Lok Sabha 2024 : ચૈતર વસાવાનું નામ જાહેર થતાં જ કોંગ્રેસ ભડકી
Lok Sabha 2024 : ગુજરાતમાં ચૂંટણી ટાણે જ આવતા પ્રવાસ નેતા અરવિંદ કેજરીવાલે આગામી લોકસભા (Lok Sabha 2024)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભરુચના ઉમેદવાર તરીકે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જાહેર કરતાં જ INDI ગઠબંધનમાં તડાં પડ્યા છે. Lok Sabha 2024ની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી દેવાતા કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ ચૈતર વસાવાના નામને અયોગ્ય ગણાવ્યું છે જેથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ભરુચ બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને રવિવારે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભરુચના નેત્રંગમાં સભાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે આગામી લોકસભાની ચૂંટણી માટે ભરુચ બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા હતા. આદિવાસી વોટબેંકને કબજે કરવા તેમણે ચૈતર વસાવાને પોતાના નાના ભાઇ ગણાવ્યા હતા.
સંદીપ માંગરોલાએ ચૈતર વસાવાના નામની જાહેરાત અયોગ્ય ગણાવી
જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે એકત્ર થયેલા વિવિધ પક્ષોના સમુહ INDI ગઠબંધનમાં કેજરીવાલની આ જાહેરાતથી ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. અરવિંદ કેજરીવાલે INDI ગઠબંધનના વરિષ્ઠ નેતાઓને અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને વિશ્વાસમાં લીધા વગર જ ચૈતર વસાવાને ભરુચ બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે જેથી કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસ ભડકી છે. ભરુચના કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ આ મામલે કહ્યું છે કે ચૈતર વસાવાના નામની જાહેરાત અયોગ્ય છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત કોંગ્રેસ સાથે જોડાણ કરવાના મૂડમાં નથી
INDI ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી માટે સીટોની વહેંચણી બાબતે હજું તો વાતચીત ચાલી રહી છે ત્યારે કેજરીવાલે એકદમ આવેશમાં આવી જઇને ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી. નવાઇની વાત એ છે કે આ મામલે કોંગ્રેસ બિલકુલ જાણે કે અંધારામાં જ હતી. સુત્રોએ કહ્યું કે કોંગ્રેસ હાઇકમાન્ટ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ કેજરીવાલ આ રીતે ચૈતરના નામની જાહેરાત કરશે તેની જાણ ન હતી. કોંગ્રેસને પુછ્યા વગર જ ચૈતરના નામની જાહેરાત કરી દેતાં આવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત કોંગ્રેસ સાથે જોડાણ કરવાના મૂડમાં નથી. વોટબેંકની રાજનિતી કરી ભાજપને ફાયદો કરાવાનો આક્ષેપ કરાયો છે જેથી લોકસભાની ચૂંટણી પહેલા ભરુચ બેઠકનું રાજકારણ ગરમાયું છે. જો ઇન્ડી ગઠબંધનમાં હોય તો ગઠબંધનના નિયમો મુજબ કાર્યવાહી થવી જોઇએ તેમ નેતાઓ માની રહ્યા છે.
આ પણ વાંચો----નેત્રંગમાં કેજરીવાલે કરી આ મોટી જાહેરાત, વાંચો અહેવાલ