Sultanapur : માનહાનિ કેસમાં કોર્ટમાં શું કહ્યું રાહુલ ગાંધીએ..?
Sultanapur : લોકસભામાં વિપક્ષના નેતા, રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે સુલતાનપુર Sultanapur MP-MLA કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં હાજર થયા બાદ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની સુલતાનપુર કોર્ટમાંથી રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં તેઓ કોર્ટમાં હાજર થયા હતા. ફરિયાદીના વકીલ સંતોષ કુમાર પાંડેએ કહ્યું, તેમણે (રાહુલ ગાંધી) આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેમને રાજકીય કારણોસર અને તેમની છબી ખરાબ કરવા માટે ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે કોર્ટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું હવે, અમારે 12 ઓગસ્ટ, 2024ના રોજ પુરાવા રજૂ કરવાના છે.
સવારે સુલતાનપુર પહોંચ્યા
આજે સવારે રાહુલ ગાંધી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી સુલતાનપુર કોર્ટ જવા રવાના થયા હતા. અહીંથી લખનૌ એરપોર્ટ પહોંચ્યા અને પછી રોડ માર્ગે સુલતાનપુર પહોંચ્યા. આ કેસ 2018માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણી સાથે સંબંધિત છે. કોંગ્રેસ જિલ્લા એકમના અધ્યક્ષ અભિષેક સિંહ રાણાએ ગુરુવારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 26 જુલાઈના રોજ સવારે 9 વાગ્યે લખનૌના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી કારમાં સુલતાનપુર જવા રવાના થશે અને કોર્ટમાં હાજર થશે.
અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપ્યું હતુ
સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ, 2018 ના રોજ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 2018માં બેંગલુરુમાં તત્કાલિન ભાજપ અધ્યક્ષ અને વર્તમાન ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે 20 ફેબ્રુઆરીએ આ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા.
#WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from Sultanpur Court, Uttar Pradesh.
He appeared before the court in connection with a defamation case filed against him for allegedly making objectionable remarks about Union Home Minister Amit Shah. pic.twitter.com/U2CoH1mLu9
— ANI (@ANI) July 26, 2024
કેસ વિશે જાણો વિગતવાર
સાડા પાંચ વર્ષ પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ તત્કાલિન ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે સુલતાનપુર બીજેપી જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વિજય મિશ્રાએ વર્ષ 2018માં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે અરજી સ્વીકારી રાહુલ ગાંધી સામે કેસ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીએ 20 ફેબ્રુઆરી 2024ના રોજ અમેઠીમાં તેમની 'ભારત જોડો ન્યાય યાત્રા' અટકાવી દીધી હતી અને સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં તેમને જામીન મળ્યા હતા. બીજેપી નેતા વિજય મિશ્રાના વકીલ સંતોષ કુમાર પાંડેના જણાવ્યા અનુસાર જો રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરતા પુરાવા મળી જાય તો તેમને વધુમાં વધુ બે વર્ષની સજા થઈ શકે છે.
2 જુલાઈએ કોર્ટમાં હાજર થયા ન હતા
આ પહેલા રાહુલ ગાંધીએ માનહાનિના આ કેસને લઈને 2 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનું હતું. જો કે રાહુલ ગાંધી તે સમયે કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા. રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે, તેથી રાહુલ ગાંધી પહોંચી શક્યા નથી. આ પછી રાહુલના વકીલે 26મી જુલાઈની તારીખ માંગી હતી.
આ પણ વાંચો----Agniveer : "...ત્યારે મોદી 105 વર્ષના હશે, આજે કેમ ગાળો ખાય"...?