Sabarkantha Lok Sabha : ક્યારેક કોંગ્રેસનો ગઢ અને હવે ભાજપનો ગઢ
Sabarkantha Lok Sabha : રાજ્યનો ઉત્તર પૂર્વીય જિલ્લો એટલે સાબરકાંઠા. જેની સરહદ રાજસ્થાન રાજ્યને અડે છે. બ્રિટિશ કાળમાં સાબરકાંઠા (Sabarkantha Lok Sabha) નામની રાજનૈતિક એજન્સી હતી, જેની નીચે 46 રાજ્યો એવા આવતા હતા જેમને ન્યાયનો કોઈ જ અધિકાર પ્રાપ્ત નહોતો. ભારતના સ્વતંત્ર થયા બાદ સાબરકાંઠા જિલ્લો બન્યો. જેનું મુખ્ય કેન્દ્ર હિંમતનગર છે. અહીં જ ઈડરિયો ગઢ આવેલો છે. સાથે જ પોળો ફોરેસ્ટ પણ આવેલું છે જે પ્રવાસીઓ માટે માનીતું ડેસ્ટિનેશન છે.આ જિલ્લાના બે સ્પષ્ટ પ્રાકૃતિક વિભાગો પડે છે : ઉત્તર અને પૂર્વમાં આવેલો પહાડી પ્રદેશ તથા દક્ષિણ અને પશ્ચિમે આવેલો મેદાની પ્રદેશ. ઉત્તર અને પૂર્વ તરફની સરહદો અરવલ્લીની ટેકરીઓથી બનેલી છે. પોશીના પટ્ટા તરીકે ઓળખાતા આ વિભાગમાં ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડા, મેઘરજ, માલપુર, ઈડર અને વડાલી તાલુકાઓ આવેલા છે. દક્ષિણ અને પશ્ચિમના મેદાની વિભાગમાં પ્રાંતિજ, બાયડ, હિંમતનગર, મોડાસા જેવા તાલુકાઓનો સમાવેશ થાય છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર અત્યાર સુધી માત્ર ભાજપે જ ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની ટિકીટ કાપી છે અને ભીખાજી ઠાકોરને ટિકીટ આપી છે. બીજી તરફ આ લખાય છે ત્યાં સુધી કોંગ્રેસે તેના ઉમેદવાર આ બેઠક માટે જાહેર કર્યા નથી.
રાજકીય ઈતિહાસ --
ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક ગણવી હોય તો તે સાબરકાંઠા લોકસભાની બેઠક ગણી શકાય. રાજકીય રીતે પણ આ બેઠક ઐતિહાસિક છે. ભારત દેશ આઝાદ થતાં જ 1951માં સૌ પ્રથમ ચૂંટણી આ બેઠક પર યોજવામાં આવી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠકથી ભવ્ય વિજય મળ્યો હતો. 1951 થી 1962 એમ ત્રણ લોકસભા ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાએ કોગ્રેસના પ્રતિનિધિ તરીકે આ બેઠક પરથી ચૂંટાયેલા.
સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો 1951 થી લઇને 1973 સુધી રહ્યો
આ ઉપરાંત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબહેન પટેલ પણ આ જ સાબરકાંઠા બેઠક પરથી 1973માં કોગ્રેસના ચિન્હ પર વિજેતા બન્યા હતા. સાબરકાંઠા લોકસભા બેઠક પર કોગ્રેસનો દબદબો 1951 થી લઇને 1973 સુધી રહ્યો. જો કે 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ વિજેતા બન્યા અને તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આઝાદીથી અત્યાર સુધીમાં આ બેઠક પર કુલ 19 ચૂંટણીમાંથી 12 ચૂંટણીમાં કોગ્રેસ વિજેતા બની. જયારે આ બેઠક પર ભાજપનો કબજો પ્રથમવાર 1991માં આવ્યો. રામાયણ સિરિયલથી રાવણ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીએ ભાજપનું કમળ પ્રથમવાર ખીલાવ્યું. જો કે પુનઃઆ બેઠક કોગ્રેસના કબજામાં આવી.
છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી ભાજપ માટે ગઢ સમાન
1996થી 1999 સુધી અહીં કોગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્નિ નીશા ચૌધરી વિજેતા બન્યા હતા. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ માટે સાબરકાંઠા બેઠક ગઢ સમાન બની ગઇ છે. 2009માં આ બેઠક પર ભાજપના ડો.મહેન્દ્રસિંહ ચૌહાણએ કોગ્રેસના હાલના રાહુલ ગાંધીના નવરત્નમાં ગણતાં મધુસુદન મિસ્ત્રીને કારમી હાર આપી હતી. જયારે 2014ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી કોગ્રેસના ચિન્હ પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાધેલા મેદાનમાં ઉતર્યા. પણ તેમને ભાજપના હાલના સાસંદ દિપસિંહ રાઠોડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 2019માં ભાજપે ફરીથી દિપસિંહને રિપીટ કર્યા અને તેઓ બીજીવાર સાંસદ પદે ચૂંટાયા.
સાબરકાંઠાના અત્યાર સુધીના સાંસદનું નામ
વર્ષ વિજેતાનું નામ પક્ષ
1951 ગુલઝારીલાલ નંદા કોંગ્રેસ
1957 ગુલઝારીલાલ નંદા કોંગ્રેસ
1962 ગુલઝારીલાલ નંદા કોંગ્રેસ
1967 સી.સી. દેસાઈ કોંગ્રેસ
1971 સી.સી. દેસાઈ કોંગ્રેસ
1973 મણિબેન પટેલ કોંગ્રેસ
1977 એચ.એમ.પટેલ જનતા પાર્ટી
1980 શાન્તુભાઈ પટેલ કોંગ્રેસ
1984 એચ.એમ.પટેલ જનતા પાર્ટી
1989 મગનભાઈ પટેલ જનતા દળ
1991 અરવિંદ ત્રિવેદી ભાજપ
1996 નીશાબેન ચૌધરી કોંગ્રેસ
1998 નીશાબેન ચૌધરી કોંગ્રેસ
1999 નીશાબેન ચૌધરી કોંગ્રેસ
2001 મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસ
2004 મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસ
2009 મહેન્દ્રસિંહ ચૌહાણ ભાજપ
2014 દીપસિંહ રાઠોડ ભાજપ
2019 દીપસિંહ રાઠોડ ભાજપ
2022ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ
બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
હિંમતનગર---વિનેન્દ્રસિંહ ઝાલા---ભાજપ
ઈડર --રમણલાલ વોરા --ભાજપ
ખેડબ્રહ્મા ---ડૉ.તુષાર ચૌધરી --કોંગ્રેસ
પ્રાંતિજ ---ગજેન્દ્રસિંહ પરમાર --ભાજપ
ભિલોડા --પી.સી. બરંડા --ભાજપ
મોડાસા --ભીખુસિંહજી પરમાર--ભાજપ
બાયડ --ધવલસિંહ ઝાલા--અપક્ષ
વર્તમાન સાંસદની કામગીરીનું સરવૈયું --
સાબરકાંઠા લોકસભા બેઠકના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ છેલ્લી 2 ટર્મથી ચૂંટાતા આવ્યા છે..જ્ઞાતિગત સમીકરણ અને સાંસદની કામગીરીના આધારે 2019માં પાર્ટીએ ફરીથી તેમને ટિકિટ આપી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં દીપસિંહ રાઠોડીની 67.77 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 7,01,984 મત મળ્યાં હતા. આ બેઠક તેમણે 2,68,987ના માર્જીનથી જીતી હતી. 17મી લોકસભામાં તેઓએ એનર્જી અને વોટર રિસોર્સ કમિટીમાં સભ્ય તરીકે સેવા આપી છે. સાબરકાંઠા સંસદીય મતવિસ્તારમાં ચિલોડા-હિંમતનગર-શામળાજી NHના છ માર્ગીકરણને લગતા પ્રશ્નો તેમણે સંસદમાં ઉઠાવ્યો હતો.
દીપસિંહ રાઠોડનો સંસદનો ટ્રેક રેકર્ડ (2019-2024)
હાજરીઃ 94 ટકા
પ્રશ્નો પૂછ્યાઃ 236
ચર્ચામાં ભાગ લીધોઃ 9
ખાનગી બિલઃ 0
દીપસિંહ રાઠોડની ફંડ ફાળવણી (2019-2024)
કુલ ભંડોળઃ 17 કરોડ
કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 9.50 કરોડ
વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 9.69 કરોડ
સાંસદ દ્વારા ભલામણઃ 12.21 કરોડ
મંજૂર થયેલી રકમઃ 11.28 કરોડ
ખર્ચાયેલી રકમઃ 9 કરોડ
કેટલા ટકા ઉપયોગઃ 92.77 ટકા
વપરાયા વિનાની રકમઃ 68 લાખ
ગ્રાન્ટ -- ભલામણ કરેલાં કામ -- પૂર્ણ થયેલાં કામ
વર્ષ 2019-20માં 2.50 કરોડની ગ્રાન્ટ સામે 5.07 કરોડનો ખર્ચ, કુલ 115 કામની ભલામણ તે પૈકી 111 પૂર્ણ થયા
વર્ષ 2020-21માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે કોરોનાના કારણે શૂન્ય ખર્ચ
વર્ષ 2021-22માં 2 કરોડ ગ્રાન્ટ ફાળવણી સામે 1.67 કરોડનો ખર્ચ, 82 કામની ભલામણ તે પૈકી 41 પૂર્ણ
વર્ષ 2022-23માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે 3.23 કરોડનો ખર્ચ, 150 કામની ભલામણ તે પૈકી 65 પૂર્ણ
કોણ છે સાંસદ દીપસિંહ રાઠોડ?
1990ના દશકથી રાજકારણમાં સક્રિય દીપસિંહ રાઠોડ હાલ સાબરકાંઠા બેઠક પરથી ભાજપના લોકસભાના સાંસદ છે. ધોરણ-8 સુધી અભ્યાસ કરેલા દીપસિંહ મૂળ વ્યવસાયે ખેડૂત છે. તેઓ સૌ પ્રથમ 1998માં પ્રાંતિજ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. 1999થી 2002 સુધી ગુજરાત વિધાનસભાની ઓબીસી સમિતિના અધ્યક્ષ બન્યાં હતા. 2002માં પ્રાંતિજ બેઠક પરથી ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.2007માં તેઓના સ્થાને ભાજપે જયસિંહ ચૌહાણને પ્રાંતિજથી ટિકિટ આપતા દીપસિંહ ચૂંટણી નહોતા લડ્યા. 2014 અને 2019માં ભાજપની ટિકિટ પર સાબરકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2024માં લોકસભામાં વાણિજ્ય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ અને પીવાના પાણી તેમજન સ્વચ્છતા અંગેની સ્થાયી સમિતિના સભ્ય બન્યા હતા. 2019માં ચૂંટાયા બાદ તેમણે સંસદની પાણી અને ઊર્જા કમિટીમાં સદસ્ય તરીકે સેવાઓ આપી છે.
સાબરકાંઠાના કુલ મતદાર
કુલ---19,66,616 મતદાર
10,01,631---પુરુષ મતદાર
9,64,917--સ્ત્રી મતદાર
અન્ય મતદાર---68
સાબરકાંઠાના જ્ઞાતિવાદી સમીકરણ
ઠાકોર- 13 ટકા
આદિવાસી- 11 ટકા
મુસ્લિમ- 9 ટકા
પાટીદાર- 7 ટકા
દલિત- 7 ટકા
સાબરકાંઠાનું 2019નું ચૂંટણી પરિણામ
2019માં સાબરકાંઠા બેઠક પર ભાજપની જીત
ભાજપના દીપસિંહ રાઠોડ જીત્યા હતા ચૂંટણી
દીપસિંહ રાઠોડને મળ્યાં હતા 7,01,984 મત
2,68,987 મતના માર્જીનથી ભાજપે જીત મેળવી
કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોર હાર્યા હતા ચૂંટણી
સાબરકાંઠા લોકસભાની સમસ્યાઓ
જિલ્લાના અનેક પ્રશ્નો વણઉકેલ્યા રહ્યાં છે
મોટા ઉદ્યોગોની ગેરહાજરીથી બેરોજગારી
ટ્રેનોના સ્ટોપેજને લઈ વર્ષોથી પ્રશ્નો વણઉકેલ્યા
સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા વિકટ
ખેડબ્રહ્મા જીઆઈડીસીની સ્થાપનાનો પ્રશ્ન યથાવત્
અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાનો અભાવ
અહેવાલ-----વિજય દેસાઇ---અમદાવાદ
આ પણ વાંચો------- Patan Lok Sabha—ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
આ પણ વાંચો------ Banaskantha Lok Sabha : 2 મહિલાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ
આ પણ વાંચો----- Kutch Lok Sabha : કચ્છના રાજકીય રણોત્સવમાં કોણ નીકળશે આગળ ?