Indian History In Olympic : ઓલિમ્પિકમાં ભારતની સફર, જુઓ ભારતીય ઓલિમ્પિક મેડલ વિજેતાઓની યાદી
- ઓલિમ્પિકની શરૂઆત 1896માં થઈ
- ભારતનો ઓલમ્પિક ઇતિહાસ
- વર્ષ 1900ની શરૂઆતથી વર્ષ 2024 સુધીની સફર
- પ્રથમ મેડલ કોણે જીત્યો?
Indian History In Olympic : પેરિસ ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થયો હતો. આ ઓલિમ્પિક ગેમ્સની 33મી આવૃત્તિ છે. તેમાં 206 દેશોના 10,672 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પેરિસ ઓલિમ્પિક (Paris Olympic) માં ભાગ લેવા માટે ભારતની 120 સભ્યોની ટીમ ગઇ હોવાનું કહેવાય છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ (Indian Players) શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધી ભારતને આ ઓલિમ્પિકમાં ત્રણ મેડલ મળી ચુક્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં મળ્યા છે. આમ ભારતના નામે અત્યાર સુધી કુલ 38 મેડલ થઇ ચુક્યા છે. ત્યારે આજે અમે તમને ઓલિમ્પિકમાં ભારતના ઈતિહાસ વિશે જણાવીએ છીએ. ભારતે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ક્યારે ભાગ લીધો, તેણે પહેલો મેડલ ક્યારે જીત્યો અને ઘણું બધું...
ઓલિમ્પિક મંચ પર ભારત
ભારતે તેની પ્રથમ ઓલિમ્પિક રમતોમાં ભાગ લેતા અભિયાનની શરૂઆત બે મેડલ સાથે કરી હતી. ત્યારથી, ભારતે 25 ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો છે અને કુલ 38 મેડલ જીત્યા છે, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, પ્રથમ આધુનિક ઓલિમ્પિક્સ 1896માં એથેન્સમાં યોજાઈ હતી અને સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને તેનું પ્રથમ પ્રતિનિધિત્વ જોવામાં માત્ર 4 વર્ષ લાગ્યા હતા. ભારત માટે શરૂઆત 1900 માં થઈ જ્યારે તેઓએ એકમાત્ર રમતવીર, નોર્મન પ્રિચાર્ડને પેરિસ મોકલ્યો, જ્યાં તેણે પુરુષોની 200 મીટર અને પુરુષોની 200 મીટર હર્ડલ્સમાં બે મેડલ જીત્યા હતા. ભારતે ત્યારથી અત્યાર સુધીની દરેક સમર ગેમ્સમાં ભાગ લીધો છે, 1920માં તેની પ્રથમ ઓલિમ્પિક ટીમ મોકલી, જેમાં ચાર એથ્લેટ અને બે કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. જે બાદ ભારતીય હોકી ટીમનો દબદબો શરૂ થયો હતો. ભારતીય ટીમે 1928ના ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને હોકીમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. રસપ્રદ વાત એ છે કે ત્યારપછી ભારતીય હોકી ટીમે કુલ 5 મેચમાં 29 ગોલ કર્યા હતા, જ્યારે કોઈ પણ દેશની હરીફ ટીમ ભારતીય ગોલ પોસ્ટમાં બોલ નાખી શકી નહોતી.
ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતાઓની સંપૂર્ણ યાદી, જાણો કોણ અને ક્યારે વિજેતા બન્યું.
રમતવીર/રમત | મેડલ | ઘટના | ઓલિમ્પિક સીઝન |
નોર્મન પ્રિચાર્ડ* | સિલ્વર | પુરુષોની 200 મીટર દોડ | પેરિસ 1900 |
નોર્મન પ્રિચાર્ડ** | સિલ્વર | પુરુષોની 200 મીટર (હર્ડલ રેસ) | પેરિસ 1900 |
ભારતીય હોકી ટીમ | ગોલ્ડ | પુરુષોની હોકી ટીમ | એમ્સ્ટરડેમ 1928 |
ભારતીય હોકી ટીમ | ગોલ્ડ | પુરુષોની હોકી ટીમ | લોસ એન્જલસ 1932 |
ભારતીય હોકી ટીમ | ગોલ્ડ | પુરુષોની હોકી ટીમ | બર્લિન 1936 |
ભારતીય હોકી ટીમ | ગોલ્ડ | પુરુષોની હોકી ટીમ | લંડન 1948 |
ભારતીય હોકી ટીમ | ગોલ્ડ | પુરુષોની હોકી ટીમ | હેલસિંકી 1952 |
ભારતીય હોકી ટીમ | ગોલ્ડ | પુરુષોની હોકી ટીમ | મેલબોર્ન 1956 |
કેડી જાધવ | બ્રોન્ઝ | પુરુષોની બેન્ટમવેઇટ કુસ્તી | હેલસિંકી 1952 |
ભારતીય હોકી ટીમ | સિલ્વર | પુરુષોની હોકી ટીમ | રોમ 1960 |
ભારતીય હોકી ટીમ | ગોલ્ડ | પુરુષોની હોકી ટીમ | ટોક્યો 1964 |
ભારતીય હોકી ટીમ | બ્રોન્ઝ | પુરુષોની હોકી ટીમ | મેક્સિકો સિટી 1968 |
ભારતીય હોકી ટીમ | બ્રોન્ઝ | પુરુષોની હોકી ટીમ | મ્યુનિક 1972 |
ભારતીય હોકી ટીમ | ગોલ્ડ | પુરુષોની હોકી ટીમ | મોસ્કો 1980 |
લિએન્ડર પેસ | બ્રોન્ઝ | મેન્સ સિંગલ્સ ટેનિસ | એટલાન્ટા 1996 |
કર્ણમ મલ્લેશ્વરી | બ્રોન્ઝ | વેઈટ લિફ્ટિંગ (મહિલા 54 કિગ્રા) | સિડની 2000 |
રાજ્યવર્ધનસિંહ રાઠોડ | સિલ્વર | પુરુષોની ડબલ ટ્રેપ શૂટિંગ | એથેન્સ 2004 |
અભિનવ બિન્દ્રા | ગોલ્ડ | પુરુષોની 10 મીટર એર રાઈફલ શૂટિંગ | બેઇજિંગ 2008 |
વિજેન્દર સિંહ | બ્રોન્ઝ | પુરુષોની મિડલવેટ બોક્સિંગ | બેઇજિંગ 2008 |
સુશીલ કુમાર | બ્રોન્ઝ | પુરુષોની 66 કિગ્રા કુસ્તી | બેઇજિંગ 2008 |
સુશીલ કુમાર | સિલ્વર | પુરુષોની 66 કિગ્રા કુસ્તી | લંડન 2012 |
વિજય કુમાર | સિલ્વર | પુરુષોની 25 મીટર રેપિડ પિસ્તોલ શૂટિંગ | લંડન 2012 |
સાયના નેહવાલ | બ્રોન્ઝ | મહિલા સિંગલ્સ બેડમિન્ટન | લંડન 2012 |
મેરી કોમ | બ્રોન્ઝ | મહિલા ફ્લાયવેઇટ બોક્સિંગ | લંડન 2012 |
યોગેશ્વર દત્ત | બ્રોન્ઝ | પુરુષોની 60 કિગ્રા કુસ્તી | લંડન 2012 |
ગગન નારંગ | બ્રોન્ઝ | 10 મીટર એર રાઈફલ શૂટિંગ | લંડન 2012 |
પીવી સિંધુ | સિલ્વર | મહિલા સિંગલ્સ બેડમિન્ટન | રિયો 2016 |
સાક્ષી મલિક | બ્રોન્ઝ | મહિલાઓની 58 કિગ્રા કુસ્તી | રિયો 2016 |
મીરાબાઈ ચાનુ | સિલ્વર | મહિલાઓની 49 કિગ્રા વેઈટ લિફ્ટિંગ | ટોક્યો 2020 |
લવલીના બોર્ગોહેન | બ્રોન્ઝ | મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ (64-69 કિગ્રા) | ટોક્યો 2020 |
પીવી સિંધુ | બ્રોન્ઝ | મહિલા સિંગલ્સ બેડમિન્ટન | ટોક્યો 2020 |
રવિ કુમાર દહિયા | સિલ્વર | પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા કુસ્તી | ટોક્યો 2020 |
ભારતીય હોકી ટીમ | બ્રોન્ઝ | પુરુષોની હોકી ટીમ | ટોક્યો 2020 |
બજરંગ પુનિયા | બ્રોન્ઝ | પુરુષોની 65 કિગ્રા કુસ્તી | ટોક્યો 2020 |
નીરજ ચોપરા | ગોલ્ડ | પુરુષોની ભાલા ફેક (જેવલિન થ્રો) | ટોક્યો 2020 |
મનુ ભાકર | બ્રોન્ઝ | મહિલા 10 મીટર એર પિસ્તોલ | પેરિસ 2024 |
મનુ ભાકર-સરબજોત સિંહ | બ્રોન્ઝ | મિશ્રિત 10 મીટર એર પિસ્તોલ | પેરિસ 2024 |
સ્વપ્નિલ કુસલે | બ્રોન્ઝ | 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન | પેરિસ 2024 |
ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ
ઓલિમ્પિકની શરૂઆત 1896માં થઈ હતી, જેનું આયોજન ગ્રીસની રાજધાની એથેન્સમાં કરવામાં આવ્યું હતું. પરંતુ, ભારતે 1900માં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.
ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ ક્યારે અને કોણે જીત્યો?
ભારતે 1900માં પેરિસ ઓલિમ્પિકમાં તેનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. તે સમયે નોર્મન પ્રિચાર્ડે બે સિલ્વર મેડલ જીત્યા હતા. એક 200 મીટર હર્ડલ રેસમાં અને બીજી 200 મીટરમાં. પરંતુ સત્તાવાર રીતે, ભારત 1928માં એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં તેનો પહેલો મેડલ અને ખાસ કરીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું.
કેટલા ગોલ્ડ મેડલ જીત્યા?
ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 38 મેડલ જીત્યા છે. જેમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
વ્યક્તિગત ગોલ્ડ મેડલ
ભારત માટે પ્રથમ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક અભિનવ બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગમાં જીત્યો હતો. ભારતે 112 વર્ષની રાહ જોયા બાદ આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ ટોક્યો ઓલિમ્પિક 2020માં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓલિમ્પિકમાં ભારત માટે બીજો વ્યક્તિગત મેડલ જીત્યો.
ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા કોણ?
કર્ણમ મલ્લેશ્વરી ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા હતી. તેણે વર્ષ 2000માં સિડનીમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં 69 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે પ્રથમ ઓલિમ્પિકમાં કઈ રમતમાં ભાગ લીધો હતો?
વર્ષ 1900માં ભારતે પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારત વતી બ્રિટનના નોર્મન પીટકાર્ડે ભાગ લીધો હતો. તેઓ ભારતમાંથી પ્રથમ સહભાગી હતા. એથ્લેટિક્સમાં 200 મીટર અને 200 મીટર હર્ડલ્સમાં ભાગ લીધો હતો.