ICC Pitch Rating : કાનપુર આઉટફિલ્ડને લઇને ICC ની કડક કાર્યવાહી! આપ્યું અસંતોષકારક રેટિંગ
- ગ્રીન પાર્ક સ્ટેડિયમ: ICC નું અસંતોષકારક રેટિંગ!
- કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમને લઈને હંગામો
- ICCએ આપ્યું ગંદું રેટિંગ
Green Park Stadium : તાજેતરમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણી (Test Series) માં ભારતીય ક્રિકેટ ટીમને 0-3 થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 24 વર્ષ બાદ ભારતીય ટીમે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લિન સ્વિપ કર્યું હતું. ન્યુઝીલેન્ડ સામેની કારમી હાર બાદ પીચ પર પણ સવાલો ઉભા થયા છે. હરભજન સહિત કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ પીચને ટીમ ઈન્ડિયાની હાર માટે જવાબદાર ઠેરવી હતી. જણાવી દઈએ કે બેંગલુરુમાં રમાયેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પાંચમા દિવસે પહોંચી હતી, તે પણ વરસાદના કારણે. જ્યારે ન્યુઝીલેન્ડે પુણે અને વાનખેડે ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં જીતી લીધી હતી. હવે ICC એ ભારતના એક સ્ટેડિયમની આઉટફિલ્ડને લઇને 'અસંતોષકારક' રેટિંગ આપ્યું છે.
કાનપુર આઉટફિલ્ડને અસંતોષકારક રેટિંગ મળ્યું
જણાવી દઇએ કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે કાનપુરમાં રમાયેલી ટેસ્ટ મેચના આઉટફિલ્ડને ICC તરફથી 'અસંતોષકારક' રેટિંગ મળ્યું છે. આ સાથે જ સ્થળના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે. કાનપુર ટેસ્ટના પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, જ્યારે બીજા અને ત્રીજા દિવસે એક પણ ઓવર નાખી શકાઈ ન હોતી. તે પણ જ્યારે ત્રીજા દિવસે રમતના સમય દરમિયાન બિલકુલ વરસાદ પડ્યો ન હતો. આ મેચ પહેલા રાજ્યના PWD વિભાગે ગ્રીન પાર્કના સ્ટેન્ડને અસુરક્ષિત જાહેર કર્યું હતું, આ સાથે વિભાગે અધિકારીઓને દર્શકો માટે માત્ર મર્યાદિત સંખ્યામાં ઉપલા સ્તરની બેઠકો ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) રાજ્ય સરકાર સાથેના સમજૂતી કરાર હેઠળ ગ્રીન પાર્ક સ્ટેડિયમનો ઉપયોગ કરે છે. કરાર મુજબ, સરકાર પાસે જમીનનો માલિકી હક્ક છે પરંતુ સ્ટેડિયમ અને તેની જાળવણીની જવાબદારી UPCA ની છે. BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા (શુક્લા પોતે કાનપુરના વતની છે) એ કાનપુર સ્ટેડિયમનો બચાવ કર્યો હતો જ્યારે તે ઘણી ટીકાઓ હેઠળ આવ્યું હતું, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે સ્ટેડિયમને નવીનીકરણની જરૂર છે.
ક્યારે થઇ શકે છે કડક કાર્યવાહી?
જો કે, લગભગ અઢી દિવસની રમત વેડફાઈ જવા છતાં, ભારતે 121.2 ઓવરમાં બાંગ્લાદેશની તમામ 20 વિકેટ ઝડપી હતી અને 52 ઓવરમાં 7.36 રન પ્રતિ ઓવરના દરે 383 રન બનાવીને જીત મેળવી હતી. જોકે, કાનપુરની પિચને ચોક્કસપણે સંતોષકારક રેટિંગ મળ્યું છે. ICC આંતરરાષ્ટ્રીય સ્તરે આઉટફિલ્ડને ખૂબ જ સારાથી અનફિટના ધોરણે રેટ કરે છે: ખૂબ જ સારી, સંતોષકારક, અસંતોષકારક અને અયોગ્ય. અસંતોષકારક રેટિંગના પરિણામે સ્થળના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવે છે, જ્યારે અયોગ્ય રેટિંગના પરિણામે ત્રણ ડિમેરિટ પોઈન્ટ થાય છે. જો કોઈ ગ્રાઉન્ડ 5 વર્ષના સમયગાળામાં 5 કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મેળવે છે તો તે મેદાન પર 12 મહિના સુધી કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ યોજવા પર પ્રતિબંધ લાગી જાય છે. કાનપુર ઉપરાંત, ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમને 'ખૂબ સારું' રેટિંગ મળ્યું છે જ્યારે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની યજમાની કરી રહેલા મુંબઈ, બેંગલુરુ અને પૂણેની પિચને 'સંતોષકારક' રેટિંગ મળ્યું છે.
આ પણ વાંચો: Champions Trophy 2025 માટે પાકિસ્તાનમાં નહીં જાય Team India!