ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો! દિલ્હી-રાજસ્થાનમાં લોકો થથરવા લાગ્યા
- ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રચંડ પ્રભાવ
- ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો, દિલ્હીમાં ધુમ્મસ અને હવા ગુણવત્તા ખરાબ
- દિલ્હીમાં ઠંડીનું આક્રમણ, AQI ખૂબ જ નબળો, 9 મોનિટરિંગ કેન્દ્રો 'ગંભીર' શ્રેણીમાં
- રાજસ્થાનમાં ઠંડીનું જોર વધ્યું: માઉન્ટ આબુમાં 5 ડિગ્રી તાપમાન
- કાશ્મીરમાં હિમવર્ષાનો મહોલ, શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે, ઠંડીનો પ્રભાવ વધ્યો
- દિલ્હી, રાજસ્થાન અને કાશ્મીરમાં શિયાળાનો અનુભવ
Weather Updates in North India : ઉત્તર ભારતમાં હવામાનમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે અને ઠંડીની અસર વધી રહી છે. સવારે ધ્રુજારી આપી દે તેવી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. સૌથી વધુ રાજધાની દિલ્હીમાં ઠંડી અનુભવાઇ રહી છે. નવી દિલ્હીમાં શુક્રવારે સવારે ધુમ્મસ હતી અને લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. માત્ર દિલ્હી જ નહીં પણ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું જોર દિવસેને દિવસે વધી રહ્યું છે.
નવી દિલ્હીમાં ઠંડી અને હવાની ગુણવત્તા
દિલ્હીમાં 21 નવેમ્બરના દિવસે સવારે ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું અને લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહી હતી અને AQI 393 નોંધાયો હતો. દિલ્હીના 38 મોનિટરિંગ કેન્દ્રોમાંથી 9 માં AQI 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા અનુસાર, આ કેન્દ્રો આનંદ વિહાર, બવાના, જહાંગીરપુરી, મુંડકા, નેહરુ નગર, શાદીપુર, સોનિયા વિહાર, વિવેક વિહાર અને વજીરપુર છે. 400 કે તેથી વધુ AQIને 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે અને તે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. દિલ્હીની હવાની ગુણવત્તા રવિવારે પ્રથમ વખત 'ગંભીર' શ્રેણીને વટાવી ગઈ હતી, જેના પગલે સોમવારે સવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ 4 તબક્કાના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.
રાજસ્થાનમાં ઠંડીનો પ્રભાવ
રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 5.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સીકર અને ફતેહપુરમાં પણ ઠંડી ઘણી વધી છે, જ્યાં તાપમાન 6.7°C અને 7.0°C હતું. જયપુરમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4-5 દિવસમાં ઠંડી વધવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનના સંદર્ભમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગત દિવસે અજમેરમાં 4.6 ડિગ્રી, ભીલવાડામાં 1.5, કોટામાં 3.5, સીકરમાં 3, ફલોદીમાં 3.8, જોધપુરમાં 0.6, ચુરુ અને ગંગાનગરમાં 0.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શિયાળાની અસર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ગાઢ ધુમ્મસની કોઈ શક્યતા નથી.
કાશ્મીરમાં સ્નોફોલ અને ઠંડી
કાશ્મીરમાં હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે. શ્રીનગર અને અન્ય વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડ્યું છે. ગઈ કાલે કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન -10.92°C હતું. પવનની ગતિ 44 કિમી પ્રતિ કલાક હતી અને ભેજ 44% હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ઠંડી 23 નવેમ્બર સુધી યથાવત રહેશે અને 24 નવેમ્બરે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા બરફ પડી શકે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં થશે Artificial rain? મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર પાસે માંગી મદદ