VADODARA : ડેન્ગ્યૂના કેસો વધ્યા, SSG હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો
VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરામાં ડેન્ગ્યૂના વધતા કેસોને ધ્યાને રાખીને અને તમામને સઘન સારવાર મળી રહે તે માટે મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ડેન્ગ્યૂ પોઝીટીવ દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે, તેવું ઇન્ચાર્જ આરએમઓ એ જણાવ્યું છે.
સરકારી હોસ્પિટલનું તંત્ર સજ્જ
વડોદરામાં વિતેલા કેટલાક સમયથી પાણીજન્ચ અને મચ્છર જન્ય રોગચાળો વકરી રહ્યો છે. ડેન્ગ્યૂ, મેલેરીયા તથા કોલેરાના શંકાસ્પદ તથા પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. જો કે, વડોદરાની સરકારી હોસ્પિટલનું તંત્ર સજ્જ હોવાના કારણે તમામ સાજા થઇને ઘરે પરત ફરી રહ્યા છે, કોઇ જાનહાનીની ઘટના હજીસુધી સામે આવી નથી. ત્યારે પાલિકા દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટીન અનુસાર, વિતેલા 24 કલાકમાં ડેન્ગ્યૂના 41 શંકાસ્પદમાંથી 6 પોઝીટીવ આવ્યા હતા, જ્યારે મેલેરિયાના 115 શંકાસ્પદમાંથી 1 પોઝીટીવ કેસ આવ્યો હતો. જેમાં ડેન્ગ્યૂ કેસો કિશનવાડી, શિયાબાગ - 2, આદર્શનગર, એકતાનગર, મુજમહુડા વિસ્તારમાંથી અને મેલેરિયા કેસ કપુરાઇ વિસ્તારમાંથી સામે આવ્યો છે. બીજી તરફ કેસો વધતા વડોદરાની સરકારી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. અને દર્દીઓની સારવાર માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
28 બેડની કેપેસીટીનો અલાયદો વોર્ડ બનાવ્યો
વડોદરાની એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડો. એચ. એસ. ચૌહાણે જણાવ્યું કે, આપણે ત્યાં ડેન્ગ્યૂના કેસો થોડાક વધ્યા તો છે. તે હકીકત છે. આપણે ત્યાં તેની કેઝ્યુલ્ટી એટલી થઇ નથી. તે આપણા માટે સારી વાત છે. તેની માટે હોસ્પિટલનું તંત્ર પૂરેપૂરી કાળજી લઇ રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં 14 કેસો નોંધાયા છે. જેમાં આજની તારીખે 5 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂનું કારણ મચ્છર છે, તે ગંદકીના, ખાબોચિતા તથા ભરાઇ રહેલા પાણીમાં ઉપદ્રવ વધારે છે. લોકોએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ખાબોચીયા ઉલેચવા શક્ય ન હોય તો તેમાં બળેલું તેલ નાંખી દે, જેથી મચ્છરોનો ઉપદ્રવ ઘટી જશે. હોસ્પિટલ તંત્ર પૂરેપૂરૂ સજ્જ છે. અમારા દ્વારા 28 બેડની કેપેસીટીનો અલાયદો વોર્ડ બનાવ્યો છે. જેમાં દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે. જરૂર પડશે તો તેની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : પૂર સમયે આત્મનિર્ભર બનવા તરફ શહેરવાસીઓનું પ્રયાણ