BJP એ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 44 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
- જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ (BJP) 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
- પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10, અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોના નામો સામેલ
- ચૂંટણી ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર, અને 1 ઓક્ટોબરે યોજાવાની છે
જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનું બિગુલ હવે ફૂંકાઈ ગયું છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં 10 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ નિર્ણય ભાજપના કાશ્મીરમાં વધુ મજબૂત પ્રદર્શન માટેના પ્રયાસને દર્શાવે છે અને તે હાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10, અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોના નામો સામેલ છે. રાજ્યમાં આવતા મહિને ચૂંટણી ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર, અને 1 ઓક્ટોબરે યોજાવાની છે.
BJP એ 10 બેઠક ઉપર ઉતાર્યા મુસ્લિમ ઉમેદવાર
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી છે ત્યારે ભાજપે ઘાટીના 10 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે, જેમાં પમ્પોરથી એન્જિનિયર સૈયદ શૌકત ગાયુર અંદ્રાબી, રાજપોરાથી અર્શિદ ભટ્ટ, શોપિયાથી જાવેદ અહેમદ કાદરી, અનંતનાગ પશ્ચિમથી મોહમ્મદ રફીક વાની, અનંતનાગથી એડવોકેટ સૈયદ વજાહત, શ્રીગુફવારા-બિજબેહરાથી સોફી યુસુફ, ઈન્દરવાલથી તારિક કીન, સલીમ ભટ્ટને સામેલ કરવામાં આવ્યા છે. આ મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા ભાજપના કાશ્મીર માટેના રાજકીય દાવને વધુ રસપ્રદ બનાવે છે. અનુસૂચિત જનજાતિ માટે વિશેષ ટિકિટ ભાજપે અનુસૂચિત જનજાતિ માટે પણ ખાસ ધ્યાન આપ્યું છે, જેમાં બનિહાલ, ગુલાબગઢ, બુધલ, થન્નામંડી, અને સુરનકોટ જેવી બેઠક પર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં મોહમ્મદ અકરમ ચૌધરી, ચૌધરી ઝુલ્ફીકાર અલી, મોહમ્મદ ઈકબાલ મલિક, સૈયદ મુશ્તાક અહેમદ બુખારી અને ચૌધરી અબ્દુલ ગનીને ટિકિટ આપવામાં આવી છે.
કાશ્મીરી પંડિતને પણ અપાઈ તક
ભાજપે (BJP) તેની યાદીમાં એકમાત્ર મહિલા ઉમેદવાર શગુન પરિહારને કિશ્તવાડ બેઠક પર ઉતાર્યા છે. કાશ્મીરી પંડિતોને પણ ટિકિટ આપવામાં આવી છે, જેમાં વીર સરાફને શાંગસ-અનંતનગર પૂર્વથી અને અશોક ભટ્ટને હબ્બકદલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ નેતાઓને ટિકિટ નહીં અત્યાર સુધીની યાદીમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર અને ડેપ્યુટી સીએમ ડૉ. નિર્મલ સિંહ અને કવિન્દર ગુપ્તા માટે ટિકિટ ફાળવવામાં આવી નથી, જે આશ્ચર્યજનક છે.
આ પણ વાંચો : DELHI : શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં ટ્રકે ડિવાઈડર પર સૂતેલા 5 લોકોને કચડયા, 3 લોકોએ ગુમાવ્યા જીવ