8મા પગાર પંચની રચના ક્યારે થશે?, ક્યારે લાગુ થશે - જાણો સંપુર્ણ માહિતી
- કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી
- 7મા પગાર પંચનો સમયગાળો ડિસેમ્બર 2026 સુધીનો
- 8મા પગારપંચની રચનાની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે
8th Pay Commission: દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 16 જાન્યુઆરીએ યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકારે 8મા પગાર પંચની રચનાને લીલી ઝંડી આપી દીધી છે. 7મા પગાર પંચનો સમયગાળો ડિસેમ્બર 2026 સુધીનો છે. કારણ કે, તેની ભલામણો વર્ષ 2016 થી લાગુ કરવામાં આવી હતી અને દરેક પગાર પંચનો સમયગાળો 10 વર્ષનો હોય છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 16 જાન્યુઆરીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચ સમિતિની રચના માટેની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. હવે નવા પગારપંચની જાહેરાત બાદ, આઠમા પગારપંચની રચનાની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવામાં આવશે, જેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગાર, ભથ્થાં, પેન્શન અને અન્ય લાભોમાં સુધારો કરી શકાય.
આ પણ વાંચો : ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કર્યો સંકલ્પ પત્ર, મહિલાઓને દર મહિને 2500ની સહાય
ક્યારે મળશે 8મા પગાર પંચની ભલામણો ?
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચના અધ્યક્ષ અને 2 સભ્યોની નિમણૂક કરવા જઈ રહી છે અને તેના દ્વારા રચાયેલી સમિતિ કેન્દ્રીય કર્મચારીઓના પગાર ધોરણમાં ફેરફાર અંગે પોતાના સૂચનો આપશે, ત્યારબાદ પગાર મેટ્રિક્સ પર નિર્ણય લેવામાં આવશે. 8મા પગાર પંચની સમિતિની રચના થતાં જ, આ પેનલ પોતાનું કામ શરૂ કરશે અને સરકારને તેની ભલામણો સુપરત કરવા માટે તેની પાસે લગભગ 11 મહિનાનો સમય હશે.
પગાર પંચનું કામ શું છે?
કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભૂતપૂર્વ કર્મચારીઓના પેન્શન નક્કી કરવા માટે પગાર પંચની રચના કરવામાં આવી છે. ફુગાવો, આવક વગેરે સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લીધા પછી પગાર પંચ દ્વારા ભલામણો તૈયાર કરવામાં આવે છે. પગાર પંચ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) સહિત અન્ય ભથ્થાઓ નક્કી કરવા માટે ફોર્મ્યુલા પણ તૈયાર કરે છે.
આ પણ વાંચો : Viral Video: શ્યામ રંગ,સુંદર આંખો...મહાકુંભમાં વાયરલ આ સુંદર છોકરી!