આવનારા 24થી 36 કલાકમાં ભારત હુમલો કરશે : પાકિસ્તાન
- ભારતની તૈયારીઓને જોઈને પાકિસ્તાન ફફડી ઉઠ્યું
- 24થી 36 કલાકમાં ભારત હુમલો કરશેઃ પાકિસ્તાન
- પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે કર્યો દાવો
- ભારત હુમલો કરશે એવી વિશ્વસનીય જાણકારીઃ તરાર
- દિલ્હીમાં બેઠકોના ધમધમાટ વચ્ચે પાકિસ્તાનની ઊંઘ હરામ
- અડધી રાત્રે પાકિસ્તાનના મંત્રીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ
Pakistan Information Minister Attaullah Tarar : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) ના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયાનક આતંકી હુમલા (Terrorist Attack) બાદ ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ હુમલામાં 26 લોકો, મોટાભાગે પર્યટકો, માર્યા ગયા હતા, અને આ ઘટનાને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો (Terrorist Organizations) સાથે જોડવામાં આવી રહી છે. આ બદલાની કાર્યવાહીના ડરથી પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરારે (Pakistan Information Minister Attaullah Tarar) 30 એપ્રિલ, 2025ના રોજ રાત્રે 2 વાગ્યે એક પત્રકાર પરિષદ યોજીને દાવો કર્યો કે ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર સૈન્ય હુમલો કરી શકે છે.
પાકિસ્તાનનો દાવો અને ભારતની પ્રતિક્રિયા
અતાઉલ્લા તરારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્તચર માહિતી છે કે ભારત પહેલગામ હુમલાને બહાનું બનાવીને આગામી 24 થી 36 કલાકમાં સૈન્ય કાર્યવાહી કરી શકે છે.” તેમણે ચેતવણી આપી કે, આવા કોઈપણ આક્રમક પગલાંનો પાકિસ્તાન દ્વારા “નિર્ણાયક જવાબ” આપવામાં આવશે, અને તેના પરિણામોની જવાબદારી ભારતની રહેશે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે (Pakistan's Defense Minister Khawaja Asif) પણ આ હુમલાને “નિકટવર્તી” ગણાવીને દેશને હાઈ એલર્ટ પર રાખ્યો છે, પરંતુ એમ પણ કહ્યું કે પરમાણુ હથિયારોનો ઉપયોગ ફક્ત “અસ્તિત્વને સીધો ખતરો” હોય ત્યારે જ કરવામાં આવશે. બીજી તરફ, ભારતના વિદેશ મંત્રાલયે (India's Ministry of External Affairs) આ નિવેદન પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સ્પષ્ટ કર્યું છે કે હુમલાના ગુનેગારોને “દુનિયાના કોઈપણ ખૂણે શોધીને સજા આપવામાં આવશે.”
પહેલગામ હુમલો અને ભારતની કાર્યવાહી
પહેલગામના બૈસરણ વિસ્તારમાં થયેલા આ હુમલાને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) સાથે જોડવામાં આવ્યો છે. ભારતે આ હુમલાના જવાબમાં કડક પગલાં લીધાં છે, જેમાં 1960ના સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ રદ કરવી, અટારી-વાઘા ચેકપોસ્ટ બંધ કરવી અને બંને દેશોની હાઈ કમિશનની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનો સમાવેશ થાય છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ “ટેકનિકલ ઈન્ટેલિજન્સ” અને “વિશ્વસનીય માહિતી” આધારે પાકિસ્તાનની સંડોવણીના પુરાવા રજૂ કર્યા છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને મધ્યસ્થીના પ્રયાસો
આ હુમલાની વિશ્વભરના નેતાઓએ ટીકા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈયુના વડા ઉર્સુલા વોન ડેર લેયેન અને યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ હુમલાની નિંદા કરી છે. ગુટેરેસે ભારત અને પાકિસ્તાનને તણાવ ઘટાડવા અપીલ કરી અને મધ્યસ્થીની ઓફર કરી છે. ઈરાને પણ બંને દેશો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાની તૈયારી દર્શાવી છે. જોકે, પાકિસ્તાને હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે અને તટસ્થ તપાસની માગ કરી છે.
પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ
તરારની પત્રકાર પરિષદ અને તેમના નિવેદનો દર્શાવે છે કે પાકિસ્તાનમાં ભારતની સંભવિત કાર્યવાહીને લઈને ભયનો માહોલ છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સમાં પણ પાકિસ્તાનના અધિકારીઓની ચિંતા અને “ગીદડભભકી” તરીકે વર્ણવવામાં આવી રહી છે. બીજી તરફ, ભારતે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામે તેની લડાઈ અડગ રહેશે. NIA હુમલાની તપાસમાં લાગી ગઈ છે, અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ભારતનો ડિજિટલ પ્રહાર, પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાઝા આસિફનું 'X' એકાઉન્ટ Ban!