Karpuri Thakur : કોણ છે કર્પૂરી ઠાકુર જેમને 'ભારત રત્ન' થી સન્માનિત કરાશે ? જાણો તેમના જીવનસંઘર્ષ, રાજકીય સફર વિશે
બિહારના (Bihar) પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને (Karpuri Thakur) 'ભારત રત્ન' આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. આ જાહેરાતની સાથે જ દેશભરમાં હાલ કર્પૂરી ઠાકુરના નામની ચર્ચા થઈ રહી છે. કર્પૂરી ઠાકુર બિહારના 5માં સપૂત છે, જેમને ભારતનું આ સર્વોચ્ચ સમ્માન મળી રહ્યું છે. તો આવો જાણીએ ભારતના અનમોલ રત્ન અને ગરીબોના નેતા કર્પૂરી ઠાકુર વિશે...
બિહારના (Bihar) પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય નેતા કર્પૂરી ઠાકુરને મરણોપરાંત 'ભારત રત્ન'નું (Bharat Ratna) સન્માન મળ્યું છે. કારણ કે, સામાજિક ન્યાય અને પછાત લોકોના કલ્યાણ માટે તેમણે વિશેષ પ્રયાસ કર્યા હતા. આ માટે તેમણે મજબૂત નીતિઓ બનાવી હતી. કર્પૂરી ઠાકુરે (Karpuri Thakur) રાજનીતિને સામાજિક બદલાવનું હથિયાર બનાવ્યું હતું અને એ જ કારણ હતું કે, બે વાર મુખ્યમંત્રી રહેવા છતાં તેઓ એકદમ સાદગીથી જીવન જીવ્યા હતા. મુખ્યમંત્રીની ખુરશી, હોદ્દો કે તેનો પાવર ક્યારેય પોતાના પર હાવી ન થવા દીધો. તેના પરિણામે 100મી જન્મજંયતી પહેલા સરકારે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે.
ગરીબો અને પછાત લોકોના ઉત્થાન માટે કામ કર્યું
કર્પૂરી ઠાકુર બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા. તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણાં સમયથી ઉઠી રહી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારે (BJP) આ જાહેરાત કરી છે. કર્પૂરી ઠાકુરનો જન્મ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન સમસ્તીપુરના એક ગામ પીતૌજિયામાં વાળંદ જાતિમાં થયો હતો, જેને હવે કર્પૂરીગામ કહેવામાં આવે છે. જનનાયક કર્પૂરી ઠાકુરના પિતાનું નામ ગોકુલ ઠાકુર અને માતાનું નામ રામદુલારી દેવી હતું. તેમના પિતા ખેડૂત હતા અને તેમના પરંપરાગત વ્યવસાયમાં વાળંદ તરીકે કામ કરતા હતા. કર્પૂરી ઠાકુર બિહારના ખૂબ જ લોકપ્રિય અને પ્રામાણિક નેતા હતા. ગરીબો અને પછાત લોકોના ઉત્થાન માટે તેઓ હંમેશા તત્પર રહેતા. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેઓ બે વખત બિહારના (Bihar) મુખ્યમંત્રી બન્યા અને તેમને ક્યારેય ચૂંટણી હારવી પડી નથી. કર્પૂરી ઠાકુરે 'ભારત છોડો' (Bharat Chodo) ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ આંદોલન દરમિયાન, તેમને 26 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
Bharat Ratna Award: ભારત રત્ન કોને મળે છે અને તેમને કઈ-કઈ સુવિધાઓ મળે છે? #India #Facts #BharatRanta #HighestCivilianAward #RepublicOfIndia #SatyamevaJayate #KarpooriThakur #GujaratFirst pic.twitter.com/eBFQdmqmBl
— Gujarat First (@GujaratFirst) January 24, 2024
બિહારના પ્રથમ બિન-કોંગ્રેસી મુખ્યમંત્રી
કર્પૂરી ઠાકુર (Karpuri Thakur) સ્વાતંત્ર્ય સેનાની, શ્રેષ્ઠ શિક્ષક, રાજકારણી, પછાત વર્ગના હિમાયતી, બિહારના લોકપ્રિય અને પ્રામાણિક નેતા હતા. વાત તેમની રાજકીય સફર પર કરીએ તો, તેમની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પાર્ટીથી શરૂ કરી હતી. તેઓ 1952 માં પ્રથમ વખત બિહાર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1967 માં તેઓ બિહારના શિક્ષણમંત્રી બન્યા હતા. કર્પૂરી ઠાકુર બિહારના પ્રથમ બિન-કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. તેઓ ડિસેમ્બર 1970 થી જૂન 1971 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે મુંગેરીલાલ કમિશન લાગુ કર્યું અને ગરીબ અને પછાત લોકોને નોકરીમાં અનામત આપી. આ પછી તેઓ જૂન 1977 થી એપ્રિલ 1979 સુધી ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ અવસાન થયું હતું.
પોતાની સાદગી માટે પણ જાણીતા હતા
કર્પૂરી ઠાકુર બિહારમાં પ્રથમ વખત દારૂબંધી લાદવા તેમ જ પોતાની સાદગી માટે પણ જાણીતા છે. એવું કહેવાય છે કે તેવો પોતાનું કામ જાતે કરવાનું પસંદ કરતા હતા. તેઓ પોતાના કપડાં પણ જાતે ધોતા હતા. લોકપ્રિયતાને કારણે તેમને પબ્લિક હીરો કહેવામાં આવે છે. ત્યારે, માત્ર બિહાર નહીં પણ પછાત વર્ગના હિમાયતી એવા ‘જનનાયક’ કર્પૂરી ઠાકુર ખરા અર્થમાં ભારતના રત્ન છે.
આ પણ વાંચી- Surendranagar : સંયુક્ત પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને અચાનક છૂટા કરતા ‘ઇચ્છા મૃત્યુ’ની માગ!