જેતપુરના અમરાપર ગામે પડ્યા દરોડો, સરપંચ સહિત 7 લોકો જુગાર રમતા ઝડપાયા
અહેવાલ - હરેશ ભાલિયા
જેતપુર તાલુકાના અમરાપર ગામે ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે ત્રાટકીને ઉત્સાહી અને ઈમાનદાર સરપંચ સહિત 7 શખ્સને રોકડ રૂ. 14,500 સાથે પકડી પાડ્યા હતા. ગામમાંથી દારુ-જુગારની બદી દુર કરવામાં સદંતર નિષ્ફળ ગયેલા ખુદ ગામના સરપંચ જ પત્તા ટીંચતા પકડાઈ જતા તાલુકાભરમાં ચકચાર જાગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે અમરાપર ગામની સીમમાં રોજ જુગારધામ ચાલે છે. બાતમી પરથી જેતપુર તાલુકા પોલીસે જુગાર દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ હાર જીતનો જુગાર રમતા પંટરોમાં ગામના મુખી કહેવાતા સરપંચ પણ સામેલ હતા. દરોડા દરમિયાન પોલીસને ભલામણનો મારો થયો હતો પણ કહેવાય છે કે પોલીસે ફરજને મહત્વ આપીને, ભલામણો હડસેલી કાયદેસરની જ કાર્યવાહી કરી હતી.
જેતપુર તાલુકા પોલીસના પો.કો. પ્રદીપભાઈ આગરીયાએ સરકાર તરફે ફરિયાદી બની નોંધાવેલ ગુનામાં આરોપીઓ તરીકે ગામના સરપંચ શૈલેશ વજુ બુટાણી, રમેશ નારણ ઉંધાડ, લાલજી ગાડું અકબરી, મનસુખ રણછોડ કયાડા, મુકેશ બચું કેરવાડીયા, ભ્કું ભીખા મકવાણા, પરસોત્તમ ગોરધન બુટાણીનો સમાવેશ થાય છે. પોલીસે જુગાર દરોડા દરમિયાન રોકડ રૂપિયા ૧૪૫૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે એ નોંધનીય છે કે થોડા સમય પહેલાજ અમરાપર ગામના સરપંચ શૈલેશ બુટાણીએ પોતાના ગામમાં વર્ષોથી થતી ખનીજ ચોરી બાબતે છેક કલેકટર અને ખાણ ખનીજ તંત્ર સુધી રજુઆતો કરીને જાગૃત સરપંચ તરીકે વાહવાહી મેળવી હતી પણ અખબારી અહેવાલો પછી પણ ખાણ અને ખનીજ તંત્રે ગ્રામજનોના આક્ષેપ મુજબ ફૂલડીમાં ગોળ ભાંગી લેતા ખનીજ ખનન યથાવત છે. ઉપર જતા જુગારમાં ઝડપાતા હવે ચકચાર જાગી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.