Bomb Blast Threat : ‘બેંગલુરુને બોમ્બથી ઉડાવી દઈશું’, શાહિદ ખાન નામના વ્યક્તિનો આવ્યો ઈમેઈલ
Bomb Blast Threat: કર્ણાટક સરકારને સોમવારે એટલે કે, ચાર માર્ચે બેંગલુરુને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી વિગતો પ્રમાણે આ ધમકી એક ઈમેઈલ દ્વારા સરકારને આપવામાં આવી હતી. એક મીડિયા એજન્સી દ્વારા મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, આ મેઈલમાં કહેવામાં આવ્યું હતું કે, શનિવારે (9 માર્ચે)બેંગલુરુમાં બોમ્બના ધમાકા થશે. વધુ વિગતે વાત કરવામાં આવે તો, ઈમેઈલમાં કહેવામાં આવ્યું હતું કે, આ વિસ્ફોટ બેંગલુરુ શહેરમાં બપોરે 2 વાગીને 48 મીનિટે થશે અને આખુ શહેર તહેસ-નહેસ થઈ જશે. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, ગૃહમંત્રી અને બેંગલુરુ પોલીસ કમિશનરને નિશાન બનાવવામાં આવશે.
શાહિદ ખાન નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો
મળતી વિગતો પ્રણામે આ બોમ્બથી ઉડાવી દેવાનો જે ઈમેલ આવ્યો તે શાહિદ ખાન નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત અનેક નેતાઓને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે પોલીસે આ ઈમેલને લઈને પોતાની તપાસ શરૂ કરૂ દીધી છે.
અનેક જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ સાથે ધમકીમાં કહેવામાં આવ્યું છે કે બસ, ટ્રેન, મંદિર, હોટલ અને અંબરી ઉત્સવમાં પણ બોમ્બ મુકવામાં આવ્યા છે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ સત્તાવાળાઓ એક્શનમાં આવી ગયા હતા. સાયબર ક્રાઈમ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, બેંગલુરુ પોલીસ કમિશનરને અલગથી ધમકી મળી છે. જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આ મામલાની તપાસ માટે બેંગ્લોર સાયબર ક્રાઈમ પોલીસની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર કર્ણાટકમાં સાવચેતીના પગલારૂપે સુરક્ષા વધારી દેવામાં આવી છે.
એક શાળાને પણ મળી હતી બોમ્બથી ઉડાવાની ધમકી
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ ( 4 માર્ચ 2024, રવિવાર) પહેલા તમિલનાડુ રાજ્યની બે શાળાઓને બોમ્બની ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કારણે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. શાળાઓની ઓળખ કોઈમ્બતુરમાં PSBB મિલેનિયમ સ્કૂલ અને કાંચીપુરમ જિલ્લામાં એક ખાનગી શાળા તરીકે કરવામાં આવી હતી.