VAPI : લાખો રૂપિયાના ખર્ચે મૃત પશુઓના અંતિમસંસ્કાર માટે સ્મશાનની સુવિધા
વલસાડ(VALSAD) જિલ્લાના વાપીમાં (VAPI) વાપી નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મૃત પશુઓના અંતિમસંસ્કાર માટે સ્મશાનની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. વાપીના (VAPI) છેવાડે આવેલા ચંડોર ગામ નજીક વાપી નગરપાલિકા દ્વારા સંચાલિત સોલિડ વેસ્ટ સાઈડ પર રૂપિયા 74 લાખથી પણ વધુના ખર્ચે મૃત પશુઓના અંતિમ સંસ્કાર માટે ગેસ આધારિત ચેમ્બરો તૈયાર કરવામાં આવ્યા છે.
સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો
મહત્વનું છે કે અત્યાર સુધી વાપી (VAPI) નગરપાલિકા તેમજ આસપાસના વિસ્તારમાં મૃત્યું પામતા પશુઓના મૃતદેહોનો નિકાલ જમીનમાં દાટીને કરવામાં આવતો હતો. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી આ કામગીરી દરમિયાન નજીકના વિસ્તારમાં રહેતા લોકો સાથે અનેક વખત વિવાદ અને ઘર્ષણ પણ થતું હતું. આ સાથે જ મૃત પશુઓને દફન કર્યા બાદ ગંદકી અને માખીઓનો ઉપદ્રવ પણ થતો હતો જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
પશુઓના હાડકાં મળી આવતાં હતાં
નગરપાલિકા દ્વારા મૃત પશુઓની અંતિમવિધિ જમીનમાં દાટીને કરવામાં આવતી હતી જમીનમાં દાટી નિકાલ કરતાં ઘણી વખત શ્વાન ખોદી કાઢતાં હતા. તેમજ મૃત પશુઓને જ્યાં દાટવા જાય ત્યાં પહેલાં દાટેલા પશુઓના હાડકાં મળી આવતાં હતાં. આ સાથે મૃત પશુઓને દાટવા જમીન પણ સિમિત થઈ ગઈ હતી. જો કે હવે વાપી નગરપાલિકા દ્વારા મૃત પશુઓની અંતિમવિધિ માટે ચંડોર ગામ નજીક નગરપાલિકા દ્વારા સંચાલિત સોલિડ વેસ્ટ સાઈડ પર નાના પ્રાણીઓ અને મોટાં પશુઓ માટે નાના મોટા એમ 2 ગેસ આધારિત ચેમ્બરો તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં મહિને સરેરાશ 10 મૃત પશુઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અંતિમવિધી માટે પણ સ્મશાન બનાવવામાં આવ્યું
મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી તો મનુષ્યના મૃત્યું બાદ કરવામાં આવતી અંતિમવિધિ માટે જ સ્મશાન ભૂમિ બનાવવામાં આવતી હતી. જોકે હવે વાપી નગરપાલિકા દ્વારા મૃત પશુઓની અંતિમવિધી માટે પણ સ્મશાન બનાવવામાં આવ્યું છે. ત્યારે વાપી નગરપાલિકા દ્વારા શરૂ થઈ રહેલી આ સુવિધાને લઈ પશુઓના મોત બાદ તેમના મોતનો પણ મલાજો જળવાશે સાથેજ આ સુવિધા શરૂ થવાથી અત્યાર સુધી થતી દરેક સમસ્યાનો અંત આવશે.
અહેવાલ - રિતેશ પટેલ , વલસાડ
આ પણ વાંચો - VIBRANT GUJARAT SUMMIT 2024 : PM મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું