WPL-2024 : ઓસ્ટ્રેલિયાની આ મહિલા ક્રિકેટરને મળી ગુજરાત જાયન્ટ્સની મહત્ત્વની જવાબદારી
મહિલા પ્રીમિયર લીગની (WPL-2024) બીજી સીઝન વર્ષ 2024 માં 23 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે WPL ને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટની તમામ ટીમોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત જાયન્ટ્સે તેની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. માહિતી મુજબ, ગુજરાત જાયન્ટ્સે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર બેથ મૂનીને WPL-2024 માટે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરી છે. ફ્રેન્ચાઇઝી દ્વારા બુધવારે, 14 ફેબ્રુઆરીએ આની જાહેરાત કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર બેથ મૂની 23 ફેબ્રુઆરીથી શરૂ થનારી મહિલા પ્રીમિયર લીગ (WPL-2024)ની બીજી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ કરશે. મૂનીને પ્રથમ સિઝન માટે પણ કેપ્ટન બનાવવામાં આવી હતી પરંતુ તે પ્રથમ મેચ બાદ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી અને ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં તે રમી શકી નહોતી. આથી ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાએ તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. સ્નેહને બીજી સિઝન માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. સાલ 2023 માં પાંચ ટીમોની સ્પર્ધામાં ગુજરાતની ટીમ છેલ્લાં સ્થાને રહી હતી.
You can bet on Beth! 🤩#GiantArmy, Mooney Mania maate તૈયાર cho?💥#BringItOn #GujaratGiants #Adani pic.twitter.com/4OngbS92I0
— Gujarat Giants (@Giant_Cricket) February 14, 2024
17 માર્ચે રમાશે WPL 2024ની ફાઈનલ
બેથ મૂનીને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા પછી ફ્રેન્ચાઇઝીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'તેઓ (મૂની અને સ્નેહ) મુખ્ય કોચ માઇકલ ક્લિન્ગર, માર્ગદર્શક અને સલાહકાર મિતાલી રાજ અને સહાયક કોચ નૂશીન અલ ખાદીર સાથે નેતૃત્વ જૂથનો ભાગ હશે.' જણાવી દઈએ કે, મહિલા પ્રીમિયર લીગ-2024 (WPL-2024) 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. તે જ સમયે, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ નવી દિલ્હીમાં 17 માર્ચે રમાશે. WPL 2024માં કુલ 22 મેચો રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચો બે શહેર દિલ્હી અને બેંગલુરુમાં રમાશે. ગુજરાત જાયન્ટ્સ WPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 25મી ફેબ્રુઆરીએ બેંગલુરુમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.
આ પણ વાંચો - IND vs ENG: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી, સરફરાઝ અને ધ્રુવ ડેબ્યૂ કરશે