Rahul Gandhi ના નિવેદન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ C R PATIL ના વાક પ્રહાર, જાણો શું કહ્યું
Rahul Gandhi Controversy : લોકસભાની ચૂંટણીમાં 2 તબક્કાનું મતદાન અત્યાર સુધીમાં પૂર્ણ થયું છે. દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, દરેક રાજનૈતિક પક્ષના નેતા હાલ પોતાની પાર્ટીના પ્રચારમાં પુરજોશથી લાગ્યા છે. ત્યારે હાલ રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) એક ભાષણમાં કરેલી વાત ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. રાહુલ ગાંધી પોતાના ચૂંટણી ભાષણોમાં ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ રાહુલ ગાંધી એવું બોલી ગયા છે કે, જેથી તેમના પર રાજપૂત સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ લોકો રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિચારધારા ઉપર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.
કોંગ્રેસે ખરા અર્થમાં લોકોની સામે પોતાની માનસિકતા ઉજાગર કરી છે -ભાજપ પ્રદેશ પ્રમુખ
સમગ્ર વિવાદ વચ્ચે હાલ રાહુલ ગાંધીના ( Rahul Gandhi ) નિવેદન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ પર કરેલી વિવાદિત ટિપ્પણીના મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા રાહુલ ગાંધી ઉપર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સમગ્ર મામલે કહ્યું છે કે, રાહુલ ગાંધીનું નિવેદન છે તે બતાવે છે કે કોંગ્રેસની મથરામટી મેલી છે. રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસે ખરા અર્થમાં લોકોની સામે પોતાની માનસિકતા ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે, એનાથી એ લોકો કોંગ્રેસ થી દૂર પણ થયા છે.
તેમણે કોંગ્રેસ ઉપર વધુ શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે, આ સિવાય પણ કોંગ્રેસના જે નિવેદનો હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે તેમાંથી પૈસા અમે લોકોને વહેંચી દઈશું. કોઇ વ્યક્તિ પોતે મહેનત કરે બચત કરે અને એ બચત બિન અધિકૃત લોકોને આપી દેવાની વાત કરો, મુસ્લિમ લોકો અને ઘૂસપેઠીયાને આપી દેવાની વાત કરો એ સાખી લેવામાં આવશે નહીં. રાજા મહારાજા માટે પણ રાહુલે કહ્યું છે કે જમીન લઇ લીધી, તે કામ તો કોંગ્રેસ વર્ષોથી કરતું આવ્યું છે.
શું હતું રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન
રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) પોતાના ચૂંટણીલક્ષી ભાષણમાં કહ્યું કે, ‘પહેલા દેશમાં રાજા-મહારાજાઓનું રાજ હતું. તેઓ જે મનમાં આવે તેમ કરતા હતા. જો કોઈની જમીનની જરૂર હોય તો તે બળજબરીથી લઈ લેતા હતા.’ તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેસાયો છે. આ નિવેદન બાબતે રાજપૂત સમાજનું કહેવું છે કે, ‘શું રાહુલ ગાંધી પહેલાના રાજાઓને તાનાશાહ માને છે? રાજપૂત સમાજના રાજાઓએ હંમેશા પોતાની પ્રજાના હિતમાં કાર્યો કર્યા છે. તેમની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું છે. તેવામાં રાહુલ ગાંધીનું આ નિવેદન નિંદનીય છે.’
આ પણ વાંચો : અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાયા બાદ PM નરેન્દ્ર મોદી વિશે કહી આ વાત..