LOKSABHA 2024 : ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, 266 ઉમેદવારો ઉતરશે ચૂંટણી મેદાનમાં
LOKSABHA 2024 : લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. ગુજરાતમાં 7 મે ના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામ મતદાન થવાનું છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ અને બસપાના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા કરાયા છે. હવે તે સિવાય રાજ્યની અન્ય 25 લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ગુજરાતમાં લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણીના મેદાનમાં કેટલા ઉમેદવાર ઉતરશે ઉપરાંત કેટલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી તે અંગેની સમગ્ર વિગત ચાલો આ અહેવાલમાં જાણીએ..
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 266 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે
- 266 ઉમેદવારો પૈકી 247 પૂરૂષ ઉમેદવાર,19 મહિલા ઉમેદવાર
- રાજ્યભરમાંથી લોકસભા ચૂંટણીમાં 105 ફોર્મ રદ
- 22 એપ્રિલ સુધી 62 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 266 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ 266 ઉમેદવારો પૈકી 247 પૂરૂષ ઉમેદવાર,19 મહિલા ઉમેદવાર ચૂંટણીમાં ભાગ બનવાના છે. રાજ્યભરમાંથી લોકસભા ચૂંટણીમાં 105 ફોર્મ રદ કરવામાં આવ્યા છે, ત્યારે 22 એપ્રિલ સુધી 62 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો ચૂંટણી લડશે. વિધાનસભા પેટા ચૂંટણીમાં 37ફોર્મ ભરાયા હતા જેમાંથી 10 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિધાનસભા પેટા ચૂંટણીના 3 ફોર્મ પરત ખેંચાયા હતા. વિધાનસભા પેટા ચૂંટણીમાં તમામ 24 ઉમેદવાર પુરૂષ છે.
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ
હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ રાજકોટ બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. બીજી તરફ વડોદરામાં 14 ઉમેદવારો અને જામનગરમાં 14 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તો સાથે નવસારી બેઠક પર પણ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ઉપરાંત પોરબંદરમાં 12 ઉમેદવારો મેદાને છે અને ખેડા લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો મેદાનમાં છે તો સાથે જૂનાગઢ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આણંદમાં 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બારડોલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને BSP વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે અને અહીં 3 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
આ પણ વાંચો : Lok Sabha Elections 2024-ગાંધી પરિવાર આમ આદમી પાર્ટીને આપશે મત