Dwarka Darshan : સરકારનો મોટો પ્રોજેક્ટ, હવે ડૂબેલી દ્વારકાના પણ થશે દર્શન...
સરકાર ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને વધારવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોક કોરિડોર બાદ સરકાર દ્વારકા કોરિડોરનો વિકાસ કરી રહી છે. આ અંતર્ગત મૂળ દ્વારકા જોવા સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કંપની મઝાગોન ડોક શિપયાર્ડ સાથે એમઓયુ કર્યા છે. આ સાથે મૂળ દ્વારકા (બેટ દ્વારકા)માં અરેબિયાનો સૌથી મોટો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમીની આસપાસ શરૂ કરી શકાશે.
સબમરીન સમુદ્રથી 300 ફૂટ નીચે જશે
સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે. જો કે હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને વાઈબ્રન્ટ સમિટમાં તેની જાહેરાત થઈ શકે છે. એક અહેવાલ મુજબ સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. જ્યાં હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી લોકોને બતાવવામાં આવશે. આ મુસાફરીમાં લગભગ 2 થી 2.5 કલાકનો સમય લાગશે.
શું હશે સબમરીનની વિશેષતા?
દ્વારકા દર્શન માટે ઉપયોગમાં લેવાનારી સબમરીનનું વજન લગભગ 35 ટન હશે અને તે સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ હશે. તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે અને દરેક સીટ પર વિન્ડો વ્યુ હશે, જેથી કુદરતી સૌંદર્ય સરળતાથી જોઈ શકાય. જોકે, સબમરીનમાં માત્ર 24 મુસાફરો જ દર્શન માટે જઈ શકશે, કારણ કે અન્ય 6 લોકો ક્રૂના હશે. તેમાં 2 ડાઇવર્સ, એક ગાઇડ અને ટેકનિશિયનનો સમાવેશ થશે. મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપવામાં આવશે. સબમરીનમાં વિડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધા હશે, જેના દ્વારા તમે સબમરીનમાં બેસીને સ્ક્રીન પર થતી હિલચાલને જોઈ અને રેકોર્ડ કરી શકશો.
સબમરીનનું ભાડું કેટલું હશે?
દ્વારકા દર્શન માટે સબમરીનનું ભાડું હાલ નક્કી કરવામાં આવ્યું નથી. ગુજરાત સરકારે હજુ સુધી ભાડું જાહેર કર્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું ભાડું મોંઘું હોઈ શકે છે. પરંતુ, સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને સરકાર આમાં સબસિડી જેવી છૂટ આપશે.
આ પણ વાંચો : BIG NEWS : પંજાબ પોલીસે ગુજરાતમાં દરોડા પાડી આંતરરાજ્ય ડ્રગ કાર્ટેલનો કર્યો પર્દાફાશ