આ ગામના 17 પરિવારો ભારતીય સેનામાં કાર્યરત, વાંચો ગુજરાત ફર્સ્ટનો આર્મી દિવસ માટેનો ખાસ અહેવાલ
છોટાઉદેપુર તાલુકાના કટારવાંટ ગામ કે જેમાં ૧૪૬ પરિવારો વસે છે, જેમાં કુલ ૫૯૮ ની વસ્તી છે. જેમાં ૩૦૪ પુરુષો તો ૨૯૪ મહિલાનો સમાવેશ થાય છે. આ ગામના લોકો મોટાભાગે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓના રોમે રોમમાં દેશ પ્રેમ છલકતું જોવા મળી રહ્યો છે.
આવતી કાલે 15 મી જાન્યુઆરી એટલે કે આર્મી દિવસ. આજે એવા વ્યક્તિઓ તેમજ ગામ વિશેષની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે કે જેઓ દેશ માટે કંઈક કરી બતાવવાની ઝંખના સેવે છે. મધ્યપ્રદેશથી બોર્ડર ઉપર આવેલું કટારવાંટ ગામના ૧૫ પરિવારના સભ્યો દેશની સીમા ઉપર દેશવાસીઓની સલામતી માટે પેહરેદારી કરી રહ્યા છે. તો બે નિવૃત્ત થયા છે, જે વાતનો ગૌરવ ગ્રામજનોને છે.
ગુજરાત ફર્સ્ટની ટીમે ગામના પરિવારજનો સાથે કર્યો વાર્તાલાપ
ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા વિવિધ પરિવારજનો સાથે વાર્તાલાપ પણ કર્યું જેમાં જાણવા મળ્યું કે, તેઓના પરિવારનો સભ્ય દેશ સેવા માટે લાંબા અંતરે દૂર હોવા છતાં તેઓને ક્યારેય પણ તે દૂર છે તેનો અહેસાસ પણ થતો નથી પરંતુ ભારત માતાની રક્ષા માટે પહેરો ભરે છે અને અડીખમ ઉભો રહી પહેરો ભરે છે તેનો ગૌરવ મેળવી રહ્યા છે. આદર્શ વિચારોની સાથે તેઓની આવનારી પેઢી પણ દેશ સેવા માટે સક્ષમ બને તે માટે પણ નિવૃત સૈનિકો દ્વારા તાલીમો પણ આપવામાં આવે છે.
પોતાના પતિ જ્યારે દેશની સેવા માટે વફાદારી પૂર્વક કાર્યને અંજામ આપી રહ્યા છે, ત્યારે તેઓની જીવન સંગનીઓ દ્વારા પણ પોતાના પરિવારના દરેક સભ્યોની જવાબદારી ઉપાડી લઈ તેઓની દેખરેખ અને સાર સંભાળ સારી રીતે અદા કરી પતિને ઘર પ્રત્યેની ચિંતા માંથી મુક્ત કરી આદર્શ પત્ની તરીકે પરીવારને એકજુટ રાખી પોતાનાં કર્તવ્યને ઉત્તમ રીતે પાર પાડી રહ્યા છે.
અત્રે ખાસ એ પણ ઉલ્લેખનીય છે કે, આ 17 પરિવારો માંથી કેટલાક પરિવારો તો એવા છે કે, જેઓના એક જ સંતાન હોવા છતાં તેઓએ પોતાના સંતાનને દેશની સેવા માટે મોકલી આપી એક આદર્શ માતા પિતાની સાથે દેશ પ્રેમ નો જીવંત ઉદાહરણ પૂરું પાડયું છે.
કટારવાંટના જાગ્રુત લોકો શું કહી રહ્યાં છે ?
એક્સ આર્મીમેન ગોપાલભાઈએ ગુજરાત ફર્સ્ટની મુલાકાત દરમિયાન જણાવેલ કે, અમે અમારા ગામથી વધુમાં વધુ લોકો એ દેશની સરહદોની સુરક્ષાના સેવાના ભગીરથ કાર્યનો હિસ્સો બને તે માટે ગામના યુવાનો માંટે વખતો વખત તાલીમ આપવી, રમત ગમત સ્પર્ધાઓ આયોજીત કરવા, ગામમાં શૈક્ષણિક તેમજ સામાજીક જાગૃતિ ફેલાવવા વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
કટારવાંટ ગામના રહીશ તેમજ ચેરમેન જાહેર આરોગ્ય સમિતિ ગુમાનભાઈ રાઠવા એ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા જણાવેલ કે, છોટા ઉદેપુર તાલુકામાં સૌથી વધુ આર્મી માં સેવા આપતાં અમારા પરિવારના સભ્ય સહિત ગામના 17 જેટલા પરિવારોના સભ્ય દેશની સુરક્ષા માટે આર્મીમાં સેવા આપી છે. જેમાંથી બે નિવૃત્ત થયા અને છે. જેનો મને ગામના રહીશ તરીકે ખૂબ જ ગૌરવ છે. એને ભવિષ્યમાં પણ અમારા ગામ થી વધુ યુવાઓ સેનામાં જોડાય તેવા અમારા પ્રયત્નો રહશે.
અહેવાલ - તોફીક શેખ