Supreme Court: બૂથવાર મતદાન ટકાવારી અપલોડ કરવા માટે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું ? વાંચો વિગતવાર
- બૂથવાર મતદાન ટકાવારી અપલોડ કરવા મુદ્દે ચૂંટણી પંચનું નિવેદન
- સુપ્રીમ કોર્ટે રિપોર્ટ રજૂ કરવા 10 દિવસનો આપ્યો સમય
- 2019ની મહુઆ મોઈત્રાની અરજી પર સુનાવણી
સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચની એ રજૂઆતની નોંધ લીધી કે તે તેની વેબસાઇટ પર બૂથવાર મતદાન ટકાવારીનો ડેટા અપલોડ કરવાની માંગ પર વિચાર કરવા તૈયાર છે. કોર્ટે અરજદારોને 10 દિવસની અંદર ચૂંટણી પંચને પોતાનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનની બેન્ચ 2019માં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા અને એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા દાખલ કરાયેલી બે પીઆઈએલની સુનાવણી કરી રહી હતી. ગત વર્ષે પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ મુદ્દે સવાલ કરતા ચૂંટણી પંચે નિવેદન આપ્યું હતું કે, અમારી વેબસાઈટ પર બૂથવાર મતદાનની ટકાવારીનો ડેટા અપલોડ કરવાથી ચૂંટણીનું વાતાવરણ બગડવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Chandrayaan-5: ઈસરોના ચંદ્રયાન-5 મિશનને મળી મંજૂરી, ચંદ્રાભ્યાસ માટે મોકલાશે 250 કિલોનું રોવર
મુખ્ય ચૂંટણી કમિશનર ચર્ચા કરવા તૈયાર
જાહેર હિતની અરજીઓમાં ચૂંટણી પંચને લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન પૂર્ણ થયાના 48 કલાકની અંદર બૂથવાર મતદાન ટકાવારીનો ડેટા કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મણીન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અરજદારોને મળવા અને ફરિયાદ પર ચર્ચા કરવા માંગે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે 2 પીઆઈએલ દાખલ કરીને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. એડીઆરની જેમ જ તૃણમુલ સાંસદ મહુઆ મોઈત્રાએ પણ ચૂંટણી પંચ દ્વારા અપલોડ કરવામાં આવતી પદ્ધતિ બદલવા મુદ્દે પીઆઈએલ કરી હતી.
ગત વર્ષે પણ સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો હતો
ગયા વર્ષે 17 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ અરજીઓ મુદ્દે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં ચૂંટણી પંચે NGOની માંગનો વિરોધ કરતા કહ્યું હતું કે આનાથી ચૂંટણીનું વાતાવરણ બગડવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર - વ્યક્ત કરી ચિંતા