VADODARA : નોન વેજની દુકાનોમાં ભારે ગોલમાલ મળી
VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજમાં લાયસન્સ એક્સપાયર થયા બાદ પણ ધમધમતા બે નોન વેજના ફૂટ જોઇન્ટ પર પાલિકાની ખોરાક શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં એક જગ્યાએથી પ્રતિબંધિત કલર નાંખેલી બિરીયાની મળી આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ ફ્રિજમાંથી બે દિવસ જુની માછલી મળી આવી હતી. પાલિકાના ખોરાક શાખાના અધિકારીઓ દ્વારા તાત્કાલીક ફૂટ જોઇન્ટ બંધ કરાવીને લાયસન્સ લેવા તાકીદ કરવામાં આવી છે.
કડક કાર્યવાહી કરવામાં આવશે
વડોદરામાં નાગરિકોના સ્વાસ્થ્યની જગ્યાએ કમાણીને કેન્દ્ર સ્થાને રાખીને ધંધો કરતા ખોરાકના વેપારીઓને ત્યાં પાલિકાની ટીમ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આજે પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં નોનવેજ વેચતી બે દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં ધ્યાને આવ્યું કે, બંને દુકાનોના લાયસન્સ એક્સપાયર થઇ ગયા બાદ પણ તેઓનો ધંધો ચાલુ હતો. પાલિકાની ટીમ દ્વારા તાત્કાલીક ધંધો બંધ કરાવીને લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન લેવા તાકીદ કરવામાં આવી છે. જો તેમ કર્યા વગર ફરી ધંધો શરૂ કર્યો તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
બંનેના લાયસન્સ એક્સપાયર
પાલિકાના ખોરાક શાખાના અધિકારી પ્રશાંત ભાવસાર જણાવે છે કે, સયાજીગંજમાં આવેલી એ. આર. આમલેટ અને લાજવાબ તવાફ્રાયને ત્યાં તપાસ કરવામાં આવી છે. બંનેના લાયસન્સ એક્સપાયર થઇ ગયા હતા. એ આધારે તાત્કાલીક ધંધો બંધ કરાવવામાં આવ્યો છે. વધુમાં તેમને ત્યાંથી મળેલી બિરીયાનીમાં કલર જોવા મળ્યો હતો.
શિડ્યુલ - 4 નું પાલન કરવાનું ફરજીયાત
વધુમાં તેમણે જણાવ્યું કે, જે પ્રતિબંધિત છે. પ્રીપેડ ફૂડમાં કલર નાંખવાને મંજૂરી નથી. તે જોતા આશરે 25 કિલો જેટલી બિરીયાનીનો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ તેમને જણાવવામાં આવ્યું કે, લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન બાદ જ તેઓ ધંધો શરૂ કરી શકશે. જેની માટે તેમણે શિડ્યુલ - 4 નું પાલન કરવાનું ફરજીયાત રહેશે. ફ્રિઝમાં બે દિવસ પહેલાની માછલી મળી આવી હતી. જેનો તાત્કાલીક ધોરણે નિકાલ કર્યો છે. જો તેઓ આગળ વગર લાયસન્સે ધંધો કરશે, તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : VMC ના પાપે ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર