Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Article 370 : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતીય રાજનેતાઓએ જાણો શું આપી પ્રતિક્રિયાઓ

સુપ્રીમ કોર્ટે આજે સોમવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ કરવામાં આવશે નહીં. કલમ 370 હવે માત્ર ઈતિહાસ બની ગઈ છે. પાંચ જજોના પ્રમુખ જજે આ ચુકાદો આપ્યો...
03:14 PM Dec 11, 2023 IST | Hardik Shah

સુપ્રીમ કોર્ટે આજે સોમવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે ઐતિહાસિક નિર્ણય લીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ કરવામાં આવશે નહીં. કલમ 370 હવે માત્ર ઈતિહાસ બની ગઈ છે. પાંચ જજોના પ્રમુખ જજે આ ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કેસમાં ચુકાદો આપતાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરને સાર્વત્રિક અધિકારો નથી. અને કલમ 370 એ કામચલાઉ જોગવાઈ છે. કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારી શકાય નહીં. તેથી આ બાબતે દલીલ કરવી નકામી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ દેશના અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

PM મોદીએ SC ના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુપ્રીમ કોર્ટના આ સૌથી મોટા નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘કલમ 370 નાબૂદ કરવા અંગેનો આજનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ, 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બંધારણીય રીતે સમર્થન આપે છે’. તેમણે વધુમાં લખ્યું કે, ‘સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની અમારી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર ઘોષણા છે. સર્વોચ્ચ અદાલતે, તેના ઊંડા જ્ઞાનથી એકતાના મૂળભૂત સારને વધુ મજબૂત બનાવ્યો છે, જેને આપણે, ભારતીયો તરીકે, વધુ પ્રિય માનીએ છીએ’.

‘આજનો ચુકાદો આશાનું કિરણ છે, ઉજ્જવળ ભવિષ્યનું વચન છે’

PM મોદીએ કહ્યું કે, ‘હું જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી આપવા માગુ છું કે તમારા સપનાને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતા અડીખમ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છીએ કે પ્રગતિના ફળ ફક્ત તમારા સુધી જ નહીં પરંતુ અનુચ્છેદ 370ના કારણે સહન કરનારા આપણા સમાજના સૌથી સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સુધી પણ તેનો લાભ પહોંચે’. તેમણે લખ્યું કે, ‘આજે ચુકાદો માત્ર કાનૂની ચુકાદો નથી, તે આશાનું કિરણ છે, ઉજ્જવળ ભવિષ્યનું વચન છે અને એક મજબૂત, વધુ અખંડ ભારતનું નિર્માણ કરવાના અમારા સામૂહિક સંકલ્પનો પુરાવો છે.’

સંજય રાઉતે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું

સંજય રાઉતે આ અંગે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાને બંધારણીય રીતે માન્ય કરવા પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, "હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. જ્યારે આ બિલ સંસદમાં લાવવામાં આવ્યું હતું, અમે તેને ટેકો આપ્યો હતો... સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ત્યાં ચૂંટણી થવી જોઈએ, હું પણ તે નિર્ણયનું સ્વાગત કરું છું. ત્યાંના લોકોને તેમની સરકાર પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે..."

કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી

આજે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ પોતાનો ચુકાદો આપ્યો છે ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ છે, તેઓ ખુશ નથી. તેમણે કહ્યું કે, કલમ 370 હટાવવાના મામલે તેમની છેલ્લી આશા સુપ્રીમ કોર્ટમાંથી હતી, પરંતુ હવે તે આશા પણ તૂટી ગઈ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કલમ 370 જમ્મુ-કાશ્મીર માટે ઐતિહાસિક બાબત છે. અમારી બધી લાગણીઓ આ સાથે જોડાયેલી હતી.

‘PM મોદીએ J&Kને દેશની મુખ્ય વિચારધારામાં સામેલ કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું’ : જે.પી. નડ્ડા

ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ આ મામલે એક પોસ્ટ કરી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, ‘કલમ 370 અંગે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનું ભારતીય જનતા પાર્ટી સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કલમ 370 અને 35Aને દૂર કરવાના નિર્ણય, તેની પ્રક્રિયા અને ઉદ્દેશ્યને યથાવત રાખ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકારે જમ્મુ અને કાશ્મીરને દેશની મુખ્ય વિચારધારામાં સામેલ કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે, તેના માટે હું અને અમારા કરોડો કાર્યકરો વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

કોંગ્રેસના દિગ્ગજ નેતા કરણ સિંહે કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મહારાજા હરિ સિંહના પુત્ર કરણ સિંહે સોમવારે કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું કે તે પરિસ્થિતિને સ્પષ્ટતા અને સ્થિરતા આપે છે. કરણ સિંહે બંધારણની કલમ 370 નાબૂદ કરવા અને ચૂંટણી પંચને જમ્મુ અને કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપવા બદલ સર્વોચ્ચ અદાલતનો પણ આભાર માન્યો હતો.

'દુ:ખની સાંજ લાંબી છે, પણ સાંજ જ છે' : ઉમર અબ્દુલ્લા

કોર્ટના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા ઉમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘હૃદયમાં આશા નથી, નિષ્ફળતા છે, દુ:ખની સાંજ લાંબી છે, પણ સાંજ છે.’ ચાલો જાણીએ કે કયા નેતાએ શું પ્રતિક્રિયા આપી.

સંઘર્ષ ચાલુ રહેશે : ઉમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યા બાદ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે તેઓ નિરાશ છે પરંતુ નિરઉત્સાહિત નથી, સંઘર્ષ ચાલુ રહેશે, અહીં સુધી પહોંચવામાં ભાજપને દાયકાઓ લાગ્યા. અમે પણ લાંબી લડાઈ માટે તૈયાર છીએ.

આપણે નિરાશ ન થવું જોઈએ : મહેબૂબા મુફ્તી

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આપણે નિરાશ ન થવું જોઈએ. જમ્મુ-કશ્મીરે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. કલમ 370ને કામચલાઉ જોગવાઈ જાહેર કરતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમારી હાર નથી. પરંતુ ભારતનો વિચાર પરાજિત થયો છે. હું દેશના લોકોને કહેવા માંગુ છું કે તમારામાંથી ઘણા લોકો આ (નિર્ણય)ની ઉજવણી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આજે જમ્મુ-કાશ્મીર જેલમાં ફેરવાઈ ગયું છે અને તમામ દુકાનદારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમજ સૂચના આપી છે કે તેઓ સવારે 10 વાગ્યા પહેલા તેમની દુકાનો ખોલશે નહીં. અમને નજરકેદ કરવામાં આવ્યા. આ એક રાજકીય યુદ્ધ છે જે સદીઓથી ચાલી રહ્યું છે અને તેના માટે ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. અમે હાર માનીશું નહીં, આપણે સાથે આવીને લડવું પડશે.

અસદુદ્દીન ઓવૈસીએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી 

AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, 'અમે આ નિર્ણયથી નિરાશ છીએ, કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે. હવે આવનારા દિવસોમાં ભાજપને કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં કોઈ રોકી શકશે નહીં.

સરકારે પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો જોઈએ - અધીર રંજન

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી કરાવવી જોઈએ અને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પણ પુનઃસ્થાપિત કરવો જોઈએ.

કલમ 370 હટાવવાના નિર્ણય સામે 23 અરજીઓ આવી હતી

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ આજે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચમાં જસ્ટીસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલો સાલ 2019થી પેન્ડિંગ હતો. કલમ 370 હટાવવાના નિર્ણય સામે 23 અરજીઓ આવી હતી, જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ બધી અરજીઓ પર સુનાવણી બાદ કોર્ટે 5 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને આજે આ મામલે ચુકાદો અપાયો છે.

આ પણ વાંચો - Article 370: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો નિર્ણય માન્ય રાખ્યો, કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ, ત્યાં ભારતનું જ બંધારણ લાગૂ થશે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amit Shaharticle 370Gujarat Firsthistoric decisionIndian politiciansJammu and KashmirJammu and Kashmir newsJammu-Kashmirpm modiSC historic decisionSupreme Court
Next Article