Surat : ઘરના ધાબે ખેતી! ઓલપાડના જયંતીભાઈનો નવતર પ્રયોગ
- ધાબા પર ખેતર : ઓલપાડના ખેડૂતની અનોખી ખેતી
- ઝીરો બજેટ ટેરેસ ગાર્ડન: એક પ્રેરણાદાયક ઉદાહરણ
- જયંતીભાઈની ઓર્ગેનિક ખેતી: ઘરે ઉગાડો તાજી અને સાફ શાકભાજી
- વેસ્ટ ટુ બેસ્ટ: ઘરના કચરાથી ઓર્ગેનિક ખેતી
- ટેરેસ ગાર્ડનથી સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ
- હાઈડ્રોપોનિક ખેતી: ઓલપાડના ખેડૂતનો શહેરી ઉકેલ
Surat : ઓલપાડના કીમ ગામમાં રહેતા જયંતીભાઈ શામજીભાઈ કોરાટે પોતાના ઘરના ધાબાને ખેતરમાં ફેરવીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા 10 વર્ષથી તેઓ ટેરેસ ગાર્ડન ખેતી કરી રહ્યા છે અને સિઝન મુજબ 30થી વધુ પ્રકારના શાકભાજી, ફળો તેમજ અન્ય પાકો ઉગાડે છે. જૂનાગઢથી બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરનાર જયંતીભાઈએ રાસાયણિક દવાઓ અને પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ ટાળીને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે. ખાસ વાત એ છે કે તેઓ એક પણ રૂપિયાના ખર્ચ વિના ઝીરો બજેટે આ ખેતી કરે છે, જેમાં તૂટેલાં ટબ, પ્લાસ્ટિકના કેરબા અને ઘરના કચરાનો ઉપયોગ થાય છે. આ પ્રયાસથી માત્ર તેમનું ઘર જ નહીં, પરંતુ આજુબાજુની સોસાયટીના લોકો પણ પ્રેરાઈને ટેરેસ ગાર્ડન ખેતી તરફ વળ્યા છે.
“વેસ્ટ ટુ બેસ્ટ”નો ઉત્તમ ઉપયોગ
જયંતીભાઈની ખેતીની ખાસિયત એ છે કે, તેઓ ઘરના કિચન વેસ્ટ જેવા કે સડેલાં શાકભાજી, ફળોની છાલ, મગફળીના ફોતરાં, નારિયેળની છાલ અને સૂકાયેલી વનસ્પતિને કમ્પોસ્ટ ખાતર તરીકે ઉપયોગમાં લે છે. આજુબાજુના ઘરોનો કચરો પણ તેઓ લઈને તેનો નિકાલ કરે છે અને સાથે જ તેમને ખાતર માટેની સામગ્રી પણ મળી રહે છે. આ રીતે તેઓ “વેસ્ટ ટુ બેસ્ટ”નો ઉત્તમ ઉપયોગ કરીને ઘરના ધાબે જ દવા-મુક્ત તાજાં શાકભાજી અને ફળો ઉગાડે છે. આ પ્રયાસથી ન માત્ર પર્યાવરણની સુરક્ષા થાય છે, પણ લોકોને સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ મળે છે. શહેરોમાં માટીની અછતને ધ્યાનમાં રાખીને જયંતીભાઈએ ઈઝરાયેલની હાઈડ્રોપોનિક પદ્ધતિ અપનાવી છે, જેમાં માટી વિના ફક્ત પાણીનો ઉપયોગ કરીને ખેતી થાય છે. આ પાણીમાં પાક માટે જરૂરી કેલ્શિયમ, ફોસ્ફરસ, કોપર, ઝિંક, પોટાશ જેવાં માઈક્રો ન્યુટ્રિયન્ટ્સ ઉમેરવામાં આવે છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે માટી ન હોવાથી રોગો અને જીવાતનો હુમલો નથી થતો, જેનાથી દવાઓની જરૂરિયાત ખતમ થઈ જાય છે અને સંપૂર્ણ કેમિકલ-મુક્ત શાકભાજી મળે છે. આ ટેકનિક શહેરી વિસ્તારોમાં ટેરેસ ગાર્ડનના શોખીનો માટે વરદાન સમાન છે.
સોસાયટીના લોકો પણ પ્રભાવિત
જયંતીભાઈની આ નવીન ખેતી જોઈને સોસાયટીના લોકો પણ પ્રભાવિત થયા છે. સ્થાનિક રહેવાસી ઉર્વશીબેન નંદાનીયા અને તેજલબેન ગજ્જર જેવા લોકો જયંતીભાઈના માર્ગદર્શન હેઠળ ટેરેસ પર રીંગણ, મરચાં, ચોળી, લીંબુ જેવાં શાકભાજી અને ફળો ઉગાડી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, અગાઉ બજારમાંથી દવાયુક્ત શાકભાજી ખરીદવાથી સ્વાસ્થ્ય પર જોખમ હતું, પરંતુ હવે ટેરેસ ગાર્ડનથી તેઓ ઓર્ગેનિક અને તાજું ઉત્પાદન મેળવી રહ્યાં છે. આ ખેતીથી ખર્ચ બચે છે અને સ્વાસ્થ્યની સુરક્ષા પણ થાય છે. આજના સમયમાં જ્યારે બજારના શાકભાજી અને ફળોમાં અધધ પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે જયંતીભાઈની ટેરેસ ગાર્ડન ખેતી લોકો માટે એક આદર્શ ઉકેલ બની રહી છે. તેમની પ્રેરણાથી ઘણા લોકો ઝીરો બજેટે આ ખેતી અપનાવી રહ્યાં છે અને તેના ફાયદા ગણાવતા થાકતા નથી. આવી ખેતી ન માત્ર સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હિતકારી છે, પણ શહેરી જીવનમાં પણ કૃષિની શક્યતાઓને ઉજાગર કરે છે.
અહેવાલ - ઉદય જાદવ
આ પણ વાંચો : Farming: દાંતા તાલુકાની પહાડી માટીમાં આદીવાસી ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સૌને ચોકાવ્યા!