વોશિંગ્ટન સુંદરના નામની પાછળ શું છે કહાની? તમિલ હિંદુ હોવા છતા..!
- તમિલ હિંદુ તો નામ વોશિંગ્ટન સુંદર કેમ?
- નામ પાછળની વાર્તા ખૂબ જ રસપ્રદ
- નામકરણની પાછળનો ભાવનાત્મક સંબંધ
IPL 2025 : વોશિંગ્ટન સુંદર હાલમાં સમાચારોમાં ચમકી રહ્યો છે, અને તેનું કારણ છે તેનું શાનદાર પ્રદર્શન. રવિવારે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં તેણે ગુજરાતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 152 રન બનાવ્યા અને ગુજરાતને 153 રનનો લક્ષ્યાંક આપ્યો. પરંતુ ગુજરાતની શરૂઆત નિરાશાજનક રહી. ચોથી ઓવરમાં જ ટીમે 2 વિકેટ ગુમાવી દીધી, જ્યારે સ્કોર માત્ર 16 રન હતો. આ સંકટની સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરને ચોથા નંબરે બેટિંગ માટે મોકલવામાં આવ્યો. તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને એક શાનદાર ભાગીદારી નોંધાવી, જે ગુજરાતની જીતનો આધાર બની. સુંદરે 29 બોલમાં 49 રનની ઝડપી ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. દુર્ભાગ્યે, તે માત્ર એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો, પરંતુ તેના યોગદાનથી ટીમે મેચ જીતી લીધી.
વોશિંગ્ટન સુંદરના નામ પાછળની રસપ્રદ કહાણી
જણાવી દઇએ કે, ઘણા લોકો વોશિગ્ટન સુંદરના નામ વિશે ચર્ચા કરે છે કે તે એક તમિલ હિંદુ પરિવારમાંથી આવે છે તો પછી તેનું નામ વોશિગ્ટન કેમ? તો અમે તમને જણાવી દઇએ કે, વોશિંગ્ટન સુંદરનું નામ એક અનોખી અને રસપ્રદ વાર્તા સાથે જોડાયેલું છે. તેનો જન્મ 5 ઓક્ટોબર, 1999ના રોજ ચેન્નાઈમાં એક તમિલ હિન્દુ પરિવારમાં થયો હતો. તેના પિતા એમ. સુંદરે તેમના માર્ગદર્શક અને ગોડફાધર પીડી વોશિંગ્ટનના સન્માનમાં તેમનું નામ "વોશિંગ્ટન" રાખ્યું છે. એમ. સુંદરના પિતા પણ પોતાના સમયમાં ક્રિકેટના સારા ખેલાડી હતા, પરંતુ તેઓ તમિલનાડુની ટીમમાં સ્થાન મેળવી શક્યા નહીં. પીડી વોશિંગ્ટન ક્રિકેટના ઉત્સાહી ચાહક હતા અને તે એમ. સુંદરની રમતની પ્રશંસા કરતા હતા. તેમણે એમ. સુંદરને શિક્ષણથી લઈને રમતગમત સુધીની દરેક બાબતમાં મદદ કરી. 2019ના એક અહેવાલ પ્રમાણે, પીડી વોશિંગ્ટને એમ. સુંદરના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો હતો. તે તેમની સ્કૂલ ફી, પુસ્તકો અને ક્રિકેટના સાધનોની ખરીદીમાં આર્થિક સહાય કરતા હતા.
નામકરણની પાછળનો ભાવનાત્મક સંબંધ
પીડી વોશિંગ્ટનનું અવસાન 1999માં થયું હતું, અને યોગાનુયોગે તે જ વર્ષે ઓક્ટોબર મહિનામાં એમ. સુંદરને પુત્રનો જન્મ થયો. આ ઘટનાએ એમ. સુંદરને એવું નક્કી કરવા પ્રેર્યા કે તે પોતાના પુત્રનું નામ તેના ગોડફાધરના નામ પરથી રાખશે. આ રીતે આ બાળકનું નામ વોશિંગ્ટન સુંદર પડ્યું. આ નામ માત્ર એક નામ નથી, પરંતુ તેમાં એક ભાવનાત્મક બંધન અને આદરની લાગણી સમાયેલી છે, જે એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, વોશિંગ્ટન સુંદરે ક્રિકેટની શરૂઆત નાની ઉંમરે જ કરી દીધી હતી. માત્ર 6 વર્ષની ઉંમરે તેણે પોતાના પિતા એમ. સુંદર અને મોટી બહેન શૈલજા સુંદર સાથે રમવાનું શરૂ કર્યું. આ પરિવારમાં ક્રિકેટ એક પ્રેમ અને જુનૂન બંને હતું. પછીના વર્ષોમાં, વોશિંગ્ટને પોતાનાથી મોટી ઉંમરના બાળકો સાથે રમવાનું શરૂ કર્યું, જેનાથી તેની પ્રતિભા વધુ નિખરી. તેની બહેન શૈલજા પણ એક ક્રિકેટર છે અને તમિલનાડુની મહિલા ટીમ માટે રમે છે. આ રીતે, આ પરિવારે ક્રિકેટને પોતાના જીવનનો એક અભિન્ન હિસ્સો બનાવ્યો છે.
આ પણ વાંચો : ફિનિશર કે સ્ટ્રગલર? ધોનીના નામે ચેપોકમાં નોંધાયો આ અનચાહ્યો રેકોર્ડ