Gujarat ATS : કેનાલ પાસે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ..!
Gujarat ATS : અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત એટીએસ (Gujarat ATS) ના હાથે પકડાયેલા 4 આતંકવાદીઓની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. શ્રીલંકાના મૂળના આ આતંકવાદીઓ પાસેથી મળેલા ફોનમાં અમદાવાદ નજીક નાના ચીલોડા પાસે હથિયારો છુપાવ્યા હોવાનો ફોટો મળી આવ્યા બાદ પોલીસે આ અવવાવરું સ્થળે તપાસ કરતાં 3 રિવોલ્વર અને 20 કારતૂસ મળી આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટ આજે આ સ્થળે પહોંચ્યું હતું. આ સ્થળે આતંકવાદીઓ માટે કોણે હથિયાર મુક્યા હતા તે દિશામાં ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે.
ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાત ATS એ સોમવારે ખુલાસો કર્યો કે અમદાવાદ એરપોર્ટ પરથી 4 ખૂંખાર વિદેશી આતંકીઓની ધરપકડ કરાઇ છે. આ ચારેય આંતકી શ્રીલંકાના નાગરિક છે અને ચેન્નાઇ એરપોર્ટથી વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. બાતમીના આધારે ગુજરાત ATS એ આંતકીઓની ઓળખ કરી અટક કરી હતી. આંતકીઓની પૂછપરછમાં કેટલાક મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ચારેય આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
અવાવરું જગ્યા પર 3 રિવોલ્વર અને 20 કારતૂસ સંતાડ્યા
દરમિયાન પકડાયેલા આતંકવાદી સાથે નાના ચિલોડા કનેક્શન સામે આવ્યું છે. પોલીસ સુત્રોએ કહ્યું કે પકડાયેલા એક આતંકવાદીના ફોનમાંથી નાના ચિલોડા નજીકનો મેપ અને ફોટો મળી આવ્યો હતો જેમાં નાના ચિલોડા નજીક અવાવરું જગ્યા પર 3 રિવોલ્વર અને 20 કારતૂસ સંતાડ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ સ્થળે હથિયારની સાથે ISનો કાળા રંગનો ઝંડો પણ મૂક્યો હતો.
ફોટામાં જે જગ્યા બતાવી હતી ત્યાં આજે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું
દરમિયાન ફોટામાં જે જગ્યા બતાવી હતી ત્યાં આજે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું. અહીં પથ્થરો અને ઝાડીઓની વચ્ચે હથિયારો છુપાવ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી કોણે કેટલા દિવસ પહેલા અહીં આવીને હથિયાર છુપાવ્યા હતા તેની તપાસ શરુ કરાઇ છે. નાના ચિલોડાની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા છે. આ શકમંદ વ્યક્તિ અંગે પોલીસ પણ એલર્ટ બની છે અને હથિયારો મુકવા આવેલી વ્યક્તિ સાથે અન્ય કોણ સંકળાયેલું છે તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ છે.
આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા
DGP વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, આ ચારેય આંતકી શ્રીલંકાના નાગરિક છે. તેમની પાસેથી ISIS નો ફ્લેગ, ભારતીય અને શ્રીલંકન ચલણ તથા બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. 4 પૈકી બે આતંકી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે, ચારેય આંતકવાદી પ્રતિબંધિત સંસ્થા ISIS સાથે સંકળાયેલા છે અને સક્રિય સભ્યો છે. તેમની ઓળખ અબ્દુલ મોહમ્મદ રશદિન, નુફેર મોહમ્મદ અફરાન, મોહમ્મદ ફરિશ મોહમ્મદ અને અહેમદ મોહમ્મદ નુશરથ તરીકે થઈ છે. ચારેય પાકિસ્તાન (Pakistan) સ્થિત અબુના સંપર્કમાં હતા. અબુએ તેમને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા. DGP વિકાસ સહાય એ મોટો ખુલાસો કરતા કહ્યું કે, પ્રાથમિક અહેવાલ છે કે આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા અને BJP અને RSS ના નેતાઓને નિશાન બનાવવાના હતા.
આ પણ વાંચો---- AHMEDABAD : એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓના ચેટમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ
આ પણ વાંચો---- Gujarat ATS : આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડનારા 4 આંતકીને ATS એ દબોચ્યા, હર્ષ સંઘવીએ કહી આ વાત