Mizoram: વાવાઝોડાના કારણે કરોડોનું નુકસાન, 2,500 ઘર સહિત શાળાઓ ધરાશાયી
Mizoram: કુદરતનો પ્રકોપ અત્યારે ભૂંકપ, વાવાઝોડા અને ત્સાનામી રૂપે લોકો પર કહેર વર્તાવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં મિઝોરમમાં આવેલા વાવાઝોડાએ ભારે તાહાજી સર્જી છે. આ વાવાઝોડામાં મિઝોરમમાં 2,500 થી વધુ મકાનો, શાળાઓ અને સરકારી ઈમારતોને નુકસાન થયું હતું અને એક મહિલાનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રવિવાર અને મંગળવારની વચ્ચે, મિઝોરમના ઘણા ભાગોમાં ભારે વરસાદ સાથે શક્તિશાળી તોફાન અને કરા પડ્યા હતા, જેના કારણે રાજ્યમાં વિનાશ થયો હતો.
વાવાઝોડામાં મિઝોરમમાં 2,500 થી વધુ મકાનો ધરાશાયી
આ બાબતે અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, સોમવારે આવેલા વાવાઝોડામાં ઉખડી ગયેલા ઝાડના કારણે 45 વર્ષીય મહિલાનું મોત થયું હતું. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો, પાંચ જિલ્લામાં 15 ચર્ચ, પાંચ જિલ્લાઓમાં 17 શાળાઓ, ચંફઈ અને સૈથુ જિલ્લામાં 11 રાહત શિબિરો, જેમાં મ્યાનમારના શરણાર્થીઓ અને મણિપુરના આંતરિક રીતે વિસ્થાપિત લોકોને રાખવામાં આવ્યા હતા, કોલાસિબ અને સેરછિપ જિલ્લામાં નાશ પામ્યા હતા. 11 આંગણવાડી કેન્દ્રો અને કેટલીક સરકારી ઇમારતો સહિત 2,500 થી વધુ મકાનોને તોફાન અને કરાથી નુકસાન થયું હતું.
ઉત્તરી મિઝોરમની વાત કરવામાં આવે તો કોલાસિબ જિલ્લો કે જેને આસામની સીમા લાગે છે ત્યા પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં 795 રહેણાક ઘરે, સાત શાળા, 6 ચર્ચ, 8 આંગણવાડી કેન્દ્ર અને 11 સ્ટાફ ક્વાર્ટર્સ સહિત 800 થી વધુ ઇમારતો નાશ પામી હતી, ત્યારબાદ આઇઝોલ જિલ્લામાં 632 મકાનો સાથે સૌથી વધુ નુકસાન થયું હતું.
મિઝોરમમાં અત્યારે લોકોને ભારે નુકસાન થયું
નોંધનીય છે કે, રાજ્યના લોકોને આ વાવાઝોડાએ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. આ બાબતે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન મંત્રી કે. સપદંગાએ જણાવ્યું હતું કે ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં સરકાર અસરગ્રસ્ત લોકોને હાલના કાયદા હેઠળ સહાય પૂરી પાડશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ચૂંટણી પંચ પાસેથી પરવાનગી માંગી છે અને મુખ્ય પ્રધાન લાલદુહોમાએ પણ ચૂંટણી પંચને આપત્તિ અને લોકોને સહાય પૂરી પાડવાની જરૂરિયાત વિશે જાણ કરી છે.