સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, નવજાત બાળકની થઇ ચોરી
- સુરતની નવી સિવિલમાં ઘોર બેદરકારી આવી સામે
- સુરતમાં નવી સિવિલમાંથી નવજાત બાળકની ચોરી
- સ્ટેમસેલ બિલ્ડિંગમાંથી નવજાત બાળકની ચોરી
- ખટોદરા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી
- અજાણી મહિલા બાળકને થેલામાં નાખી લઇ ગઇ
- નવી સિવિલમાં સુરક્ષા મુદ્દે ઉભા થયા સવાલો
- 3 કલાક સુધી બાળકની માતા સાથે રહ્યા બાદ થઇ ચોરી
Surat New Hospital : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શહેરના સ્ટેમસેલ બિલ્ડિંગમાંથી એક નવજાત બાળકની ચોરી થઈ હોવાની ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ ઘટના રાત્રે બની હતી, જ્યારે એક અજાણી મહિલાએ બાળકને થેલામાં નાખીને ભાગી ગઈ હતી. ખટોદરા પોલીસે તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાએ હોસ્પિટલ તંત્રની નિષ્કાળજીને ઉજાગર કરી છે, જેના કારણે લોકોમાં રોષ અને આશ્ચર્યનો માહોલ છે.
ઘટનાની વિગત
પાંડેસરા બમરોલી રોડ પર આવેલા ગોવર્ધન નગરમાં રહેતી 23 વર્ષીય સંધ્યા ધીરજ શુક્લાને પ્રસૂતિનો દુખાવો શરૂ થતાં તેના પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. સંધ્યાને સ્ટેમસેલ બિલ્ડિંગમાં દાખલ કરવામાં આવી, જ્યાં સાંજના સમયે તેણે એક બાળકને જન્મ આપ્યો. ડિલિવરી બાદ સંધ્યા અને નવજાત બાળકને વધુ સારવાર માટે બિલ્ડિંગના બીજા માળે ખસેડવામાં આવ્યા. આ દરમિયાન, સંધ્યાના મોટાભાઈ ત્રિલોકેશ શુક્લાએ જણાવ્યું કે, તેમની નાની બહેન બાળકને જોવા આવી હતી. બાળક માટે કપડાંની જરૂર પડતાં બહેન તે લેવા ગઈ, અને આ સમયે ત્યાં બેઠેલી એક મહિલાને બાળકને સોંપ્યું હતું. પરંતુ જ્યારે બહેન પાછી આવી તો આ મહિલા બાળકને લઈને ગાયબ થઈ ગઈ હતી. રાત્રે 9 વાગ્યાની આસપાસ આ મહિલાએ નજર ચૂકવીને બાળકને થેલામાં નાખી ચોરી કરી લીધું.
હોસ્પિટલમાં હડકંપ: પોલીસ તપાસ શરૂ
બાળક ગાયબ થયાની જાણ થતાં પરિવારજનોએ તરત જ હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી, પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં. તેમણે હોસ્પિટલ તંત્રને જાણ કરી, અને બાદમાં ખટોદરા પોલીસને આ ઘટનાની ફરિયાદ કરવામાં આવી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો હોસ્પિટલ પહોંચી અને તપાસ શરૂ કરી. જાણવા મળ્યું કે, આ અજાણી મહિલા લગભગ 3 કલાક સુધી બાળકની માતા સંધ્યા સાથે હોસ્પિટલમાં હાજર હતી, અને તક મળતાં જ તેણે આ ઘટનાને અંજામ આપ્યો. આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે, કારણ કે આવી ગંભીર બેદરકારી નવજાત બાળકના જીવન સાથે ખેલ બની શકે છે.
સુરત પોલીસ બની દેવદૂત
તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, એક મહિલા જે નવજાત બાળકને ચોરી ગઇ હતી તે મળી આવ્યું છે. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યું છે. મળતી માહિતી અનુસાર, પોલીસે 200થી વધુ CCTV ચેક કરીને બાળકને શોધ્યું હતું. તેટલું જ નહીં ડીંડોલી વિસ્તારમાંથી તે મહિલાને પણ પોલીસે પકડી પાડી જે આ નવજાત બાળકને ચોરી ગઇ હતી. આરોપી મહિલા મૂળ બિહારની વતની હોવાનું સામે આવી રહ્યું છે. સુત્રોની માનીએ તો બાળકની ચાહના હોઈ મહિલાએ ચોરી કર્યાનું તારણ સામે આવી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલનો વિવાદો સાથે જૂનો નાતો
સુરતની નવી સિવિલ હોસ્પિટલ અગાઉ પણ અનેક વિવાદોમાં રહી છે. ભૂતકાળમાં પણ અહીંથી બાળક ચોરીની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેના કારણે હોસ્પિટલની સુરક્ષા અને વ્યવસ્થાપન પર સતત સવાલો ઉઠતા રહ્યા છે. આ વખતે ફરી એકવાર સ્ટેમસેલ બિલ્ડિંગના ડિલિવરી રૂમમાંથી નવજાત બાળકની ચોરી થતાં હોસ્પિટલ તંત્રની બેદરકારી ચર્ચામાં આવી છે. આ ઘટનાએ નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવી છે, અને લોકો હવે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : વાંકાનેરમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત! પરિવારનો હોસ્પિટલ પર ગંભીર આરોપ