GIR SOMNATH : ક્રાઇમ બ્રાન્ચે કર્યો લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, ગામના યુવકને શિકાર બનાવી પડાવ્યા હતા 1.24 લાખ
ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હન ગેંગના કારસ્તાનનો પર્દાફાશ કરી ગેંગની ત્રણ મહિલા સહિત ચારની આરોપીઓધરપકડ કરી લીધી છે. જ્યારે રાજકોટના મુખ્ય સુત્રધાર રિયાઝને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુત્રાપાડાના હરણાસા ગામના યુવકને શિકાર બનાવી 1.24 લાખ પડાવી લીધા હતા અને લગ્નના 12 દિવસમાં જ દુલ્હન કપડાં, મોબાઈલ અને રોકડ લઈ અડધી રાત્રે ફરાર થઈ જતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લૂંટરી દુલ્હનના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને આવી લૂંટરી દુલ્હન ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ મામલે ગીર સોમનાથ એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, સુત્રાપાડાના હરણાસા ગામના અજય સોલંકી નામનો યુવક અપરણિત હોય અને લગ્ન કરવા છોકરીની શોધમાં હતો તે દરમિયાન તેનો પરિચય દલાલીનું કામ કરતા સુત્રાપાડાના કોળી નરસિંગ વાજા સાથે થયેલ હતી. બાદમાં જુનાગઢના શમીમબેન ઉર્ફે સીમાબેન ખેમરાજ જોશી, અને દીપકભાઇ હીરાલાલ નાગદેવનો થયેલ ત્યારબાદ આ ત્રણેય દલાલો એ રાજકોટના રીયાજ કરીમભાઇ મીરજા અને કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજભાઇ મીરજાનો સંપર્ક કરાવેલ હતો.
ખોટુ આધારકાર્ડ તથા લીવીંગ સર્ટી બનાવી કરી ઠગાઇ
આ તમામ લોકોએ કાવતરૂ કરી ફરીયાદી અજય પાસેથી કુલ રૂ.1.24લાખ લઇ દલાલ રીયાજે પોતાની સાથે આવેલ કૌશરબાનું વા/ઓ અશરફ યુસુફ કાન્સીનું રીન્કલ અનીલભાઇ પંડયા નામનુ ખોટુ આધારકાર્ડ તથા લીવીંગ સર્ટી બનાવી ખોટો દસ્તાવેજ ઉભો કરી નોટરી મારફત અમરેલી જીલ્લાના બાંટવા દેવળી ગ્રામપંચાયત ખાતે લગ્ન નોંધણી કરાવી જેમાં ઉપરોકત તમામ દલાલોએ સાક્ષી તરીકેની પોતાની સહી કરી આપેલ ત્યારબાદ આ કૌશરબાનું ફરીયાદીના હરણાસા ગામે ઘરે 10 દિવસ રોકાયા બાદ ફરાર થઇ ગયેલ જે બાબતે ફરીયાદીએ આ દલાલોનો સંપર્ક કરતા તેઓ દ્વારા ખોટા ગુન્હામાં સંડોવી દેવાની ધમકી આપેલ અને પોતે આપેલ પૈસા બાબતે કોઇ જવાબ આપેલ નહીં.
આ ઘટના અંગે ભોગ બનનાર યુવકે પોલીસને ફરિયાદ અરજી આપતા ગીર સોમનાથ એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્સ.એ.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ. એ.બી.વોરા અને સ્ટાફના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાએ ટેકનિકલ એનાલીસીસ તથા હયુમન સોર્સીસ દ્વારા તપાસ કરતા આ ફરાર થયેલ યુવતિ કૌશરબાનુ ઉર્ફે રીન્કલ અનીલભાઇ પંડયા રહે. વિરમગામ જી.અમદાવાદ વાળીને નવસારી ખાતેથી શોધી કાઢી આ છેતરપીંડીમાં મદદગારી કરનાર અન્ય દલાલ કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજ મીરજાને આણંદ ખાતેથી તથા શમીમબેન ઉર્ફે સીમાબેનને જુનાગઢ ખાતેથી તથા નરસીંગભાઇ વાજાને સુત્રાપાડા ખાતેથી શોધી કાઢી આ ગુન્હાના કામે ધરપકડ કરેલ છે.
મુસ્લિમ પરણીતા કૌશરબાનુ બની રિંકલ પંડયા
સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ મુસ્લિમ પરણીતા કૌશરબાનુનું હિન્દૂ યુવતી તરીકે બનાવટી આધારકાર્ડ, સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ બનાવેલ તેમજ મેરેજ સર્ટિફિકેટ પણ બનાવી આપેલ. આ ગેંગ દ્વારા અન્ય વધુ યુવકો ને પણ શિકાર બનાવી લાખો રૂપિયા ખંખેર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસ દ્વારા આરોપીઓને રિમાન્ડ પર મેળવી વધુ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.
હાલ તો આ ગુન્હા સબ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 406,420,465,467,468,471,506(2),34, ,120 B મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં લગ્ન કરવા માટે ખોટુ નામ રીન્કલ અનીલભાઇ પંડયા,ધારણ કરનાર નવસારી જિલ્લાના વાસદા ગામે રહેતી લૂંટરી દુલ્હન કૌશરબાનુ વા/ઓ અશરફ યુસુફ કાન્ત્રી મુસ્લીમ, ઉ.વ.૩૨, ની તેમજ મુખ્ય સૂત્રધાર રાજકોટના રિયાઝની પત્ની મુસ્કાન વા/ઓ રીયાજ કરીમભાઇ મીરજા તેમજ જૂનાગઢ ની દલાલ શમીમબેન ઉર્ફે સીમાબેન વા/ઓ ખેમરાજ હરીપ્રસાદ જોશી, ઉ.વ.૪૮, તેમજ સુત્રાપાડા ના દલાલ નરસીંગભાઇ ઓઘડભાઇ વાજા, ઉ.વ.૩૩,ને પોલીસે ઝડપી લીધેલ છે જ્યારે મુખ્ય આરોપી રાજકોટનો રિયાઝ કરીમ મીરઝા તેમજ જુનાગઢના નાગદેવ દીપકકુમાર હીરાલાલ ફરાર થઇ જતા આ બન્નેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ : અર્જુન વાળા
આ પણ વાંચો : Kawasaki Disease Case: લાખોમાં એક વ્યક્તિને થતી બીમારીનો કેસ આણંદ જિલ્લામાંથી આવ્યો સામે