Bangladeshi Infiltrators : ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશીઓને પકડ્યા બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ પણ કંઈ મળ્યું નહીં
Bangladeshi Infiltrators : કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરની એજન્સીઓ તેમજ રાજ્ય પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગુજરાતમાં પણ પોલીસે સર્ચ હાથ ધરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Infiltrators) ને ઝડપી લેવા અભિયાન શરૂ કર્યું છે. પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ અપાયા છે. આ તમામ વાતોની વચ્ચે અમદાવાદના કેટલાંક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોતાની કામગીરી બતાવવાની હોડમાં ઉતર્યા છે. મીડિયાને આપવામાં આવેલી પ્રેસનોટમાં પોલીસ અધિકારીઓ પોતાની અજ્ઞાનતા છતી કરે છે અને પોતે કરેલી કામગીરીને મોટી દર્શાવવા પ્રયાસ કરી રહ્યાં છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલમાં...
ચંડોળા તળાવ સાથે ખાખી અને ખાદીનો નાતો
અમદાવાદના ચંડોળા તળાવ મીની બાંગ્લાદેશ (Mini Bangladesh) હોવાની જાણકારી આસપાસમાં રહેતા સ્થાનિક લોકોથી લઈને ગાંધીનગરમાં બેસતા સંત્રીઓ અને મંત્રીઓ સુધી સૌને છે. ચંડોળા તળાવ (Chandola Lake) માં થઈ રહેલાં દબાણો અને બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Infiltrators) ની જાણકારી 26-27 વર્ષ અગાઉ સત્તાવાર અમદાવાદ પોલીસની વિશેષ શાખાએ મેળવી હતી. આ મામલે તત્કાલિન કલેક્ટરને રિપોર્ટ કરી 150 જેટલાં Bangladeshi Infiltrators સ્થાયી થઈ ગયા હોવાથી તેમના રેશનકાર્ડ અને મતદાન કાર્ડ રદ કરવા રિપોર્ટ કરાયો હતો. આમ છતાં, ભાજપ સરકાર (BJP Government) ના રાજમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વર્ષો વીતતા ગયા અને ખાદીધારીઓની કૃપાથી ચંડોળા તળાવનો વ્યાપ ઓછો અને દબાણનો વ્યાપ વધતો ગયો.
જાવેદ હીરો જેવા અનેક બાતમીદાર ચંડોળા વિસ્તારના
મોબાઈલ ફોન અને ટેક્નૉલૉજીના જમાનામાં બાતમીદારોનું વજન હવે ઓછું થઈ ગયું છે. બે-અઢી દસક અગાઉ પોલીસ ગુનાના ભેદ ઉકેલવા તેમજ ક્રાઈમ નેટવર્ક સુધી પહોંચવા બાતમીદારોના ભરોસે રહેતી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પાસે અનેક બાતમીદારો છે. ભૂતકાળમાં પણ હતા. ચંડોળા તળાવ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરતી આવી છે. કારણ કે, ચંડોળા તળાવમાં બાતમીદારોનું રાજ હતું અને આજે પણ છે. વાત કરીએ, મર્હૂમ જાવેદ હીરો (Javed Hero Informant) ની. અઢી દસકા અગાઉ ક્રાઈમ બ્રાંચના ટોપ ફાઈવ બાતમીદારોમાં જાવેદ હીરો સામેલ હતો. કહેવાય છે કે, જાવેદ પોતે બાંગ્લાદેશી ઘૂસણખોર (Bangladeshi Infiltrator) હતો. અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓના રાઝ જાણનારો જાવેદ હીરો એક ગંભીર કેસમાં જામીન પર છૂટ્યા બાદ લાપત્તા થઈ ગયો. થોડાક વર્ષો અગાઉ તેના મોતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
890 શકમંદોમાંથી ક્રાઈમ બ્રાંચને 104 ઘૂસણખોર મળ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) અગાઉ પણ ચંડોળા તળાવ વિસ્તાર અને બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલે નોંધપાત્ર કામગીરી કરી ચૂકી છે. Bangladeshi Infiltrators ચંડોળા વિસ્તારમાં હોવાની માહિતીના આધારે શુક્રવાર-શનિવારની રાતે એક મેગા કોમ્બીંગ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં 890 થી વધુ શકમંદોને ઉઠાવી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લવાયા હતા. 24 કલાકની જહેમત અને પૂછપરછ તેમજ આધાર-પુરાવા તપાસ્યા બાદ 700થી વધુ લોકો ભારતના નાગરિક હોવાનું સામે આવતા તેમને છોડી મુકાયા છે. જ્યારે 104 Bangladeshi Infiltrators સામે કાર્યવાહી આરંભી છે.
આ પણ વાંચો -દસકા બાદ ED જાગી, શેરબજારના ખેલાડી મહેન્દ્ર શાહ, રાજેશ ઝવેરી અને સેજલ શાહના ઘરે સર્ચ કર્યું
બાંગ્લાદેશી મહિલા-યુવતીઓ વેશ્યાવૃત્તિમાં ધકેલાય છે
104 ઘૂસણખોર બાંગ્લાદેશીઓમાં 85 જેટલી મહિલા/યુવતીઓ છે. Bangladeshi Infiltrators ને સ્થાનિક એજન્ટો ભારતના નાગરિક તરીકેની ઓળખ આપતા ID બનાવી આપે છે. આવા તત્વોની પણ ક્રાઈમ બ્રાંચે તલાશ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાંચે થોડાક મહિનાઓ પૂર્વે બાંગ્લાદેશી યુવતી/મહિલાઓને સેક્સ રેકેટ (Sex Racket) માં ધકેલવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન (Changodar Police Station) ની હદમાં આવેલા ધ ગ્રેટ સ્પામાંથી પોલીસે બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે.
વેજલપુર અને કારંજ પોલીસે મોટી નોંધાઈ
ઉપરી અધિકારીઓને ખુશ કરવા તેમજ મીડિયામાં પ્રસિદ્ધિની લ્હાયમાં પોલીસ ઈન્સ્પેક્ટરો પોતાની અજ્ઞાનતા અને અણઆવડત જાહેર કરી છે. વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) દ્વારા જારી કરાયેલી પ્રેસનોટમાં 23 જેટલાં ઈસમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સ (બાતમીદાર) નો ઉપયોગ કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમજ પુરાવા તપાસતા કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિક મળી આવ્યો નથી. કારંજ પોલીસ સ્ટેશન (Karanj Police Station) ની હદમાં પોલીસે જુદીજુદી ટીમો બનાવી 300 શકમંદોને તપાસ્યા અને પુરાવા જોતા એક પણ પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિક મળી આવ્યો નથી. મીડિયા ગ્રુપોમાં કામગીરીની પ્રેસનોટ મુકનારા પોલીસ ઈન્સ્પેક્ટરોને પાકિસ્તાની નાગરિક ભારતમાં કેવી રીતે આવે છે તેની યોગ્ય જાણકારી નથી. વિઝા મેળવીને પાકિસ્તાની નાગરિક (Pakistani Citizen) ભારતમાં આવ્યો હોય અને તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાયો હોય તો તેની તમામ વિગતો પોલીસ કમિશનર કચેરી ખાતે ઉપલબ્ધ હોય છે. પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ/જુગાર અને ડ્ર્ગ્સના ધંધાર્થીઓને શોધી નહીં શકતી પોલીસ પાકિસ્તાનીઓને ખોળી રહી છે. કલાકોના સર્ચમાં એક પણ ઘૂસણખોર મળ્યો ન હોવા છતાં લાજવાના બદલે પાકિસ્તાની/બાંગ્લાદેશી સામે પોલીસ કામગીરી કરી રહી હોય તેવું દર્શાવીને અધિકારીઓ ગાજી રહ્યાં છે.