Shocking! સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ ઓછા પડતા યુવકે જીવન ટૂંકાવ્યું
- સોશિયલ મીડિયાની લતે યુવકે ગુમાવ્યો જીવ
- ફોલોઅર્સ ન વધતા યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો
- 21 વર્ષીય પ્રતિક પટેલે દવા પીને આત્મહત્યા કરી
- વીડિયો ક્રિએટર સુપરસ્ટાર બનવાની ઘેલછાએ ગુમાવ્યો જીવ
- ફિટનેસ વીડિયો ક્રિએટર બનવા માટે યુવકની ઘેલછા
- 7 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છતા યુવક હતો હતાશ
Surat : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદિયાણા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેણે સમાજમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને તેની ગંભીર આડઅસરો પર ચર્ચા ઉભી કરી દીધી છે. 21 વર્ષીય પ્રતિક પટેલ નામના યુવકે સોશિયલ મીડિયા પર વીડિયો ક્રિએટર તરીકે સુપરસ્ટાર બનવાના સપના સાકાર ન થતાં હતાશામાં આવીને આત્મહત્યા કરી લીધી છે. 1 માર્ચના રોજ બપોરે 3:30 વાગ્યે તેણે ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઝેરી દવા પી લીધી. પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ 3 એપ્રિલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ પરિવાર અને તળપદા કોળી પટેલ સમાજમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
પ્રતિકની મહત્વાકાંક્ષા અને હતાશા
પ્રતિક પટેલના ફેમિલી બેકગ્રાઉન્ડની જો વાત કરીએ તો તેના પિતા (નામ- ઇશ્વરભાઈ જમુભાઈ પટેલ) એક રિક્ષા ચાલક છે. પ્રતિક વિશે એવું કહેવાતું હતું કે તે એક પ્રતિભાશાળી યુવાન હતો, જેણે જિલ્લા અને તાલુકા કક્ષાની ફિટનેસ સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક મેડલ જીત્યા હતા. તે રોજ ફિટનેસ સેન્ટરમાં જતો અને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનું સપનું હતું કે તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર હજારો ફોલોઅર્સ હોય અને તે એક સુપરસ્ટાર બને. જોકે, તેના 7,923 ફોલોઅર્સ અન્ય સ્પર્ધકોની સરખામણીમાં ઓછા લાગતા હતા, જેના કારણે તે લાંબા સમયથી હતાશા અનુભવી રહ્યો હતો. આ હતાશાએ આખરે તેને આત્મઘાતી પગલું ભરવા પ્રેર્યો.
સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ
આ ઘટના સોશિયલ મીડિયાની વધતી જતી લત અને તેની નકારાત્મક અસરોનું ઉદાહરણ છે. આજના યુવાનો માટે જાણે સોશિયલ મીડિયા જીવનનો પર્યાય બની ગયું છે. ઓછા પ્રયત્નોમાં ઝડપથી પ્રસિદ્ધિ મેળવવાની લાલચે ઘણા યુવાનો જોખમી સ્ટંટ કરે છે અથવા રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાનું જીવન જોખમમાં મૂકે છે. બાળકો મોબાઇલ ગેમ્સમાં ખોવાઈ જાય છે, જ્યારે યુવાનો પ્રસિદ્ધિની દોડમાં પોતાની માનસિક સ્થિતિને અવગણે છે. સુરતની આ ઘટના પહેલી નથી; અગાઉ પણ મોબાઇલની લત કે સોશિયલ મીડિયાના દબાણને કારણે ઘણા યુવાનોએ પોતાનું જીવન ગુમાવ્યું છે.
Surat 7900થી વધુ ફોલોઅર્સ હોવા છતાં આવું પગલું ઉઠાવ્યું!
ફોલોઅર્સ નહીં વધતા જીવન ટૂંકાવી દીધું યુવાને!
મૃતક યુવાનના પિતા ચલાવતા હતા રીક્ષા
સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવા અપીલ#Surat #Socialmedia #MentalWellness #socialmediainfluencer #Gujaratfirst pic.twitter.com/tmPIkWcVHB— Gujarat First (@GujaratFirst) April 6, 2025
પોલીસની તપાસ અને સલાહ
ઓલપાડ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે. સુરતના પોલીસ ઇન્સ્પેક્ટરે યુવાનોને સલાહ આપતા કહ્યું, “સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને જ સફળતા મળે તે જરૂરી નથી. જીવનમાં પ્રસિદ્ધિ મેળવવાના બીજા ઘણા રસ્તાઓ છે, જેમ કે ભણતરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કે રમતગમતમાં સિદ્ધિ. યુવાનોએ સોશિયલ મીડિયાને મનોરંજનનું સાધન માનવું જોઈએ, જીવનનો આધાર નહીં.” આ ઘટનાએ સમાજ સમક્ષ કેટલાક ગંભીર સવાલો મૂક્યા છે.
ઉઠતા સવાલો અને ચિંતા
પ્રતિકની આ ઘટનાએ સમાજમાં ચર્ચાને જન્મ આપ્યો છે કે સોશિયલ મીડિયાની પ્રસિદ્ધિની દોડ હજુ કેટલા યુવાનોના જીવ લેશે? શું ફોલોઅર્સની સંખ્યા જીવનથી વધુ મહત્વની બની ગઈ છે? યુવાનો આવા નિરાશાજનક પગલાં ભરતા પહેલાં પોતાના પરિવારની ચિંતા કેમ નથી કરતા? સૌથી મોટો સવાલ તો એ છે કે સોશિયલ મીડિયાની આ આડઅસરોથી યુવાપેઢીને કઈ રીતે બચાવી શકાય? આજના સમયમાં યુવાનો માટે સોશિયલ મીડિયા જીવનનો એક ભાગ હોવું જોઈએ, સમગ્ર જીવન નહીં, પરંતુ આ હકીકતને સ્વીકારવું તેમના માટે કેમ મુશ્કેલ બની રહ્યું છે? સોશિયલ મીડિયા જ્યારે ગેરમાર્ગે દોરે છે, ત્યારે તેની સમજ કેમ આવતી નથી?
આ પણ વાંચો : શું તમે પણ જોઈ રહ્યાં છો વધારે રીલ્સ? તો ચેતી જજો, થઈ શકે છે આ બિમારીઓ