રાજ્યસભામાં 3 નવા ક્રિમિનલ લૉ બિલને મંજૂરી, અમિત શાહે કહ્યું - 'તારીખ પર તારીખનો જમાનો વિસરાઈ જશે...'
લોકસભામાં બુધવારે ત્રણ નવા ફોજદારી કાયદા બિલ પાસ થયા બાદ આજે એટલે કે ગુરુવારે રાજ્યસભામાં ભારતીય ન્યાયિક (દ્વિતીય) સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા-2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) અધિનિયમ-2023 થી સંકળાયેલ ત્રણ નવા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ નવા ક્રિમિનલ લૉને સદનમાં મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભાએ આજે IPC, CRPC અને એવિડન્સ એક્ટના સ્થાને આ ત્રણ ફોજદારી બિલ પસાર કર્યા છે.
ત્રણેય બિલનો હેતુ સજા આપવાનો નહીં, ન્યાય આપવાનો છે: અમિત શાહ
રાજ્યસભામાં ભારતીય ન્યાયિક (દ્વિતીય) સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા-2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) અધિનિયમ-2023 થી સંકળાયેલ ત્રણેય બિલ પર ચર્ચા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે, એકવાર આ કાયદો સંપૂર્ણ રીતે લાગુ થઈ જશે તો તારીખ પર તારીખનો જમાનો સંપૂર્ણ રીતે વિસરાઈ જશે. ત્રણ વર્ષમાં કોઈ પણ પીડિતને ન્યાય મળી જશે એવી કાયદા વ્યવસ્થા આ દેશમાં પ્રસ્તાવિત કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, અમે માત્ર કાયદાના નામ નથી બદલ્યા પરંતુ, તેના ઉદ્દેશ્યમાં પણ મૂળભૂત ફેરફાર કરવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું કે, હું જે ત્રણ બિલ લાવ્યો છું. તેનો હેતુ સજા આપવાનો નથી, પરંતુ ન્યાય આપવાનો છે.
અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મને બાળપણથી કોંગ્રેસ પાર્ટી પસંદ નથી. મારી વિચારધારાઓ સાથે જોડાતા પહેલા પણ કોંગ્રેસ પસંદ નહોતી અને ત્યારથી હું તેનો વિરોધી રહ્યો છું. તેમણે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં આવે ત્યારે 124A (રાજદ્રોહ) નો ખૂબ આનંદથી ઉપયોગ કરે, પરંતુ સત્તા પરથી જાય ત્યારે આ કાયદાને દૂર કરવાની વાતો કરતી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) એ કહ્યું કે, જે કલમો હેઠળ બાલગંગાધર તિલક, મહાત્મા ગાંધી અને વીર સાવરકર જેલમાં ગયા, આજે એ કલમો દૂર કરવામાં આવી રહી છે, તેની મને ખુશી છે.
આ પણ વાંચો - J&K : જવાનોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકી હુમલો, 3 જવાન શહીદ