VADODARA : જોય ઇ-બાઇક કંપની ભીષણ આગની લપેટમાં
VADODARA : વડોદરા પાસે આજવા રોડ પર ઇલેક્ટ્રીક બાઇક અને રીક્ષા બનાવતી જોય ઇ - બાઇક (Joy e-bike) કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ (FIRE) લાગવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનાને લઇને શહેરના અલગ અલગ 5 જેટલા ફાયર સ્ટેશનો પરથી ફાયર ફાઇટર વાહનો સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. મધરાત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હોવાનું ધ્યાને આવ્યું છે. હાલ સ્થળ પર કુલીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
કાર્યવાહી વહેલી સવાર સુધી ચાલી
વડોદરા પાસે આજવા નજીક સિગ્મા કોલેજ જવાના રસ્તે ઇલેક્ટ્રીક બાઇક અને રીક્ષા બનાવતી જોય ઇ-બાઇક (Joy e-bike) નામની કંપની આવેલી છે. આ કંપનીમાં ગત રાત્રે ભીષણ આગની ઘટના સામે આવી હતી. આગ એટલી ભીષણ હતી કે, એક પછી એક 5 ફાયર સ્ટેશનોમાંથી લાશ્કરો અને ફાયર ફાયટરોને બોલાવવા પડ્યા હતા. મધરાત્રે શરૂ કરેલી આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી વહેલી સવાર સુધી ચાલી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
3 શેડમાં પડેલા મટીરીયલ આગમાં સ્વાહા
આગ લાગવા પાછળના પ્રાથમિક અનુમાન પ્રમાણે, ડ્રાય બેટરીમાં ઓવર હિટિંગ હોવાનો અંદાજ છે. આ ઘટનામાં કંપનીના કમ્પાઉન્ડમાં 3 શેડમાં પડેલા મટીરીયલ આગમાં સ્વાહા થયો હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. મોડી રાત્રે લાગેલી ભીષણ આગને પગલે વિસ્તારોમાં એક પછી એક સાયરન મારતા ફાયર ફાયટરો પહોંચતા રહ્યા હતા. જેને લઇને વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી હતી.
10 જેટલા ફાયર ફાયટ ઘટના સ્થળે
જોય ઇ-બાઇક કંપનીમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે શહેરના પાણીગેટ, દાંડિયાબજાર, ઇઆરસી, જીઆઇડીસી અને છાણી ટીપી-13 ફાયર સ્ટેશન તમામ મળી 10 જેટલા ફાયર ફાયટ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ ઓલવવાની પ્રક્રિયામાં જોડાયા હતા. કંપનીના શેડમાં પ્લાસ્ટીકનું મટીરીયલ મોટા પ્રમાણમાં હોવાથી આગ જોત જોતામાં પ્રસરી હોવાનો અંદાજ છે. સુત્રો જણાવી રહ્યા છે કે, આગમાં કંપનીના સ્ક્રેપનો સામાન સ્વાહા થયો છે. આ સ્ક્રેપને સાચવવા માટે ત્રણ શેડ બનાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની થયાનું સામે આવ્યું નથી.
સૌ કોઇની નજર રહેશે
અત્રે નોંખનીય છે કે, આટલી વિકરાળ આગની પરિસ્થિતી સામે કંપની પાસે પોતાનું ફાયર મેનેજમેન્ટ સિસ્ટમ સાબદુ હતું કે નહિ તે હાલ જાણી શકાયું નથી. આ અંગે આગામી સમયમાં તપાસ બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે. સાથે જ તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- Gujarat Foundation Day : CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું ?