Pahalgam Terror Attack : આતંકી હુમલા પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - આતંકવાદ સામે ભારત ઝૂકશે નહીં
- આતંકી હુમલા અંગે બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ
- ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીંઃ ગૃહમંત્રી અમિત શાહ
- કાયર આતંકી હુમલાના ગુનેગારોને છોડાશે નહીંઃ અમિતભાઈ
- ભારે હ્રદયથી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છુંઃ ગૃહમંત્રી
- પહેલગામ આતંકી હુમલાના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
Pahalgam Terror Attack : 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી દીધો. આ હુમલામાં 26 લોકોના મોત થયા અને 13 લોકો ઘાયલ થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) આ ઘટનાને કાયરતાભર્યો હુમલો ગણાવી, દોષિતોને કડક સજાની ખાતરી આપી. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને પીડિત પરિવારોને મળીને સાંત્વના પાઠવી.
હુમલા પર ગૃહમંત્રીનો ગુસ્સો
અમિત શાહે શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં મૃતકોના શબ પર પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે કહ્યું કે ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં, અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને છોડવામાં નહીં આવે. શાહે ભારપૂર્વક જણાવ્યું કે ન્યાય મળશે અને આવા હુમલાઓ રોકવા સરકાર પ્રતિબદ્ધ છે. શાહે હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો સાથે મુલાકાત કરી. તેમણે પીડિતોને ખાતરી આપી કે સરકાર તેમની સાથે છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પરત ફરવું પડ્યું. આ ઘટનાએ સરકારની ગંભીરતા દર્શાવે છે. PM મોદીએ પણ હુમલાની નિંદા કરી અને પીડિતો માટે સહાયની જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલાએ દેશના હૃદયને ઘા આપ્યો છે. અમિત શાહના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર આતંકવાદ સામે લડવા માટે કટિબદ્ધ છે. પીડિતોને ન્યાય અને ઘાયલોને ઝડપી સારવાર મળે તે માટે સરકારના પ્રયાસો ચાલુ છે.
સરકાર 10 લાખ રૂપિયાનું વળતર આપશે
જમ્મુ અને કાશ્મીર સરકારે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલાઓને 2 લાખ રૂપિયા અને નાના ઘાયલ થયેલાઓને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. 35 વર્ષમાં પહેલી વાર, આતંકવાદી હુમલાના વિરોધમાં કાશ્મીર ખીણમાં બંધ પાળવામાં આવ્યો હતો અને પહેલગામમાં થયેલી હત્યાના વિરોધમાં તમામ વિસ્તારોના લોકોએ બંધને ટેકો આપ્યો હતો.
પાકિસ્તાનના રક્ષા મંત્રીના વિવાદિત બોલ
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ ઉલટો ભારત પર આરોપ લગાવ્યો અને જણાવ્યું કે આ હુમલા પાછળ ભારતના જ લોકો સામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાઓનું કારણ હોઈ શકે છે. આ નિવેદનથી વિવાદ વધ્યો છે. આસિફે દાવો કર્યો કે પહેલગામ હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ જ સંબંધ નથી અને તેઓ આવા હુમલાઓની સખત નિંદા કરે છે, ખાસ કરીને નાગરિકો પર થતા હુમલાઓની. આ નિવેદનથી વિવાદ વધ્યો છે, કારણ કે તેમના આરોપોને ઘણા લોકો પાકિસ્તાનની જવાબદારી ટાળવાની ચાલ તરીકે જુએ છે.
પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક જૂથે અત્યંત નિર્દય હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા, જેમાં 2 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, અને ઘણા અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલો, જેને 2019માં કલમ 370 નાબૂદ થયા પછીનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણવામાં આવે છે, તેની જવાબદારી ISI-સમર્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ સ્વીકારી છે. આ ઘટનાએ અનેક પરિવારોને પીડા આપી છે, અને તેના ભયાનક દૃશ્યો દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા દોડતા અને જંગલોમાં છુપાતા જોવા મળે છે.
આ પણ વાંચો : Pahalgam Terror Attack : પાકિસ્તાનના રક્ષા મંત્રીનું વિવાદિત નિવેદન, કહ્યું - પહેલગામ હુમલા પાછળ ભારતના જ લોકો