ACB Gujarat : કેપ્ટન અજય ચૌહાણ એવિએશન કંપનીનો માલિક હોવાનો ઘટસ્ફોટ
ACB Gujarat : ભાજપ સરકારના રાજમાં વર્ષ 2016થી વર્ષ 2023 દરમિયાન કૌભાંડોની હારમાળા રચનારા કેપ્ટન અજય ચૌહાણ (Capt Ajay Chauhan) સામે આખરે કાર્યવાહીનો આરંભ થયો છે. રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગે (Industries and Mines Department) અજય ચૌહાણને ગુજસેલ (GujSAIL) માંથી ફરજ મોકૂફ કર્યાના 14 મહિના બાદ એસીબી ગુજરાતે (ACB Gujarat) ગુનો નોંધ્યો છે. ફરાર અજય ચૌહાણ ઉપરાંત રોયલ ઓરિએન્ટ ટુર્સના માલિક અને કેશમેક એવિએશનના ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી અને ઓરિએન્ટ ટુર્સના કર્મચારી અલ્પેશ પ્રજાપતિને આરોપી બનાવાયા છે. એસીબીના કેસનો મુખ્ય આરોપી અજય ચૌહાણ હાલ વિદેશમાં હોવાની માહિતી સામે આવી રહી છે. ગુજસેલમાં કરાર આધારિત આઉટ સોર્સ એજન્સી થકી જોડાયેલા Rtd DySP હરગોવનભાઇ સાંકાભાઇ રબારીએ ACB Gujarat ને સત્તાવાર ફરિયાદ આપી છે. અજય ચૌહાણના કાંડ મામલે થયેલી ફરિયાદની માહિતી જાણવા વાંચો આ વિગતવાર અહેવાલ...
ACB Gujarat માં ઑગસ્ટ-23થી ચાલતી હતી તપાસ
ભારતીય વાયુદળ (Indian Air Force) માં પાયલોટ તરીકે જુદાજુદા સ્થળોએ ફરજ બજાવી નિવૃત્ત થયેલા રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અજય ચૌહાણને GujSAIL ના એકાઉન્ટેબલ મેનેજર તરીકે 25 નવેમ્બર 2016માં નિયુક્ત કરાયા હતા. ઉદ્યાગ અને ખાણ વિભાગ હસ્તકના ગુજસેલના એકાઉન્ટેબલ મેનેજરને નિયામક નાગરિક ઉડયન (Civil Aviation Director) નો વધારોનો ચાર્જ પણ સોંપાયો હતો. નવેમ્બર-2016થી માર્ચ-2023 દરમિયાન અજય ચૌહાણે પરિવાર સાથે સરકારના ખર્ચે કરેલા મુંબઈ પ્રવાસ, એવિએશન કંપનીઓ સાથે સાંઠગાંઠ કરીને કરેલી કટકી તેમજ ચાલુ સરકારી નોકરીએ કરેલા કાંડમાં સરકારે તપાસ કરાવી હતી. ગુજરાત સરકાર (Gujarat Government) ના ઉદ્યોગ અને ખાણ વિભાગે સસ્પેન્ડ અજય ચૌહાણ સામે તપાસ કરવા ઑગસ્ટ-2023માં ACB Gujarat ને જાણ કરી હતી.
ચૌહાણ પરિવારે સરકારના ખર્ચે મુંબઈ પ્રવાસ કર્યો
એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ની તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષ 2022ના જાન્યુઆરી મહિનામાં અજય ચૌહાણ, પત્ની બોબી ચૌહાણ અને પુત્રી સોફીયા ચૌહાણે મુંબઈ પ્રવાસ માટે સરકારી પ્લેનનો ઉપયોગ કર્યો હતો. ગુજરાત સરકારની માલિકીના પ્લેન BOMBARDIER CL-600 2B16 (604 VARIANT) માં તારીખ 20 જાન્યુઆરી 2022ના અમદાવાદથી બપોરે 12.30 કલાકે મુંબઈ અને 15.35 કલાકે અમદાવાદ પરત ફર્યા હતા. આ સમયે પ્લેનના Captain તરીકે મોઈત્રા અને નવિન હતા તેમજ ક્રુ મેમ્બર અવનીશ હતા. પ્રવાસ અને રોકાણ સહિત ત્રણ કલાકના ગાળામાં ચૌહાણે સરકારને 15.41 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.
કેશમેક એવિએશને 10 લાખ ચેકથી અજયને ચૂકવ્યા
રોયલ ઓરિએન્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક અને કેશમેક એવિએશન પ્રા. લિ.ના ડાયરેક્ટરે ACB સમક્ષ અજય ચૌહાણની પોલ ખોલી નાંખી છે. ગુજરાત સરકારની માલિકીના પ્લેન (Plane) અને હેલિકૉપ્ટર (Helicopter) ની જાળવણી અંગે ઈન્ડામેર એવિએશન પ્રા. લિ. (Indamer Aviation Pvt Ltd) સાથે ગુજસેલે વાર્ષિક 10 ટકાના વધારા સાથે કરાર કર્યો હતો. મહિને 11.75 લાખ રૂપિયા જાળવણી પેટે ચૂકવવામાં આવતા હતા. વર્ષ 2018થી 2023 દરમિયાન 30 કરોડ 3 લાખ 72 હજાર 356 રૂપિયા ઈન્ડામેર એવિએશનને ચૂકવાયા હતા. ઈન્ડામેર એવિએશને પેટા કરાર પેટે કેશમેક એવિએશનને બેંક થકી 1 કરોડ 11 લાખ 66 હજાર 811 રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે કેશમેક એવિએશન કંપનીએ વર્ષ 2018ની તારીખ 11 એપ્રિલે 10 લાખ રૂપિયા ચેકથી ચૂકવ્યા હતા. ઈન્ડામેર અને કેશમેક વચ્ચેના થયેલા ગેરકાયદેસર પેટા કરારમાં અજય ચૌહાણ મુખ્ય સૂત્રધાર હતો.
કેશમેક એવિએશનનો માલિક અજય ચૌહાણ
10 લાખ રૂપિયા બેંક એકાઉન્ટ થકી મેળવનાર અજય ચૌહાણની તપાસ કરતા લાંચ રૂશ્વત વિરોધી દળની તપાસ ટીમ (Team ACB) ને ચોંકાવનારા પૂરાવાઓ હાથ લાગ્યા હતા. કેશમેક એવિએશન કંપનીના કન્સલટન્ટ તરીકે અજય ચૌહાણ મહિને 2.50 લાખ રૂપિયા લેતો હતો. વર્ષ 2015માં અજય ચૌહાણે કેશમેક એવિએશન કંપની સાથે કન્સલટન્સી એગ્રીમેન્ટ કર્યા હતા. તપાસમાં મળી આવેલા પૂરાવાઓમાં અજય ચૌહાણે કેશમેક કંપનીના આકારણી વર્ષ 2026-17 ના TDS ચલણ પર ઑથોરાઈઝડ સિગ્નેટરી (Authorized Signatory) તરીકે પોતાની અધિકૃત સહી કરેલી છે. ઉપરાંત અજયે પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ફોર્મમાં દર્શાવ્યો છે.
સરકારી નોકરી દરમિયાન પાયલોટની નોકરી
સરકારી નોકરી દરમિયાન અજય ચૌહાણે ખાનગી એવિએશન કંપનીમાં પાયલોટ તરીકે નોકરી કરી પગાર મેળવ્યો હોવાના પૂરાવા તપાસ અધિકારીને હાથ લાગ્યા છે. આર્યન એવિએશન પ્રા. લિ. (Aryan Aviation Pvt Ltd) ના બેંક એકાઉન્ટમાંથી જૂન અને જુલાઈ 2018માં રૂપિયા 47.52 લાખ અજય ચૌહાણના BOB એકાઉન્ટમાં જમા થયા હતા. આર્યન એવિએશન કંપનીએ જણાવ્યું છે કે, ડિસેમ્બર-2016થી ઑક્ટોબર-2017 દરમિયાન પાઈલોટ તરીકે ફરજ બજાવતા હતા અને ફલાઈંગ પેટે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - ACB ની કચેરીમાં સામે પગલે ચાલીને ફરાર PI કેમ હાજર થયા ?
આ પણ વાંચો - Rajkot Police : સ્થાનિક પોલીસ જ્યાં ફરકતી ન હતી ત્યાં SMC ની રેડ