Rajkot : 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગમાં આગ, 40 લોકો ફસાયા; રેસ્ક્યૂ ચાલુ
- રાજકોટ શહેરમાં વધુ એક અગ્નિકાંડથી હાહાકાર
- 150 ફૂટ રિંગ રોડ પર એટલાન્ટિસ ઈમારતમાં આગ
- ઈમારતના છઠ્ઠા માળે લાગેલી આગ પર મેળવાયો કાબૂ
- એટલાન્ટિસ ઈમારતમાં લાગેલી આગમાં 3 લોકોના મોત
- 3 લોકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લવાયા
- બિલ્ડિંગમાં ફસાયેલ તમામ લોકોનું રેસ્ક્યૂ કરાયું
Rajkot : રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના બિલ્ડિંગના પાંચમા માળે બની, જેના કારણે ઈમારતમાં લગભગ 40 લોકો ફસાઈ ગયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી ચાલુ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. એટલાન્ટિસ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ધુમાડો અને આગની જ્વાળાઓએ બચાવ કામગીરીને પડકારજનક બનાવી દીધી હતી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ હિંમત ન હારતાં કામગીરી ચાલુ રાખી. આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. આગ પર કાબૂ મેળવવાની સાથે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ ચાલુ છે. આ દુર્ઘટનાએ શહેરની ઈમારતોમાં અગ્નિ સુરક્ષાના ધોરણો પર પણ સવાલો ઉભા કર્યા છે. હાલ તો, રેસ્ક્યૂ ટીમનું સંપૂર્ણ ધ્યાન ફસાયેલા લોકોને બચાવવા પર કેન્દ્રિત છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, 3 લોકોના મોત થયા છે.
3ના મોત, 60 લોકોનું રેસ્ક્યૂ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગની સી વિંગના છઠ્ઠા માળે લાગેલી આગ 10મા માળ સુધી ફેલાઈ, જેમાં 20 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી, જ્યારે પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. ભાજપના નેતા ભરત બોઘરાએ જણાવ્યું કે, બચાવ કામગીરી ચાલુ છે અને 3 ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જ્યારે ફાયર લિફ્ટની મદદથી લગભગ 60 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, જેમાં બે મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આગ હવે નિયંત્રણમાં હોવાનું તેમણે કહ્યું, પરંતુ બિલ્ડિંગના દરેક ફ્લોર પર તપાસ ચાલુ છે કે ક્યાંય કોઈ ફસાયેલું નથી. ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર બ્રિગેડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યૂ ઓપરેશનને વેગ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આગની આ ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે.
આ પણ વાંચો : Holika Dahan 2025 : ઠેર ઠેર હોલિકા દહન, ક્યાંક નાળિયેર તો ક્યાંક ગાયનાં છાણથી તૈયાર કરાઈ વૈદિક હોળી