોંચી હતી, પરંતુ કિશોરને બહાર કાઢી શકાયો નથી. ગુરુવારે સવારે ફરીથી કિશોરને બચાવવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
માહિતી મળતાં જ બીડીઓ ઝફર ઈમામ, સીઓ અમિત કુમાર, એસઆઈ શિવમ કુમાર, ગૌતમ કુમાર સહિતના વહીવટી અધિકારીઓ ફોર્સ સાથે પહોંચી ગયા હતા.પરિવારજનોને સાંત્વના આપી. કિશોરને બચાવવાની ખાતરી આપી બચાવ કાર્યમાં લાગી ગયા.માહિતી મળતાં જ એસડીએમ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જ કેમ્પ લગાવી રહ્યા છે.
કિશોર બે દિવસથી ગુમ હતો
કિશોરના પિતા ભોલા સાહે જણાવ્યું કે, તેમનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હતો, જે બે દિવસથી ગુમ હતો, જેની શોધ ચાલી રહી હતી. સોન પુલની એક મહિલાએ છોકરાને બ્રિજના થાંભલામાં ફસાયેલો જોઈને પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ ગ્રામજનો અને મંગરાવ પંચાયતના પ્રમુખ એડવોકેટ યાદવ દ્વારા સ્થાનિક વહીવટીતંત્રને માહિતી આપવામાં આવી હતી.
કિશોર જવાબ આપે છે તે સારી વાત છે
રાહત અને બચાવકાર્યમાં લાગેલા NDRF અધિકારી જય પ્રકાશે જણાવ્યું હતું કે કિશોર જે સ્થિતિમાં ફસાયો છે એ સ્થિતિ ખૂબ જ નાજુક છે. અમે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બચાવમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું નથી, જેથી અમારાં ખાસ સાધનોનો ઉપયોગ કરી શકાય.
આ પણ વાંચો : બિપોરજોય સાયક્લોન પોરબંદરથી ૯૪૦ કિ.મી.દૂર , 10-11 જૂને દરિયાકાંઠા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા