VADODARA : યુવકે ફ્લેટના 9 માં માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
VADODARA : વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ડ્રાયક્લીનીંગની દુકાન ધરાવતા યુવકે આજે સવારે 11 વાગ્યે ડ્રીમ આઇકોન એપાર્ટમેન્ટના 9 માં માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. જે બાદ સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. યુવક તેના માતા-પિતા સાથે રહેતો હતો. અને તેણે કેમ જીવન ટૂંકાવ્યું તે અંગે કોઇ ચોક્કસ કારણ હાલસુધી સામે આવ્યું નથી. (YOUNG MAN SUICIDE FROM 9TH FLOOR - VADODARA)
સવારે તે નિત્યક્રમ મુજબ ફતેગંજથી નીકળ્યા
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બ્રિજેશ પરદેશી રહેતો હતો. તે માંજલપુર વિસ્તારમાં ડ્રાઇક્લિનીંગની દુકાન ધરાવતો હતો. તે દુકાનની આજુબાજુના એપાર્ટમેન્ટ તથા સોસાયટીમાં જઇને કપડાં લઇને આવતા હતા, અને તેનું ડ્રાઇક્લિનીંગ કરીને પરત આપી દેતા હતા. આજે સવારે તે નિત્યક્રમ મુજબ ફતેગંજથી નીકળ્યા હતા. અને દુકાને પહોંચ્યા હતા. ત્યાર બાદ ડ્રીમ આઇકોન એપાર્ટમેન્ટમાં કપડાં લેવા માટે ગયા હતા. ત્યાંથી 9 માં માળેથી અગમ્ય કારણોસર છલાંગ લગાવી દીધી હતી.
સારવાર મળે તે પહેલા જ સ્થળ પર દમ તોડ્યો
ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. સાથે જ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. બ્રિજેશને સારવાર મળે તે પહેલા જ તેઓએ સ્થળ પર દમ તોડ્યો હતો. ઘટના બાદ માંજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને પોસ્ટ મોર્ટમ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બ્રિજેશ તેના વૃદ્ધ માતા-પિતા સાથે રહેતો હોવાનું સુત્રોએ જણાવ્યું છે, પરિવારમાં એક મોટી બહેન પણ છે, તેના લગ્ન થઇ ગયા છે.
આ પણ વાંચો --- VADODARA : કપિરાજે કૂદકો મારતા ઇંટ પડી, વૃદ્ધનું માથું ફૂટ્યું