Duryodhana : આ ગામના લોકો દુર્યોધનને માને છે રક્ષક...!
Duryodhana : દેશના અલગ-અલગ ખૂણામાં મહાભારતના અનેક પાત્રોની પૂજા થાય છે. તમિલનાડુના મમલ્લાપુરમ મંદિરમાં દ્રૌપદી સહિત પાંચ પાંડવોના રથ હાજર છે. તો હિમાચલ પ્રદેશના મનાલીમાં ભીમની રાક્ષસ પત્ની હિડિંબા દેવીનું મંદિર જોઈ શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે દેશના એક રાજ્યમાં મહાભારતના ખલનાયક દુર્યોધન (Duryodhana) નું મંદિર પણ છે. જ્યાં લોકો દુર્યોધનને તેમના રક્ષક તરીકે પૂજે છે અને તેમને પ્રેમથી 'દાદા' કહે છે. એટલું જ નહીં, ભારત સરકારને દુર્યોધનના નામે કરોડોનો ટેક્સ પણ મળે છે. ચાલો જાણીએ શું છે દુર્યોધનના આ મંદિરનું રહસ્ય?
નશીલા પદાર્થોનો ચડાવાય છે ભોગ
દુર્યોધનનું ભવ્ય મંદિર કેરળના કોલ્લમ જિલ્લાથી થોડા કિલોમીટર દૂર આવેલા ગામમાં બનેલું છે. આ મંદિરમાં દુર્યોધનને દેવતાની જેમ પૂજવામાં આવે છે. તેમને નશીલા પદાર્થનો ભોગ ચડાવાય છે. તાડીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર મંદિર અને તેની આસપાસની જમીન દુર્યોધનની છે, જેનો દુર્યોધન દર વર્ષે ભારત સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે.
સ્થાનિક માન્યતા શું છે?
દુર્યોધન જાતિવાદમાં માનતો ન હતો. તેના પુરાવા મહાભારતમાં પણ છે. દુર્યોધને નીચલી જાતિના કર્ણને સિંહાસન પર બેસાડીને રાજાની પદવી આપી હતી. આ સંબંધમાં કોલ્લમના આ ગામમાં પણ દુર્યોધન વિશેની એક વાર્તા ખૂબ પ્રચલિત છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર, એક વખત પ્રવાસ દરમિયાન દુર્યોધન ખૂબ જ થાકી ગયો હતો અને તેને ખૂબ તરસ લાગી હતી. દુર્યોધન પાસે પીવાનું પાણી નહોતું. આવી સ્થિતિમાં એક નીચલી જાતિની સ્ત્રીએ દુર્યોધનને પીવા માટે પાણી આપ્યું. સ્ત્રીથી ખુશ થઈને દુર્યોધને તેને એક ગામ ભેટમાં આપ્યું. હવે આ ગામમાં દુર્યોધનનું મંદિર છે અને લોકો ગામને દુર્યોધનની ધરોહર માને છે.
View this post on Instagram
દુર્યોધનના મંદિરનું નામ 'પેરીવિરુથી મલનાડા' છે.
દુર્યોધનના આ મંદિરનું નામ ‘પેરીવિરુથી મલનાડા’ છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં દુર્યોધનની કોઈ મૂર્તિ નથી પરંતુ તેની પ્રિય શસ્ત્ર ગદા અહીં મુકાઇ છે. લોકો આ ગદાને દુર્યોધન તરીકે પૂજે છે. સામાન્ય રીતે દુર્યોધનને મહાભારતનો મુખ્ય ખલનાયક માનવામાં આવે છે. કોલ્લમના લોકો તેમને સૌમ્ય સ્વભાવવાળા દયાળુ દેવ માને છે. સ્થાનિક લોકોના મતે દુર્યોધન આજે પણ તેમની રક્ષા કરે છે. આ જ કારણ છે કે ગામના લોકો તેમને 'અપ્પુપા' (દાદા) કહે છે.
દુર્યોધન સરકારને કર ચૂકવે છે
વાસ્તવમાં, ભારત સરકાર કોઈપણ મંદિર પર ટેક્સ લાદતી નથી. તેથી પેરીવિરુથી મલનાડા મંદિરે પણ ટેક્સ ચૂકવવો પડતો નથી. પરંતુ મંદિરની આસપાસની 15 એકર જમીન પર વર્ષોથી ટેક્સ વસૂલવામાં આવે છે. ગામના લોકો દુર્યોધનના નામે આ ટેક્સ ચૂકવે છે અને દુર્યોધનના નામે કરોડો રૂપિયાનો ટેક્સ સરકારી ખાતામાં આવે છે.
આ પણ વાંચો---- સ્પીકર ઓમ બિરલાની પુત્રી કેમ આજ કાલ ચર્ચામાં છે…?