ભારે વરસાદથી મહેસાણાનો ધરોઇ ડેમ છલકાયો, જાણો હાલની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. આ વરસાદથી રાજ્યના મોટા ભાગના નદી-નાળા અને ડેમો છલકાઇ ગયા છે. હવે સમાચાર છે કે, ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઇ ડેમ પોતાની હાઇએસ્ટ સપાટીની નજીક પહોંચી ગયો છે.
ધરોઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો
સતત વરસી રહેલા વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો છે, ધરાઇ ડેમમાં 56.24 % જળ સ્ટૉક થઇ ગયો છે. ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટની હોય છે, જ્યારે હાલમાં ડેમમાં 609.13 ફૂટની જળ સપાટી સુધી પાણીની આવક પહોંચી ગઇ છે. ધરોઇ ડેમમાં અત્યારે 14722 ક્યૂસેક પાણીની આવક ચાલુ છે.
રાજ્યમાં 5 જુલાઇ સુધી આ જિલ્લામાં વરસાદનો અનુમાન
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે જો કે 2 જુલાઇ બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે, બાદ 5 જુલાઇ સુધી રાજ્યમાં સમાન્ય છુટછવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગની માહિતી મુજબ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. જૂનના અંત અને જુલાઇની શરૂઆતમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ તેમજ કચ્છમાં ભારે વરસાદ વરસ્યો. ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 88 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં 41 ટકાથી વધુ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં 20.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 27.65 ટકા અને મધ્ય ગુજરાતમાં 16.59 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આપણ વાંચો -JAMNAGAR: વરસાદના પગલે રણજીતસાગર ડેમ થયો ઓવરફલો, જુઓ તસવીરો